સરકારી તપાસની હાસ્ય-રહસ્યમય કલા
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
એ તપાસ સમિતિવાળા લોકો એવા તારણ પર પહોંચ્યા કે જ્યારે વિમાન અકસ્માત થયો ત્યારે એ આકાશમાં ઊડી રહ્યું હતું. એટલે હવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો કે એવી ય શંકા કરી શકાય એ વિમાન, જમીન પર જ ઊભું ઊભું તૂટી પડ્યું , પણ સદનસીબે એ લોકોને એવી શંકા નથી. એમણે વિમાનના ટુકડાઓ બહાર કાઢીને જોયા અને દિવસોના મનોમંથન ને ચર્ચા બાદ, સૌ એક નિષ્કર્ષ પર પહોંચ્યાં કે- ‘વિમાન ચોક્કસ તૂટી પડ્યું છે! ’ હવે એ બધાં એ સમજવાની કોશિશ કરી રહ્યા હતા કે સાલું, પ્લેન તૂટ્યું તો ક્યાં તૂટ્યું? આકાશમાં, દરિયાની જળ-સપાટી પર કે જમીન પર ઉતર્યા પછી? અને જ્યારે એ તૂટી રહ્યું હતું ત્યારે વિમાનમાં તૂટવા સિવાય બીજું શું થઈ રહ્યું હતું? વિમાનની અંદર લોકો શું કરી રહ્યા હતા? પેસેંજરો શું ખાઇ-પી રહ્યા હતા કે પછી સૂઇ રહ્યા હતા? વળી વિમાનનો પાઈલટ શું કરી રહ્યો હતો? પાઈલટ, વિમાન ઉડાવા સિવાય બીજું શું કરી રહ્યો હતો? એનાં મોંમાં વિમાન તૂટ્યા પહેલા શું શબ્દો હતા? અને તૂટ્યા પછી કયા શબ્દો હતા? વળી વિમાન તૂટી રહ્યું હતું ત્યારે કેટલા વાગ્યા હતા?
જો કે સદ્નસીબે હજુ સુધી એ લોકોને સમુદ્રના તળિયેથી માંડ માંડ પેલા જે બે ‘બ્લેક બોક્સ’ મળી આવ્યા છે, એના પર શંકા નથી ગઈ. શક્ય છે કે એ બે ‘બ્લેક બોક્સ’ આ વિમાનના ન પણ હોય, બીજા કોઈ વિમાનના પણ હોય, અથવા એ ‘બ્લેક બોક્સ’ એ જ વિમાનના હોય પણ એમાં લાગેલી ટેપ બીજી હોય, પણ એવી બધી જટિલ વાતો પર એ લોકોએ શંકા ન કરી.
હવે ચલો, તૂટેલા વિમાનમાંની છેલ્લી ક્ષણોવાળી ટેપ પણ વાગી રહી હતી અને એ ધ્યાનથી લોકો સાંભળી પણ રહ્યા હતા, પણ એ બધા શંકા કરી રહ્યા હતા કે એ ટેપમાં શું એ જ બોલવામાં આવ્યું હતું, જે એ લોકો સાંભળી રહ્યા હતા? કે પછી આ સિવાય બીજું કાંઈ તો બોલવામાં નથી આવ્યું ને?
જે એ લોકો, એને સાંભળી શકતા નથી. પછી એમને થયું કે આપણે જે ટેપ સાંભળી રહ્યા છીએ એનો અર્થ શું છે?
બીજો કોઈ ગૂઢ અર્થ તો નથી ને? બીજો અર્થ જો હોય શકે, તો પછી ત્રીજો અર્થ શું હશે? કઈ રીત કે પ્રક્રિયા, કયા વ્યાકરણની કે શબ્દકોશની મદદ લઈને અર્થ કાઢવો જોઈએ?
એ તૂટતાં વિમાનની વાતચીતનો અર્થ સમજાયા પછી એ લોકો અકસ્માત સ્થળ પર જશે. ત્યાં ઊભા રહીને તેઓ વિચાર કરશે કે જે દિવસે આ ઘટના બની તે દિવસે આવા અર્થવાળાં વાક્યો કે અવાજો ત્યાં શક્ય છે કે નથી?
કોઈ પણ ઘટના, દુર્ઘટના કે રહસ્યમય બાબતની તપાસ કરવી એ ખરેખર તો અપનેઆપમાં એક અદ્ભુત રહસ્યમય કળા છે. જો તમે એમ કહેશો કે અમે ફલાણી ઘટના અમારી આંખોથી જોઈ છે તો એ લોકો પહેલાં તો તમારી આંખોની તપાસ શરૂ કરશે ને એ જાણવાનો પ્રયત્ન કરશે કે જેનાથી એ ઘટના જોવામાં આવી એ ખરેખર આંખો જ હતી કે નહીં?
એ લોકોએ ‘બ્લેક બોક્સ’ની ટેપ સાંભળી છે. હવે એ લોકો કાનની તપાસ કરશે.
જ્યારે ભોપાલમાં ઝેરી ગેસ લીક થયો હતો ત્યારે બધાં ભારતીય નિષ્ણાતો ત્યાં ભેગા થયા હતા- ઝેરી ગેસકાંડ તપાસનું મહાન કામ કરવા માટે. બધી તૈયારી ને સરકારી વ્યવસ્થા મળ્યા પછી એક પછી એક દિવસ પસાર થવા લાગ્યા છતાં એ લોકો, ક્યારેય એક પ્રશ્ર્નનો જવાબ આપી શક્યા નથી કે એ રાત્રે ગેસ લીક થયો કેવી રીતે? સ્ટોરના રજિસ્ટરથી લઈને ટેસ્ટિંગ લેબોરેટરી સુધીનું બધું જ ત્યાં સામે જ હતું, પણ એ લોકો કારણ જણાવી શક્યા નહીં. આજે વરસો થયા બાદ પણ એ જાંચ સમિતિવાળા નક્કી કરી શકતા નથી, ગેસ કેમ લીક થયો ? કે પછી થયો જ નથી?
સરકારી તપાસકળા આને જ કહેવાય. અકસ્માત થયો, પણ જે બનાવ બન્યો એ અકસ્માત હતો કે નહીં એ શોધવું જરૂરી છે. બાકી બધું જાય ચૂલામાં. પણ એ ચૂલો પણ ચૂલો હશે કે નહીં એના વિશે પાછી તપાસ કમિટી બેસશે!