Loksabha Election 2024 : પાંચમા તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીથી લઇને ચિરાગ પાસવાન સહિત અનેક નેતાઓનો ભાવિનો ફેંસલો થશે

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે પાંચમા તબક્કાનું મતદાન(Voting) 20 મેના રોજ થવાનું છે. આ તબક્કામાં 8 રાજ્યોની 49 સીટો માટે મતદાન થશે. પાંચમા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં વર્ષ 2019માં સરેરાશ 62.01 ટકા મતદાન થયું હતું. જેમા સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 80.13 ટકા હતું. જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું 34.6 ટકા મતદાન થયું હતું. પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ કુલ 428 બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થશે. પાંચમા તબક્કામાં અનેક કદાવર નેતાઓ ચૂંટણી મેદાનમાં છે. જેમાં રાહુલ ગાંધીથી(Rahul Gandhi) લઇને ચિરાગ પાસવાન જેવા નેતાઓની વિશ્વસનીયતા દાવ પર છે.
કોણ ક્યાંથી ચૂંટણી લડે છે?
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ લખનૌ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સમાજવાદી પાર્ટીએ રાજનાથ સિંહ સામે રવિદાસ મેહરોત્રાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મંત્રી રહી ચુકેલા મેહરોત્રા હાલમાં લખનૌ સેન્ટ્રલ એસેમ્બલી સીટથી સપાના ધારાસભ્ય છે.
રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ અહીંથી દિનેશ પ્રતાપ સિંહને ઉમેદવાર જાહેર કર્યા છે. સોનિયા ગાંધીએ તેમના પુત્ર રાહુલ ગાંધી માટે પોતાની બેઠક છોડી દીધી છે.
ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને અમેઠીથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અહીંથી કોંગ્રેસ પાર્ટીએ ગાંધી પરિવારના નજીકના ગણાતા કે.એલ. શર્માને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
ચિરાગ પાસવાન NDA વતી હાજીપુર લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે આરજેડીએ હાજીપુરથી શિવચંદ્ર રામને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
ઓમર અબ્દુલ્લા કાશ્મીરની બારામુલા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીના ફૈયાઝ અહેમદ ઓમર સામે ચૂંટણી લડી રહ્યા છે. ગત ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સના અકબર લોને આ બેઠક જીતી હતી.
લખનઉથી રાજનાથ સિંહ અને અમેઠીથી સ્મૃતિ ઈરાની મેદાનમાં
આ સિવાય મોદી સરકારના ઘણા મંત્રીઓ પણ પાંચમા તબક્કામાં ચૂંટણી મેદાનમાં છે. જેમાં મહારાષ્ટ્રના ઉત્તર મુંબઈથી પીયૂષ ગોયલ, મોહનલાલ ગંજથી કૌશલ કિશોર, લખનઉથી રાજનાથ સિંહ, અમેઠીથી સ્મૃતિ ઈરાની, ફતેહપુરથી સાધ્વી નિરંજન જ્યોતિ, ડિંડોરીથી ડૉ. ભારતી પ્રવીણ પવાર, કોડરમાથી અન્નપૂર્ણા દેવી, ભિવંડીથી કપિલ પાટીલ અને બંગાંવથી શાંતનુ થાનકેને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે.