અઢી હજાર વર્ષથી શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ: બુદ્ધત્વ
ઓર યે મોસમ હસીં -દેવલ શાસ્ત્રી
ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલી મજાની વાત યાદ કરીએ. ભગવાન બુદ્ધ એવું માનતાં હતાં કે સંસાર જ દુ:ખનું કારણ છે. જો સંસારમાંથી આપણે મોહમાયા ઓછી કરીએ તો દુ:ખનાં કારણો ઘટવા લાગશે અને માણસ આંતરિક સુખનો અનુભવ કરશે.
ભગવાન બુદ્ધ આ વાત સમજાવતાં કહે છે કે જ્યારે માણસને કોઈ વ્યક્તિ શારીરિક ઇજા કરે તો ઇજાગ્રસ્તને દર્દ થતું હોય છે. આ દર્દ કેવી રીતે ઘટાડી શકાય એ માટે એને ઇજાનાં કારણો કહેવામાં આવતાં નથી. દર્દ ઘટાડવા ઇજા કરનારનો ઇતિહાસ અથવા તેની મનોદશા વિશે વાતો કરવામાં આવતી નથી પણ તત્કાળ ઇલાજ કરવામાં આવે છે. એ જ રીતે માણસ દુ:ખી હોય તો કારણોમાં પડવાને બદલે સંસારમાંથી મુક્ત થયાનો અનુભવ કરે એ દિશામાં પ્રયાસ થવા જોઈએ.
પોતાના સમગ્ર જીવન દરમિયાન સત્યનું જ્ઞાન વિશ્ર્વભરમાં પ્રગટાવતા રહ્યા હોવાથી બુદ્ધ તરીકે જાણીતા બન્યા હતા.
બૌદ્ધ ધર્મમાં શું લખ્યું છે કે આપણને ગમી જાય? આજે પણ બૌધત્વ માટે આટલું બધું આકર્ષણ શા માટે છે એ પ્રશ્ર્નનો જવાબ બૌદ્ધ ધર્મના પાયામાં છે. બૌદ્ધ ધર્મના મૂળ ચાર સત્ય છે જેને આધુનિક ભાષામાં મિશન વિઝન કહી શકાય. સૌથી પહેલી વાત એ કહેવામાં આવી છે કે પૃથ્વી પર તમારા જન્મ સાથે દુ:ખ જોડાયેલું છે. હાય રે જિંદગી જેવો ખ્યાલ મનમાં પ્રગટ થાય. બીજું છે કે દરેક દુ:ખ માટે કોઇને કોઇ કારણ હોય છે. આ અનુભવ દરેકને વ્યક્તિગત જીવનમાં થતો હોય છે. ત્રીજો સિદ્ધાંત છે કે જો આપણે ઇચ્છીએ તો દુ:ખ રોકી શકાય અને ચોથું જે સૌથી અગત્યનું છે કે દુ:ખને રોકવા માટે તમારે જ્ઞાની થવું પડે. સોશિયલ મીડિયામાં યુગમાં દરેક વ્યક્તિ જ્ઞાની જ છે પણ પોતાનું વાંચન નથી અને આગવા વિચારો પણ નથી.
વિશ્ર્વભરમાં દરેક વ્યક્તિની એક જ ઝંખના છે કે શાંતિ મળે. માણસને શાંતિ માટે જેની જરૂર છે એ વાતનો સંદેશ આપનારા ભગવાન બુદ્ધને ફક્ત બૌદ્ધ પૂર્ણિમા પર જ યાદ કરીએ છીએ.
