એક એરક્રેશનો આ તે કેવો એક ખુંખાર બદલો?
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
પીટર નેલ્સન ૧ જુલાઈ,૨૦૦૨ની સાંજે ઝુરિચ એરપોર્ટ પર ડ્યૂટિ પર જોડાયો ત્યારે એને બધું રાબેતા મુજબ જ લાગ્યું. જો કે, એ તોફાન પહેલાંની શાંતિ હતી. એને જરાય અણસાર નહોતો કે બે વરસ પછી થનારી પોતાની હત્યાનાં બી આજે રોપાવાનાં છે. નેલ્સન સ્વિટ્ઝરલેન્ડની એજન્સી સ્કાયગાઈડનો એર ટ્રાફિક ક્ધટ્રોલર હતો. એ રાત્રે બે જ એર ટ્રાફિક ક્ધટ્રોલર હતા. રાત એકદમ ખામોશ હતી. નજીકના ભાવિથી સદંતર બેખબર. એવામાં બીજો ટ્રાફિક ક્ધટ્રોલર સિગારેટ લેવા ગયો. એટલે એરપોર્ટ પરના ક્ધટ્રોલ ટાવરમાં નેલ્સન એકલો રહી ગયો. નેલ્સન સામે પડેલાં બન્ને મોનિટર પર નજર રાખી રહ્યો હતો, જેમાં શોર્ટ ટર્મ કોન્ફિલક્ટ એલર્ટ (એસટીસીએ) પરથી ગમે ત્યારે અકસ્માતની શક્યતા દર્શાવતી વોર્નિંગ રજૂ થતી હોય છે,પરંતુ નેલ્સનને જાણ નહોતી કે ન એણે એ જોવાની દરકાર કરી કે એના મોનિટર પરની એસટીસીએ વોર્નિંગ સિસ્ટમ કોઈએ બંધ કરી રાખી છે. આ જ કારણસર રાતના ૧૧.૩૦ વાગ્યે એના મોનિટર પર આવેલા બાસ્કિરિયન એરલાઈન્સ ફ્લાઈટ ૨૯૩ના ઈમરજન્સી મેસેજની એને જાણ ન થઈ. જો કે,એના સાથી કર્મચારીના મોનિટર પર વોર્નિંગ આવી ચૂકી હતી કે બાવન રશિયન વિદ્યાર્થીઓને લઈને બાર્સેલોના જઈ રહેલું એક રશિયન જેટ બ્રિટિશ એરક્રાફટ ડીએચએલ કાર્ગોના સીધા માર્ગમાં ધસમસતું આગળ વધી રહ્યું છે તો તાબડતોબ તેને રૂટ ચેન્જ કરવા જણાવો. સમય ખૂબ ઓછો હતો. વોર્નિંગ મોકલ્યાને પણ ઘણી મિનિટો થઈ ચૂકી હતી. વાતાવરણ તંગ બની રહ્યું હતું. બન્ને વિમાનના ચાલકો વિમાસણમાં પડ્યા હતા. એ બન્ને પોતાની ઇચ્છા પડે તેમ રૂટ બદલી ન શકે. એ જે હવાઈ ક્ષેત્રમાં ઊડી રહ્યા હોય એ ક્ષેત્રના એર ટ્રાફિક ક્ધટ્રોલરની સૂચના પ્રમાણે જ એમણે માર્ગ બદલવો પડે. બીજું , આ બન્ને વિમાનના ચાલકોને એ જાણ પણ નહોતી કે એ બન્ને પૂરપાટ ઝડપે એકમેક તરફ ધસી રહ્યા છે. આ સંજોગોમાં નેલ્સને ટ્રાફિક ક્ધટ્રોલ કરવાનો હતો, પણ એ પોતાની કેબિનની બહાર હતો. પાડોશના એરપોર્ટ અધિકારીઓ સાથે એક ફ્લાઇટના લેન્ડિંગ વિશે માહિતીની આપ-લે કરી રહ્યો હતો. બીજી તરફ, વોર્નિંગ સિસ્ટમ રેડ-એલર્ટ જાહેર કરી ચૂક્યું હતું. નેલ્સનના ટ્રાફિક ક્ધટ્રોલ ટાવરમાં રેડ-એલર્ટનો ધ્વનિ ગૂંજી ઊઠયો હતો,પણ બેદરકાર નેલ્સન એ સાંભળી શક્યા નહોતા. નેલ્સનની ‘ઊંઘ’ઊડી ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું. પૂરી ૧ મિનિટનો સમય પણ બચ્યો નહોતો. નેલ્સનને પરિસ્થિતિની ગંભીરતા-સમજાઈ ગઈ. એ અવાક થઈ ગયો હતો. શું કરવું,શો આદેશ આપવો એની ગડમથલમાં એનું મગજ ચાલતું નહોતું. બન્ને વિમાન પૂરપાટ ઝડપે એકમેક તરફ ધસી પડ્યાં
