લોકશાહીમાં જોકશાહી: ચૂંટણીનાં ચુટકુલા
મિજાજ મસ્તી -સંજય છેલ
વોટ – નોટ ને ચોટ ત્રણેય અસર કરે.
(છેલવાણી)
સાયકોલોજીના ભીષ્મ પિતામહ સિગમંડ ફ્રોઇડે કહેલું: ‘દરેક જોક, એક હિંટ છે.’ અર્થાત્ દરેક રમૂજમાં એક ઇશારો છુપાયેલ હોય છે. વળી સાયકોલોજી એમ પણ કહે છે: ‘જે સમસ્યાનો ઉકેલ ના હોય એના પર હસી નાખો. રૂદનથી નહીં, રમૂજ વડે જ રેચન થાય કે છુટકારો મળે.’ આઝાદીનાં આટલા વરસે, દેશનાં રાજકારણ વિશે હવે ગંભીરતાથી ચર્ચા કરવી એ રેતીમાં ખેતી કરવા
જેવું છે.
-તો ચાલો, એવામાં ‘લોકતંત્રનાં જોકતંત્ર’ને માણીએ:
એક જંગલમાં લોહિયાળ તો લોહિયાળ લોકતંત્ર તો હતું. ત્યાં પ્રધાનપશુ સિંહ’ને સેક્રેટરી સસલાએ કહ્યું, ‘સાહેબ, તમારી ખુરશી પર વિકટ સંકટ છે. દુશ્મનો, શિયાળ જાતિને ભડકાવી રહ્યા છે.’
સિંહે કહ્યું, ડરો નહીં. શિયાળની જાત ચતુર છે. દુશ્મનોની ચાલાકીમાં નહીં ફસાય.’
થોડા દિવસ બાદ ખબર પડી જંગલમાં ઉંદરોનો નાશ થઈ રહ્યો છે તો સિંહે પ્રજાને ભાષણમાં કહ્યું,’ ઉંદરો મને જાનથી વહાલાં છે પણ ચિંતા ના કરો. આપણે ઉંદરોની વિદેશથી આયાત કરી લઈશું. વળી આનાથી વિદેશમાં દેશની ઇમેજ પણ સુધરશે’ સૌએ તાળી પાડી.
પછી એક દિવસ સિંહના ખાસ ચમચાએ રડતાં રડતાં કહ્યું, ‘સાહેબ, હવે તો દુશ્મનો, તમારા ઘર પર હુમલો કરવા આવી
રહ્યા છે.’
ત્યારે સિંહે તરત ગર્જીને કહ્યું, ‘પ્રજાતંત્ર ખતરામાં છે! દુશ્મનો અને વિરોધીઓની ફાઇલો ખોલાવીને સરકારી તંત્ર દ્વારા તરત ઈન્ક્વાયરી કરાવો.’
…
એક ચૂંટણી ઉમેદવારે, મતવિસ્તારમાં વોટ માટે અરજ કરી તો ભીડમાંથી કોઇ મતદારે કહ્યું, સોરી, હું તો વિરોધ પક્ષને જ મત આપીશ કારણ કે મારા પપ્પા અને મારા દાદા પણ હંમેશાં વિપક્ષને જ મત આપતા.’
ઉમેદવારે પ્રેમથી સમજાવ્યું, ભાઇ, જો તમારા પપ્પા અને દાદા જો મરઘી ચોર હોત તો શું તમે પણ મરઘી ચોર બની જાત?’
ના, તો હું સરકારમાં હોત!’ મતદારે કહ્યું.
એક પ્રખર નેતા-વક્તા, દેશભક્તિ અને વિકાસ પર લેકચર આપી લોકોને લલકારી રહ્યા હતા. કાયમનાં જુઠ્ઠાં ભાષણથી કંટાળીને એક નાગરિક બરાડ્યો, “બસ કરો…તમે જો ગાંધીજી હોત ને તો યે તમને તો વોટ ના આપત.
“ભાઈ, હું ગાંધીજી હોત તો તમે મારા મતવિસ્તારમાં હોત જ નહીં, પોરબંદર કે સાબરમતીમાં હોત. માટે મને ચૂપચાપ સાંભળીને દેશસેવા કરો. નેતાજીએ ઠંડકથી કહ્યું.
ઇંટરવલ:
સલામ કીજિયે, આલી જનાબ આયે હૈં
યે પાંચ સાલોં કા દેને હિસાબ આયે હૈં. (ગુલઝાર)
હિટલરના શાસનમાં નાઝી કેમ્પમાં રીબાતાં યહૂદીઓ આવા જ જોક બનાવીને ઘડી બેઘડી અત્યાચારને ભૂલી જતા. જેમ કે-
એકવાર ટીચરે બાળકોને કહ્યું, ‘બાળકો, તમારા વિસ્તારના નેતાને એક ફરિયાદ કરતો પત્ર- લખો’. થોડીવારે ટીચરે જોયું કે કોઈએ કંઈ જ લખ્યું નહોતું!
ટીચરે પૂછ્યું, તમને કોઈ ફરિયાદ જ નથી, તમારા નેતા વિરુદ્ધ?’