મૂળ સિદ્ધાર્થ નામધારી બુદ્ધ શાક્યોના વંશમાં જન્મ્યા હોવાથી શાક્યમુનિ પણ કહેવાયા. લગભગ આઠ દાયકાના જીવનમાં પાંચ દાયકા લોકોનું જીવન સુધરે એ હેતુથી ઉપદેશ આપતા રહ્યા. આશરે પચ્ચીસસો વર્ષ પહેલાં નવા નવા રાજવંશોની સત્તા ભારતીય ઉપખંડમાં પણ હતી એ સમયે ગણરાજ્ય પરંપરા હતી. ગણતંત્ર એટલે કબીલા તથા સમાજોના સરદારો ભેગા મળીને સામર્થ્ય ધરાવનારને પોતાના નેતા બનાવતા. આ નેતા રાજા જેવી સત્તા ભોગવતો. ભગવાન બુદ્ધના પિતા શુદ્ધોધન જન્મજાત રાજા ન હતાં પણ ગણરાજ્ય થકી શાક્ય પ્રજાએ ચૂંટેલા હતા. ગણતંત્ર જેમ સર્વાનુમતે કે બહુમતીથી નેતા પસંદ કરવાની પ્રણાલી બૌદ્ધ સંઘોમાં પ્રચલિત હતી.
ભગવાન બુદ્ધ કહેતા હતા કે માણસ અતૃપ્ત વાસના સાથે મરે છે. જીવનમાં મહેચ્છા કદી ખતમ થતી નથી. સત્તા અને સંપત્તિ માટે નિર્દોષ હત્યાઓ થતાં બુદ્ધે જોઇ હતી. એક કથા મુજબ બુદ્ધના મિત્ર શક્તિશાળી રાજા પ્રસન્નજીતને તેમના પુત્રએ સત્તા માટે દગો દીધો હતો. બીજા મિત્ર રાજવી બિંબિસારને તેના પુત્ર અજાતશત્રુએ કેદ કરીને ભૂખ્યા મારી નાખ્યા હતા. સત્તા અને સંપત્તિની અતૃપ્ત વાસનાઓ અશાંતિ સર્જે છે એવી ભગવાન બુદ્ધની વાતને જાણે સમર્થન મળતું હોય એવી ઘટનાઓ પણ એ યુગમાં થઈ હોવાનું માનવામાં આવે છે. બુદ્ધ જો લાંબું જીવ્યા હોત તો એમને જોવા મળ્યું હોત. ભગવાન બુદ્ધના મિત્ર બિંબિસારના પુત્ર અજાતશત્રુનો વધ તેના પુત્ર ઉદયભદ્રએ કર્યો હતો. ઉદયભદ્રનો વધ તેના પુત્ર અનિરુદ્ધકે સત્તા માટે કર્યો અને અનિરુદ્ધકને તેના પુત્ર મુંડે મારી નાખ્યો અને મુંડનો વધ તેના પુત્ર નગદશકે કર્યો. આ જ પરંપરા ચાલતી રહેશે તો ભારે અનર્થ થશે. એક કથા મુજબ દરેક પુત્રે સત્તા અને સંપત્તિ માટે પિતાની હત્યા કરવી પડશે એવું રોકવા માટે નગદશકના મંત્રી સુસુંગે રાજા નગદશકને હટાવીને ગાદી મેળવી. સુસુંગે અઢાર વર્ષ રાજ્ય કર્યું અને એ પછી તેનો પુત્ર કાલાશોક ગાદી પર આવ્યો.
ભગવાન બુદ્ધ સત્યનો માર્ગ બતાવવા નીકળ્યા હતા પણ એ યુગમાં પણ માણસજાત ધન અને સત્તા પાછળ ભાગતી હતી. રાજકુમાર તરીકે ઉછેર પામ્યા પછી બુદ્ધે ઘરનો ત્યાગ કર્યો. જે આશ્રમમાં રહ્યા હતા, એ બધાએ તેમનું તેજ જોઇને મઠાધિપતિ બનાવવાની લાલચ આપી હતી. દરવખતે બુદ્ધે સમજાવવું પડતું કે ભાઇ, તમારા આશ્રમ કરતાં વધુ સંપત્તિ અને સત્તા છોડીને સત્યને પામવા માટે નીકળ્યો છું.
