અમારી ઊંઘ છીનવી લેનારા દ્વારા બંધારણ ખતરામાં છે!
વિશેષ -રાજેશ યાજ્ઞિક
થોડા સમય પહેલા બોમ્બે હાઇ કોર્ટે આજકાલ બહુ વગોવાયેલી ઇડી અર્થાત્ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ટકોર કરી કે કોઈની ઊંઘમાં ખલેલ પહોંચાડવી એ માનવાધિકારનું ઉલ્લંધન છે, તેથી અડધી રાતે કોઈના ઘરે ટકોરા મારવા નહીં. લગભગ બાર વર્ષ પહેલા દેશની સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરી કે સંવિધાનમાં આપેલ ‘જીવવાના અધિકાર’માં ઊંઘવાનો અધિકાર પણ સામેલ ગણાય. અમે તો હાઇ કોર્ટના આ આદેશથી અત્યંત ખુશ છીએ. અમે તો આ સમાચાર વાંચીને તરત જ શ્રીમતીજીને બૂમ પાડીને કહ્યું, કે સાંભળો છો, હવે તો કોર્ટે પણ કહી દીધું છે કે ઊંઘવું અમારો અધિકાર છે. માટે રવિવારે સવારે અમને પરાણે ઉઠાડવાનો પ્રયત્ન કરવો કાનૂની અપરાધ ગણાશે. પણ અમારા શ્રીમતીજી ગાંજ્યા જાય એવા નથી. અમારા બાઉન્સરની સામે એમની પાસે હેલિકોપ્ટર શોટ રેડી જ હતો. રસોડામાંથી એ તરત ટહુક્યા, ‘એ વાત સાચી, પણ કુંભકર્ણની જેમ ઊંઘવું એ રોગ છે, અધિકાર નહીં!’ લ્યો, બોલો. એક જ વાક્યમાં એમણે અમને રાક્ષસ પણ કહી દીધો અને રોગી પણ! જોકે, આમ તો ઊંઘવાના અમારા માનવ અધિકારનો ભંગ નાનપણથી કરવામાં આવી રહ્યો છે. બાળપણમાં અમને મમ્મી ગોદડાં ખેંચીને પથારીમાંથી પરાણે બહાર કાઢતા, અમારા લગ્ન પછી એમણે ઘરની ચાવી સાથે એ કાર્ય અમારા શ્રીમતીજીને સોંપ્યું છે. શાળામાં ઇતિહાસ-ભૂગોળના વર્ગમાં પણ નિદ્રા દેવી અમને તથાસ્તુ કહી દેતા, પણ શિક્ષક તરત અમારા માનવ અધિકારનું ઉલ્લધન કરીને ફૂટપટ્ટીનો ચમકારો કરી દે, પરંતુ દેશની કોઈ પણ કોર્ટની, કોઈ પણ બેન્ચે અમારા જેવા લાખો ઊંઘ પ્રેમી બાળકો અને વયસ્કોના માનવ અધિકારના ઉલ્લંધન સામે એક અક્ષર પણ કહ્યો નથી, એવી અમારી ફરિયાદ છે. અમને ઊંઘતા રોકવું એ ‘બંધારણ બદલવાનું કાવતરું’ છે. અમારી એ પણ ફરિયાદ છે કે અમને અમારી મરજી મુજબ, ઇચ્છીએ તે સમયે ઊંઘવાની અનુમતિ નથી, પણ દેશના રાજકારણીઓને, સરકારી બાબુઓને, પોલીસને એ નિયમ કેમ લાગુ પડતો નથી? જો ભ્રષ્ટાચારીઓ અને ગુનેગારો પોતાની મરજી મુજબ ઊંઘી શકતા હોય તો અમે કેમ નહીં? એચ. ડી. દેવેગોવડા તો વડા પ્રધાન હતા ત્યારે સંસદમાં ઊંઘી શકતા હતા અને અમે અમારા પલંગ ઉપર પણ નહીં? એ જુદી વાત છે કે એમના પૌત્ર હવે કોઈ અલગ રીતે સૂતા ઝડપાયા છે, પણ આપણે તેની વાત નહિ કરીએ. સંસદમાં તો જાણે ઊંઘવાની હરીફાઈ જામી હોય તેવો માહોલ છે. વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં મનમોહન સિંહ પણ સંસદમાં ઊંઘતા ઝડપાયા છે. અત્યારે દેશને ‘જગાડવા’ બબ્બે ભારત ભ્રમણ કરી ચૂકેલા રાહુલ ગાંધી ૨૦૧૪માં સંસદમાં ઊંઘતા હોય તેવી તસ્વીર પણ આપણે જોઈ. તો જ્યારે નાણાં પ્રધાન અરુણ જેટલી બજેટ રજુ કરી રહ્યા હતા, ત્યારે માનવ સંસાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની સંસદમાં ઉંઘતા દેખાયા છે. જો આપણી સંસદની ખુરશી આટલી સુવિધાજનક હોય કે લોકોને ઊંઘ આવી જતી હોય, તો અમારી માંગ છે કે નેતાઓએ આવી જ ખુરશી મતદાતાઓને મફત આપવાનું એલાન કરવું જોઈએ, જેથી દેશના ભ્રષ્ટાચારીઓને જોઈને અમારી ઊંઘ હરામ થઇ છે તેમાં આરામ મળે. હવે સમજાય છે કે નેતાઓ ખુરશી છોડવા તૈયાર કેમ નથી, એક વાર જીતીને પાંચ વર્ષ જો પ્રજાને પૈસે ઊંઘવા મળતું હોય તો આવો લ્હાવો કોણ જવા દે, હેં?! પરંતુ જ્યારથી કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે જેલમાંથી મુક્તિ મળી છે, અમને એક બીજો ભય સતાવે છે. હવે જો પ્રજા કે મીડિયામાંથી કોઈ નેતાઓના ઊંઘવા પર આપત્તિ લે, તો ક્યાંક એ લોકો પોતાના ઊંઘવાના માનવ અધિકારનો કેસ ઠોકી ન બેસાડે. અને સુપ્રીમ કોર્ટ પણ નેતાની દયા ખાઈને સંસદમાં ઊંઘવાને નેતાઓનો “વિશેષ અધિકાર” ઘોષિત ન કરી નાંખે! એમ તો પ્રજાના કામની ફાઈલોને ’ગાંધી છાપ’નોટના ભાર તરીકે દબાવી રાખતા સરકારી બાબુઓ પણ ઊંઘે છે એવું જ કહેવાય. અને અપરાધીઓની કુપ્રવૃત્તિઓ પર ખિસ્સા ગરમ કરીને આંખ આડા કાન કરનાર કાયદાના રખેવાળો પણ પ્રજા માટે ઊંઘતા જીવો જ ગણાય. કેમકે આ લોકોની આંખો ખુલ્લી છે, પણ આત્મા સુષુપ્ત છે.
અમારો પ્રલાપ સાંભળીને શ્રીમતીજી તાડુક્યા; કહે, ખરાબ ઉદાહરણો ન આપો, સારા આપો. આપણા વર્તમાન વડાપ્રધાન એક પણ રજા લીધા વિના, અઢાર-ઓગણીસ કલાક કામ કરે છે, ને તમારે રવિવારે પંદર કલાક ઊંઘવું છે? વાત તો સાચી છે. નેતાઓનું તો ઠીક, આ દેશની પ્રજા પણ ઊંઘમાં જ છે. એવું ન હોત, તો ભ્રષ્ટાચારીઓ, બળાત્કારીઓ, ગુંડાઓ અને દેશ સેવાનું એકેય કામ ન કરતા નેતાઓ વારંવાર થોડા ચૂંટાઈ આવે? જે દેશવાસીઓ મતાધિકારનો ઉપયોગ નથી કરતા એ પણ આ દેશની ઊંઘતી પ્રજા જ છે. આપણે વિચાર કરવો રહ્યો, જો દેશના સીમાડાઓની રક્ષા કરનાર સૈનિકો ઊંઘી જાય તો આપણું અને આ દેશનું શું થાય? અરે, આપણા મકાનનો વોચમેન પણ જો ઊંઘી જાય તો ઘર લૂંટાઈ જવાની શક્યતા હોય છે. આ દેશનું યુવાધન મહેનત કરવાને બદલે ઊંઘવામાં સમય કાઢે તો ભવિષ્યના શું હાલ થાય? જે દેશના નેતાઓ સંસદમાં ઊંઘતા હોય, સરકારી બાબુઓ વિકાસ કાર્યોની ફાઈલો ઉપર માથું મૂકીને ઘોરતા હોય, અને જે દેશની પ્રજા મતદાન કરવાને બદલે ઘરમાં કે વેકેશનમાં ઊંઘતા હોય, તેના માટે કવિના શબ્દોમાં કહેવું પડે, “એ દેશની ખાજો દયા.