આખરે બરાબર ૧૧.૩૫ ને ૩૨ સેકંડે રશિયન જેટ અને બ્રિટિશ એરક્રાફટ એક બીજા સાથે અથડાઈને પ્રચંડ ધડાકા સાથે ૩૪,૮૯૦ ફૂટની ઊંચાઈ પરથી ઝુરિચની ભૂમિ પર આગની જ્વાળામાં પછડાયાં.નજરે જોનારાના કહેવા મુજબ બન્ને વિમાન એકબીજા સાથે ટકરાયાં ત્યારે જબરદસ્ત મોટો અગનગોળો રચાયો હતો. જાણે ઉલ્કાપાત થયો હોય! ઘડીના છઠ્ઠા ભાગમાં ૫૦થી વધારે ભૂલકાં કાળના મોંમાં ધરબાઈ ચૂક્યાં હતાં. આ દુર્ઘટના વખતે ઝુરિચથી ૧૦૦૦ માઇલ દૂર વિટાલી કાલોયેવ નામનો એક આર્કિટેક્ટ પોતાનાં માસૂમ ભૂલકાં અને પત્નીનો ચહેરો જોવા તલસી રહ્યો હતો. પોતે એક મોટા ક્ધસ્ટ્રકશન પ્રોજેક્ટ માટે ઉત્તર ઓટેના ગયો હોવાથી પત્ની અને બાળકોને ત્રણ-ત્રણ વરસથી જોઈ શક્યો નહોતો. હવે વતન પરત ફરવાનો સમય પાકી ગયો હોવાથી એણે પોતાની પત્ની અને બાળકોને એક મહિનો ઉત્તર ઓટેના તેડાવ્યાં હતાં. એવામાં એરપોર્ટ ઓથોરિટી તરફથી સત્તાવાર જાહેરાત થઈ કે બાર્સેલોનાથી આવી રહેલું રશિયન જેટ ઝુરિચમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ખબર સાંભળતાં જ વિટાલી કાલોયેવના હાથ-પગ ઠંડા પડી ગયા : શું હું મારાં માસૂમ બાળકો અને પત્નીને ફરી ક્યારેય નહીં જોઈ શકું? એણે તાબડતોડ ઝુરિચની ફ્લાઈટ પકડી અને સૌથી પહેલો લેક કોન્સ્ટન્સના દુર્ઘટનાસ્થળ પર પહોંચી ગયો. અગનજ્વાળામાં લપટાયેલા વિમાનનો ભંગાર, ત્રીસ-ત્રીસ કિલોમીટર સુધી વેરાયેલાં માસૂમ ભૂલકાંઓના શરીરથી છૂટાં પડેલાં અંગો, વિમાનોના કાટમાળ અને બેઠક પર જ બંધાયેલા પ્રવાસીઓના મૃતદેહો. ત્યાં પહોંચતા જ વિટાલી કાલોયેવને એની ચાર વર્ષની પુત્રીનો લગભગ કોઈ ઘા- ઘસરકા વગરનો મૃતદેહ બતાવવામાં આવ્યો. દીકરી કદાચ ૩૫,૦૦૦ ફૂટ ઉપરથી નીચે પટકાતાં પહેલાં જ ઠંડીથી કે આઘાતથી ઠરીને મૃત્યુ પામી હતી. એનો ૧૧ વર્ષનો પુત્ર કોન્સ્ટન્ટીન વિમાનની એક પાંખની સામે રસ્તા પર પડેલો હતો. કાલોયેવની પત્નીનો કોહવાયેલો મૃતદેહ નવ દિવસ પછી દૂરના એક મકાઈના ખેતરમાંથી મળ્યો હતો. આ સમય દરમિયાન વિટાલી પોતાના શેષ કુટુંબ કરતાં સ્કાયગાઈડના ગાઢ સંપર્કમાં હતો. દુઘર્ટના અંગે સ્પષ્ટતા કરવા અને માફી માગવા એ કંપનીને મળીને અને લખીને જણાવતો રહ્યો. જો કે એને બેમાંથી કંઈ ન મળ્યું. એર ટ્રાફિક ક્ધટ્રોલ વર્તુળોમાં સ્કાયગાઈડની પ્રતિષ્ઠા કંઈ બહુ સારી નહોતી. વિમાન અકસ્માત માટે એ લોકો કુખ્યાત હતા , છતાં,ભૂલ સ્વીકારવા તૈયાર નહોતા. બલકે,દુર્ઘટના સ્થળે યોજેલી પ્રાર્થનાસભામાં તેમણે વિટાલી ને ખાસ આમંત્રણ આપી,ઉપરછલ્લી માફી માગી લીધી અને કહ્યું કે,એમની કંપની આ એરક્રેશ માટે કેવળ આંશિક જવાબદારી’ જ સ્વીકારે છે. આને કારણે વિટાલીનો પિત્તો ગયો. એણે ચાલુ પ્રાર્થનાસભામાં રીતસર ગાળાગાળી શરૂ કરી અને ધમકી ઉચ્ચારી: આ એર ટ્રાફિક ક્ધટ્રોલરને હું શોધી કાઢીશ એનો પીછો પકડીશ અને એને કૂતરાની જેમ એને કાપી નાખીશ.’ પેલા એર ક્ધટ્રોલર નેલ્સનનું નામોનિશાન મિટાવી દેવાના નિર્ધાર સાથે એક આખી યોજના એના દિમાગમાં હતી, એણે બરાબર ગણતરીપૂર્વક એ જ પરાની હોટલમાં ઉતારો લીધો જ્યાં નેલ્સન સપરિવાર રહેતો હતો. થોડા દિવસ એણે આજુબાજુના માહોલનો તાગ મેળવ્યો. નેલ્સન ક્યારે ઘરે હોય છે, ક્યારે તે બહાર જાય છે એની આડોશ- પાડોશમાં કોણ છે- તમામ વિગત એણે કઢાવી. પછી એક દિવસ એના ઇન્તેકામની ઘડી આવી ગઈ.
બગલમાં દગલબાજ છૂરી લઈને એ પહોંચી ગયો એના ઘરની સામેના બગીચામાં. આસપાસનો માહોલ એકદમ શાંત હતો. કોઈને એના આવ્યાની ભાળ નહોતી. એનો નિર્ણય સ્પષ્ટ હતો: ‘આજે કાં હું નહીં કાં મારાં સંતાનોના મોત માટે જવાબદાર આ નેલ્સન નહીં.’ એવામાં નેલ્સને ઘરની બહાર પગ મૂક્યો. એને બહાર
નીકળતો જોઈ વિટાલીએ ચપ્પાની ધાર બરાબર નીરખી લીધી અને કૂદી પડ્યો પેલાની સામે. આંખોમાં અંગાર લઈને અચાનક આવી ચઢેલા આ લોહી-તરસ્યા આદમીને જોઈ નેલ્સન ફફડી ઊઠ્યો. એને સમજાઈ ગયું કે આજે નક્કી આપણું મોત આવી ગયું છે. એવામાં વિટાલી કાલોયેવે એને પોતાનાં મૃત બાળકોના ફોટા દેખાડતાં કહ્યું, ‘જો, આ મારાં માસૂમ બાળકોની તસવીરો છે. તારા પ્રતાપે આજે એ મારી સાથે નથી. જરા વિચાર, તારાં સંતાનો તારી એક આંખ સામે કબરપેટીમાં પોઢ્યાં હોય તો તારા પર શું વીતે? ખૂબ જ ઉશ્કેરાયેલો વિટાલી બોલતો જતો હતો. નેલ્સન કંઈ જવાબ આપે એ પહેલા નેલ્સનની ગરદન પર વિટાલીની કાતિલ છરી ફરી વળી ને એક પછી એક ૧૯ ઘા કરીને એણે નેલ્સનને ઢાળી દીધો.
પોતાનાં બે સંતાન અને પત્નીને ગુમાવનાર વિટાલીનો આક્રોશ સમજી શકાય – નિકોલ્સની બેદરકારી પણ ન ભૂલાય ,પણ સંજોગવસાત એ ભૂલ થઈ હતી ને છતાં કેવી કારમી સજા એણે ભોગવવી પડી..