વિશ્ર્વભરમાં બૌદ્ધ ધર્મના પ્રચારની વાત આવે એટલે સમ્રાટ અશોકનું નામ યાદ આવે. લોકકથા છે કે એક સમયનો ક્રૂર અશોકે ગાદી મેળવવા અઠ્ઠાણુ (૯૮) ભાઇઓની હત્યા કરી. સમ્રાટ અશોકને ગાદી મળ્યાના આઠ વર્ષ પછી કલિંગ સાથે યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં હજારો લાશ જોઈને અંદરથી ડરી ગયો અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો.
સમ્રાટ અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને ધર્મ પ્રચાર માટે શ્રીલંકા મોકલ્યા. સરવાળે બૌદ્ધ ધર્મને ચીન અને છેક જાપાન સુધી પહોંચાડી દીધો. ગ્રીક રાજવી મિનેન્ડર બૌદ્ધ બની રાજા મિલિન્દ બન્યો. ગ્રીક રાજા મિલિન્દે બૌદ્ધ સાધુ નાગસેન સાથે વાર્તાલાપ કર્યો હતો, જે મિલિન્દ પન્હા નામના બાવીસસો વર્ષ જૂના ગ્રંથમાં છે. મિલિન્દ સારો કવિ અને સંગીતકાર પણ હતો. હાલ વિશ્ર્વભરમાં લગભગ પચાસેક કરોડ આસપાસ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે.
બૌદ્ધ ધર્મનો પ્રસાર થવાનું એક કારણ જ્ઞાન, શીલ અને સમાધિને કેન્દ્રમાં રાખીને તે સમયના સમાજમાં વ્યાપેલી કેટલીક બિનજરૂરી રૂઢીઓ ઓછી કરી. મન, કર્મ અને વચનથી પણ હિંસા કરવી નહીં એ સૂત્ર ગાંધીયુગ સુધી વ્યાપ્ત રહ્યું. ભગવાન બુદ્ધનું ક્રાંતિકારી પગલું એ કહી શકાય કે સ્ત્રીઓને પણ ભિખ્ખુ બનવાનો અધિકાર આપ્યો હતો. ભગવાન બુદ્ધે પાંત્રીસ વર્ષની વયે બનારસ પાસે શારનાદમાં પહેલું વક્તવ્ય આપ્યું અને ભારત ભ્રમણ શરૂ કર્યું. જે રીતે ઓશો રજનીશથી ધનિક અને બુદ્ધિશાળી વર્ગ આકર્ષાયો હતો એ જ રીતે રાજવીઓ, સરદારો, ધનિકો તથા જટિલ ક્રિયાકાંડથી થાકેલો મધ્યમ વર્ગ પણ બુદ્ધથી આકર્ષિત થયો હતો. પાંત્રીસ વર્ષે શરૂ થયેલી યાત્રા તેમના એંસીમાં વર્ષ સુધી ચાલી અને ભારતભરમાં અસંખ્ય અનુયાયીઓ થઈ ગયા.
ભગવાન બુદ્ધ નિર્વાણ પામ્યા પછીના દોઢસો બસો વર્ષમાં તેમના વક્તવ્ય, ક્વોટ અને તેમના સિદ્ધાંતનો સંગ્રહ કરવામાં આવ્યો. આ સંગ્રહ ત્રણ ભાગમાં પ્રસિદ્ધ થયો. પહેલા ભાગનું નામ વિનયપિટક, બીજો સૂત્રપિટક અને ત્રીજાનું નામ અભિધર્મપિટક. આપણે જે બૌદ્ધ જાતકકથાઓ વાંચીએ છીએ એ આ ગ્રંથોમાં સંગ્રહ પામી છે.બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું હતું.
