બેંગલુરુ : બેંગલુરુની સ્પેશિયલ MP/MLA કોર્ટ દ્વારા જાતીય સતામણી કેસને લઈને JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાની (Prajwal Revanna) વિરુદ્ધની ધરપકડનું વોરંટ જાહેર કરી દીધું છે. ઇન્ટરપોલે પણ પ્રજ્વલ રેવન્નાના નામ પર બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી દીધી છે. હાલ પ્રજ્વલ પર ત્રણ મહિલાઓ દ્વારા કરવામાં આવેલા ત્રણ કેસો છે. પ્રજ્વલ 26 એપ્રિલે થયેલ મતદાન બાદ જર્મની નાસી છૂટયો હતો, તેના પિતા એચડી રેવન્ના (HD Revanna) પણ આ કેસમાં સંડોવાયેલા છે. જો કે એચડી રેવન્ના હાલ તો કિડનેપિંગના કેસમાં જામીન પર બહાર છે.
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ કર્ણાટક સેક્સ સ્કેન્ડલને લઈને શનિવારે 18 મેના રોજ પ્રથમ વખત નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું, ‘મને પ્રજ્વલ સામેની કાર્યવાહી સામે કોઈ વાંધો નથી, પરંતુ રેવન્ના સામે ચાલી રહેલા કેસ તેને ફસાવવા માટે બનાવવામાં આવ્યા છે. પ્રજ્વલ વિદેશ ગયો છે. કુમાર સ્વામી પહેલા જ કહી ચૂક્યા છે કે સરકારે કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઈએ. આ કેસ સાથે ઘણા લોકો જોડાયેલા છે. હું કોઈનું નામ લેવા માંગતો નથી, પરંતુ મહિલાઓને ન્યાય મળવો જોઈએ.
શું છે મામલો :
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર એચડી રેવન્ના અને પૌત્ર પ્રજ્વલ રેવન્નાની વિરુદ્ધ તેના ઘરમાં જ કામ કરનારી મહિલાઓએ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. 26 એપ્રિલના બેંગ્લુરુમાં જાહેર સ્થળો પરથી ઘણી પેનડ્રાઈવ મળી હતી. આ બાદ દાવો કરવામાં આવ્યો હતો કે પેન ડ્રાઈવમાં 3 થી વધુ વિડીયો છે. જેમાં પ્રજ્વલ રેવન્નાને ઘણી મહિલાઓની જાતીય સતામણી કરતો હોવાનું જણાયું હતું. જો કે વિડિયોમાં મહિલાઓના ચહેરાને પણ બ્લર કરવામાં નથી આવ્યા.
દેવરાજ ગૌડા પર આ વિડીયો લીક કરવાનો આરોપ છે. જો કે આ આરોપોને તેમણે ખોટા ગણાવ્યા હતા. આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. જેને પ્રજ્વલ વિરુદ્ધ છેડતી, બ્લેકમેઈલિંગ અને ધમકી આપ્યાના આરોપ સહિત ત્રણ ફરિયાદો નોંધવામાં આવી છે.