સંબંધોના પ્રકાર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
સંબંધો વગર જિંદગી ચાલી શકતી નથી અને તેથી જ આ સંબંધો આપણી દુનિયામાં પણ હોય છે અને ફિલ્મોની દુનિયામાં પણ સંબંધો હોય છે. બંને પ્રકારના સંબંધોની તુલના કરવામાં આવે તો એવું લાગે છે કે ફિલ્મોમાં દેખાડવામાં આવતા સંબંધો સામે આપણા વાસ્તવિક સંબંધો સાવ ટૂચ્ચા પડે છે. આવો આપણે કેટલાક ફિલ્મી સંબંધોના પ્રકારો વિશેની જાણકારી મેળવીએ.
ઈમાનદાર ગરીબ
ફિલ્મી ગરીબનો ઈમાનદારી સાથે ઘણો ગાઢ સંબંધ હોય છે, જેમ કે આખી દુનિયાની ઈમાનદારીનો ઠેકો એની જ પાસે હોય. તે રાઈના દાણા જેટલી પણ બેઈમાની કરે એવું તો શક્ય જ નથી. આવા ઈમાનદારની કોઈ કદર પણ કરતું નથી. એક ગરીબ ફિલ્મી માતા છે, જેનો એક ગરીબ દીકરો છે. દીકરો સ્મગલિંગ કરીને ચાર પૈસા કમાવા લાગે છે અને જેવી માતાને ખબર પડે છે તો તે એવી વિફરે છે કે વાત ન પુછો. ‘જા પોતાની જાતને પોલીસને હવાલે કરી દે.’ અરે, પોલીસ ક્યાં દૂધે ધોયેલી છે. બિચારો બેરોજગાર હતો, તેને સામે એક ધંધો દેખાયો તો કરવા લાગ્યો. જમાનાની સાથે જ ચાલી રહ્યો છે.
ધંધો ખરાબ છે તો વધુમાં વધુ દીકરાને સમજાવી દો કે બેટા આગામી સમયમાં આવું કામ કરતો નહીં, પરંતુ નહીં, તે કહેશે કે ‘આ પૈસાને હું હાથ લગાવીશ નહીં, હું તારું ઘર છોડી દઈશ.’ પછી તે જઈને કોઈ સ્મગલરના ઘરમાં વાસણ ધોવાનું કામ કરશે, પરંતુ સ્મગલર દીકરાની દયા ખાશે નહીં.
ખલનાયકનો નૃત્ય પ્રેમ
એવું કહેવાય છે કે જે માણસ જેટલો ખરાબ હોય છે, તે એટલો જ વધારે કલા પ્રત્યે પ્રેમ રાખતો હોય છે. નૃત્ય કરી રહેલી નાયિકાની ભાવ-ભંગિમાને તે એક કલા સમીક્ષકની નજરે જોતો હોય છે. નાયિકાનું નૃત્ય જોવા માટે તે કેટલાક લોકોનું અપહરણ કરીને તેમને બાંધી દેતો હોય છે અને પછી તેને નૃત્ય કરવા માટે મજબૂર કરતો હોય છે. ખલનાયકના આવા વર્તનની તમે ટીકા કરી શકો છો, પરંતુ તેના નૃત્ય પ્રેમની તો પ્રશંસા કરવી જ જોઈએ.
પોલીસ તેને પકડવા માટે આવી રહી છે, નાયક તેને યમસદન પહોંચાડવા માટે આતુર છે. તે થોડી વારમાં પહોંચવાનો જ છે. આ બધી વાતોથી તે વાકેફ છે અને તેમ છતાં જે સમર્પણ ભાવથી તે નૃત્ય જોઈ રહ્યો છે તેને ધ્યાનમાં લેવામાં આવે તો તેને નૃત્યની કલાના વિકાસ માટે યોગદાન આપનારાઓની અગ્રિમ પંક્તિમાં ઊભો કરવો જોઈએ. ફિલ્મોમાં જે થોડું નૃત્ય બચ્યું છે તે ખલનાયકને કારણે જ તો બચ્યું છે.