ભગવાન બુદ્ધએ ધર્મ અને જ્ઞાનની વાતો લોકભાષામાં કરી હતી. સમાજમાં નવતર સુધારા લાવવા છતાં બૌદ્ધ વિચારધારા કનિષ્કના સમયમાં હીનયાન અને મહાયાન જેવા બે ભાગમાં વહેંચાઈ ગઈ. મહાયાનમાં બુદ્ધની વિશાળ પ્રતિમાઓ સાથે ભગવાન તરીકે પૂજાવા લાગ્યા. આ પરંપરામાં અશ્ર્વઘોષ નામના વિદ્વાને બુદ્ધચરિત ગ્રંથ રચ્યો, જે ભારતીય સાહિત્યના શ્રેષ્ઠ સર્જનમાં સ્થાન પામ્યો છે. અશ્ર્વઘોષમાં જે બૌદ્ધ ફિલોસોફી લખી હતી તેનો ઉપયોગ જાપાનમાં શૈક્ષણિક અભ્યાસ માટે કરાવવામાં આવે છે.
નાગાર્જુન નામના દક્ષિણ ભારતીય બ્રાહ્મણે બૌદ્ધ માધ્યમિક સંપ્રદાય બનાવ્યો હતો. નાગાર્જુનના સમકાલીન વસુબંધુએ રચેલા બૌદ્ધ સાહિત્યને ચીનમાં આધાર માનવામાં આવે છે. બૌદ્ધ પરંપરામાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં જે સાહિત્ય લખાયું તેની એશિયા સહિત યુરોપિયન સાહિત્ય પર સુધ્ધાં અસર પડી હતી.
બૌદ્ધ જાતકકથા મુજબ ભગવાન બુદ્ધ હંમેશાં કહેતાં કે જીવન વીણાના તારની જેમ બહુ ખેંચવું નહીં અને ઢીલું પણ રાખવું નહીં. આ બંને પરિસ્થિતિ જીવન માટે નુકસાનકારક છે.
બૌદ્ધિઝમ ગુજરાતમાં ઘણું વ્યાપ્ત હતું. ગુજરાતમાં બૌદ્ધ ધર્મ લગભગ ત્રેવીસસો વર્ષ પહેલાં આવ્યો. સૌરાષ્ટ્રમાં બસો જેટલા વિહારમાં છ હજાર બૌદ્ધ ભિક્ષુઓ રહેતા હતાં. અશોકના સમયથી માંડીને ગુજરાતમાં મૈત્રક યુગ સુધી પ્રચલિત થયેલો બૌદ્ધ ધર્મ સોલંકી વંશના સમય આસપાસ નામશેષ બની ગયો. સ્થિરમતિ અને ગુણપતિ નામના બૌદ્ધ આચાર્યોએ વલભીના વિહારમાં રહીને અનેક પુસ્તકો લખ્યાં હતાં. આપણે ત્યાં બાવાપ્યારાની ગુફાઓ, ઉપરકોટની ગુફાઓ, ઢાંક તળાજા અને બરડાના ડુંગર વિસ્તારમાં બૌદ્ધ વિહારના અવશેષો મળે છે. પ્રતાપી રાજા ધ્રુવસેન પહેલાની ભાણેજ દુદા ભગવાન બુદ્ધની પરમ ઉપાસક હતી. તેણે વલભીમાં બૌદ્ધ સાધુઓ માટે વિશાળ વિહાર બનાવ્યો હતો. બૌદ્ધ સાધુ બનતા પહેલા શ્રમણ કે શ્રમણીની ટ્રેઇનિંગ માટે સૌરાષ્ટ્રનાં વિહારો દેશવિદેશમાં પ્રખ્યાત હતાં.
ધ એન્ડ :
જે વ્યક્તિ સત્ય અને આત્મબુદ્ધિ થકી વિશ્ર્વની તમામ વસ્તુઓનો ઉદભવ જાણી શકે છે એની દ્રષ્ટિમાં કશું અસત્ય છુપાયેલું નથી અને જે વ્યક્તિ સત્ય અને આત્મબુદ્ધિ થકી તમામ વસ્તુઓના નાશને નિહાળી શકે એની દ્રષ્ટિમાં કશું સત્ય નથી. આ બંને અતિથી દૂર રહીને મધ્યમ માર્ગ શોધી શકે એ નિર્વાણ પામતો હોય છે. (બુદ્ધ)