ફરિયાદ તો ઘણી છે..પણ સમજાતું નથી કે પત્ર, મંત્રીજીના ઘરનાં સરનામે મોકલીએ કે જેલનાં?’ એક બાળકે કહ્યું.
…
સચિવાલયની લોબીમાં કોઇ જૂના નેતા ગર્જી રહ્યા હતા: શું ઘોર કળિયુગ આવ્યો છે. કાલ સવારનો મિનિસ્ટર મને કાયદા શીખવે છે? મેં એના જીતાડવા શું-શું નથી કર્યું? ઘરે ઘરે વોટ માંગ્યા, પ્રચારમાં ૫૦-૫૦ ગાડીઓનું સરઘસ કાઢ્યું. વિપક્ષે મને ૧ કરોડની ઓફર આપી પણ મેં ૨ કરોડ માંગીને ઓફરને લાત મારી! હવે ખુરશી મળતાં આ મંત્રી, નિયમો શીખવે છે? જોઇ લઇશ, આની મિનિસ્ટ્રી ક્યાં સુધી ટકશે? ચુનાવી રેલીમાં કાળા વાવટાથી સ્વાગત ન કરાવું, તો મારું નામ નહીં…..’
આવું કહેનારા એક ભૂતપૂર્વ મંત્રી હતા. મેં નમસ્કાર કરીને કહ્યું, ‘લાલાજી, નિયમ બહાર તો મંત્રીજી પણ શું કરી શકે?’
‘નિયમ મુજબ જ કામ કરવાનું હોત તો એને મિનિસ્ટરનું શું કામ બનાવ્યો? નિયમસર તો ક્લાર્ક પણ કામ કરી આપે’, લાલાજી ભડક્યા.
પછી હું મંત્રીજીની ઓફિસમાં ગયો, ત્યાં મંત્રીજી સામે કોઇ ગુંડો મુઠ્ઠી પછાડી રહ્યો હતો,‘ઘાસવાડીમાં ઇન્સ્પેક્ટરની રાતોરાત બદલી કરાવો. એનાથી પાર્ટીને ખતરો છે.’
પણ, ઇન્સ.ને હજી એક મહિનો પણ નથી થયો તો ટ્રાન્સફર કેમ કરાવાય? ‘વળી ટ્રાન્સફર તો કલેકટર કરેને?’, મંત્રીજીએ સમજાવ્યું.
‘તો ઉઠાવ ફોન ને ઓર્ડર આપ, કલેક્ટરને..નહીં તો સરકાર ઉથલાવીશ!’ ગુંડો બરાડ્યો.
એવામાં મંત્રીજી પર એક શેઠીયાનો ફોન આવ્યો કે એના દીકરાને ૪૦%એ મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાનું છે! મંત્રીજીએ અકળાઇને કહ્યું, ‘બાબુજી, મેડિકલમાં તો આજકાલ ૯૦%વાળાને ય એડમિશન નથી મળતું.’
તો? મારા દીકરાને જો ૯૦% આવત તો તમને જખ મારવા કહેત? ‘કાઢો કોલેજનાં પ્રિન્સિપાલની સેક્સ સી.ડી. ને બ્લેકમેલ કરો!’
એટલામાં કોઇક મંત્રીને કહી ગયું, ‘હમણાં તમને એક ફાઈલ મળશે. તમારે જોવાની જરૂર નથી. સચિવ સાથે ઓલરેડી વાત થઈ ગઈ છે. ચૂપચાપ સહી કરી દેજો!’
પછી તો કોઈ ઉદ્ઘાટન માટે તો કોઈ સન્માન સમારંભ માટે મંત્રીજી પાસે દિનભર આવતા જ ગયા. મંત્રીજીએ કોઈને ‘ના’ ન પાડી. પછી દેશના લોકતંત્રની જેમ, સરકારી ઓફિસમાં ઉદાસ સાંજ પડી. હવે મંત્રીજીને એક કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જવાનું હતું. મને ય સાથે ઘસડી ગયા. ત્યાં ૨-૩ કલાક ભાષણબાજી ચાલી ને પછી ડ્રિંક-ડીનર ને જૂથબાજી.
આખરે રાતે ૧૨ વાગે મેં મંત્રીજીને પૂછ્યું, આટઆટલાં પ્રેશર, પોલિટિક્સ ને પ્રોગ્રામો વચ્ચે તમને ‘દેશની ગંભીર સમસ્યાઓ’ વિશે વિચારવાનો સમય ક્યારે મળે?’
તમે એમ ’વિચારો’ જ કેમ છો કે હું ‘વિચારું’ પણ છું, દેશ વિશે?’ મંત્રીજી હસીને કહ્યું.
બાય ધ વે, આ વાર્તા માજી વડા પ્રધાન પી.વી.નરસિમ્હા રાવે ખુદ લખેલી છે.
એંડ-ટાઇટલ્સ:
આદમ: સરકાર બદલવી જોઇએ.
ઈવ: પહેલાં તું તો બદલ.