મોગલોની લડાઈખોરી વચ્ચે દુર્ગાદાસને ક્યારેય નિરાંત ન મળી
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૪૫)
જોધપુર અને અન્ય થોડા વિસ્તારો પર મહારાજા અજિતસિંહના આધિપત્ય બાદ પ્રાંતના રાજાઓ સામસામે આવી ગયા. રક્ષાના લાભો મોગલો ન લે તો જ નવાઈ.
આ બધી લડાઈમાં વધુ ઉંમર છતાં વીર દુર્ગાદાસ રાઠોડ એકદમ સક્રિય રહ્યાં હતા. ફુલેરા નજીક થયેલા યુદ્ધમાં દુર્ગાદાસે મોગલ સેનાને ધૂળ ચાટતી કરી હતી. ત્યાર બાદ દુર્ગાદાસ પોતાના ગામ સમદડી જતા રહ્યા હતા. પરંતુ એમની નિયતિમાં આરામ કે નિરાંત ક્યાં હતા? ઈ.સ. ૧૭૦૮માં એમને તરવાની સવાઈ માનસિંહે પીપાડ બોલાવ્યા. ત્યાં મહારાજા અજિતસિંહની પણ પધરામણી થઈ. ત્રણેયે પુષ્કર જઈને નક્કી કર્યું કે બાદશાહ બાબર સામેના ભાવિ પગલાં વિશે મહારાણા અમરસિંહ સાથે ચર્ચા કરવી જોઈએ. અંતે એ વિવાદ માંડીવાળીને મહારાજા અજિતસિંહ અને સવાઈ જયસિંહે સાંભર પર હુમલો કરીને મોગલ ફોજદારને તગેડી મૂક્યો.
આ બધું મોગલો સહન કરી શકે એમ નહોતા. એક તરફ શાંતિ-સમાધાનના ડોળ વચ્ચે મહારાજા અજિતસિંહ અને મહારાણા સવાઈ જોધસિંહને હરાવવાના પેંતરા શરૂ કરી દીધા હતા. સાંભર માટે ફરી મહારાણા જયસિંહ અને મોગલ સેના બાખડી. ઈ.સ. ૧૭૦૮ના આ યુદ્ધમાં દુર્ગાદાસે ગજબનાક શૌર્યનું પ્રદર્શન કર્યું હતું. પરંતુ ભારે ખુવારી થઈ. અંતે બંને રાજાએ હારીને પીછેહઠ કરવી પડી
હતી.
પરંતુ યુદ્ધ માટે મોડા પડેલા અમુક આગેવાનો યુદ્ધ સ્થળથી થોડા દૂર એક ટેકરા પર પહોંચ્યા. તેમણે જોયું કે નીચે મોગલ મનસબદાર હાકેમ વિજયની ઉજવણી કરી રહ્યો હતો. રાજપૂતોની વહારે આવેલા નરુકારાવ સંગ્રામસિંહ પાસે બે હજાર બંદૂકધારી, પાંચસો અશ્ર્વસવાર અને પાંચસો શિકારી શ્ર્વાન હતા.
આ બધાને જોઈને વિજયના નશામાં ચૂર મોગલ સેનાપતિ સૈયદ હુસેનખાન હાથી પર આરૂઢ થઈને નીકળી પડ્યો. એ જ સમયે નરુકા વીરબંકાઓ ગોળી વરસાવવા માંડ્યા, ને શ્ર્વાનોને છોડી મૂક્યા. આ આક્રમણથી ઘણાં મોગલ ખેરખાં માર્યા ગયા, ને બાકીના ગભરાઈને ભાગી ગયા. ઘણાં મોગલોને પતાવી નખાયા ને એમના તંબુ લૂંટી લેવાયા. આ સમાચાર સાથે બન્ને રાજાઓને પાછા સાંભર બોલાવી લેવાયા. આ લડાઈ બાદ ઉનિયારાના નરુકારાવ સંગ્રામસિંહ વિરોનો એક દુહો પ્રચલિત થયો હતો:
ઊંચા ડેરા રાવ કા, સબસે ઊંચો રાવ,
રાખી બાંધો રાવ કો, સબકી રાખી રાવ
નરુકાના સરદારોના માન-સન્માન બાદ રાજા અજિતસિંહ અને મહારાણા સવાઈ જયસિંહે સાંભર અડધું-અડધું વહેંચી લીધું.
સાંભર વિજય બાદ ફરી મહારાજા અજિતસિંહ અને મહારાણા સવાઈ જયસિંહે નક્કી કર્યું કે બાદશાહ બાબર સામેનો ભાવિ વ્યૂહ ઘડવામાં મહારાણા અમરસિંહને સામેલ કરવા જોઈએ. આ જવાબદારી નિભાવવા માટે પસંદગી થઈ દુર્ગાદાસ રાઠોડની. તેમણે સાંભરથી ઉદયપુર જવાનું હતું.
દુર્ગાદાસ ગયા ત્યારે એમનું હૃદયપૂર્વક ભવ્ય સ્વાગત કરાયું પણ મહારાણા અમરસિંહ ધરાર સાંભર ન ગયા તે ન જ ગયા. (ક્રમશ:)