હજી મોડું નથી થયું
ટૂંકી વાર્તા -વત્સલા મણિયાર
શહેરની જાણીતી હૉસ્પિટલના એસી ડીલક્સ રૂમમાં માનવ પલંગ પર સૂતો હતો. ત્રણ દિવસ પહેલાં સવારે ટેબલ પર છાપું વાંચતાં તેને છાતીમાં ગભરામણ જેવું થયું – શરીરે ખૂબ પરસેવો વળી ગયો ને તે બેચેન બની ગયો. ચાની ટ્રે ટેબલ પર મૂકતી તન્વીએ એને આટલો અસ્વસ્થ ક્યારેય જોયો નહોતો. એટલે તરત જ તેણે ફેમિલી ડૉકટર મોદીને ફોન કરીને બોલાવી તેમની સલાહ અને મદદથી હૉસ્પિટલના આઈસીયુમાં દાખલ કરી, બધી જ પ્રાથમિક જરૂરી સારવાર શરૂ કરાવી દીધી.
ગઈ કાલે રાતે જ ડૉ. મોદીએ એના રિપોર્ટ વાંચી તન્વીને કહ્યું હતું કે હવે ચિંતાનું કોઈ કારણ નથી. ‘માનવ ઈઝ ઓકે.’ એટલે સવારે જ એને આઈસીયુમાંથી ડીલક્સ રૂમમાં લાવવામાં આવ્યો હતો. ‘હાઉ આર યુ મિ. દવે?’ સવારે રાઉન્ડ પર નીકળેલા જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મર્ચન્ટે માનવના રૂમમાં દાખલ થતાં પૂછ્યું. એના ખભા પર હાથ મૂકી કહ્યું, ‘યુ આર વેરી લકી. યુ જસ્ટ એસ્કેપ ધ હાર્ટ એટેક. તમારા બધા રિપોર્ટ નોર્મલ છે.
ટાઈમસર હૉસ્પિટલમાં તમે દાખલ થઈ ગયા. વખતસરની
અને તાત્કાલિક સારવાળ મળતાં તમે હૃદય રોગના હુમલાના જોખમમાંથી બચી ગયા, પણ હજુ દસ દિવસ હૉસ્પિટલમાં સંપૂર્ણ આરામ લેવો પડશે. નો રનિંગ અરાઉન્ડ ઍન્ડ નો ટેન્શન-જસ્ટ રેસ્ટ ઍન્ડ એન્જોય ધ લાઈફ. યુ આર આઉટ ઑફ ડેન્જર.’ એમ કહી તેનો ખભો થપથપાવી રૂમમાંથી બહાર નીકળી ગયા. ‘આઉટ ઑફ ડેન્જર’ આ શબ્દોના પડઘા માનવના કાનમાં ગુંજી રહ્યાં. ખરી રીતે તો એને આ ભયમુક્ત સ્થિતિમાં મૂકવાનું ખરું શ્રેય તન્વીને જાય છે, માનવે વિચાર્યું.
પથારીમાં સૂતાં-સૂતાં એણે રૂમમાં નજર ફેરવી. રૂમ ખૂબ જ સરસ અને સુવિધાઓવાળો હતો. સામે જ બંધ બારીના કાચમાંથી દરિયો દેખાતો હતો. હજુ સૂર્યોદય થયો ન હતો. ઊગતા દિવસના પ્રકાશથી વાતાવરણ સુંદર લાગતું હતું. બારી પાસેની જ ખુરશીમાં તન્વી બેઠી હતી ને કંઈ વાચી રહી હતી. માનવ તન્વીને ધારી ધારીને જોવા લાગ્યો. કોઈ બીજો સમય હોત તો એણે તન્વી સામે જોવાની પણ દરકાર કરી ન હોત. એના અહંકારને કારણે કહો, કે જીવનમાં મળેલી કોઈ નિરાશાને કારણે. એ તન્વી સાથે કદી આત્મીય સંબંધ બાંધી જ શક્યો નહોતો. એ દિશામાં કોશિશ કરવી પણ એને ગમતી ન હતી.
એટલે લગ્ન પછી કદાચ પહેલી વાર એ તન્વીને આટલા ધ્યાનથી જોઈ રહ્યો હતો. તન્વી આટલી સૌમ્ય, આટલી પ્રભાવશાળી છે એનો અહેસાસ થતાં જ એને પોતાના ઘમંડી સ્વભાવ પ્રત્યે તિરસ્કાર આવ્યો. કોનો ગુસ્સો એણે કોના પર ઉતાર્યો એ વિશે વિચારતાં દુ:ખ ને પસ્તાવાની લાગણી અનુભવતો માનવ અતીતમાં ખોવાઈ ગયો…
…કૉલેજની ‘મિસ કૉલેજ’ બનેલી સાક્ષી જ્યારે તેની ખાસ મિત્ર બની ગઈ ત્યારે કૉલેજમાં બધા તે બંનેને ‘મેઈડ ફોર ઈચ-અધર’ જેવા ગણતા હતા. માનવ ખૂબ ખુશ હતો. તેની હીરોહોન્ડા મોટરસાઈકલ અને ખુદના આકર્ષક વ્યક્તિત્વને કારણે કૉલેજની ઘણી છોકરીઓ તેની મૈત્રી ઈચ્છતી હતી, પણ જ્યારે સાક્ષીએ તેનામાં રસ દાખવ્યો ત્યારે તેને સ્વર્ગ વેંત છેટું જ લાગ્યું. મુલાકાતો વધતી ગઈ. હરવા-ફરવામાં કૉલેજનું પહેલું સત્ર ક્યારે પૂરું થયું તેની ખબર પણ ન રહી.
પણ બીજું સત્ર શરૂ થતાં જ માનવના જીવનમાં એણે કલ્પના પણ નહોતી કરી એવો બદલાવ આવ્યો, જાણે એક ભૂકંપ આવ્યો ને બધું જ ઊંધું-ચત્તું થઈ ગયું. એક સવારે એની મોટરસાઈકલની લિફ્ટ અવગણી સાક્ષી કૉલેજમાં નવા જ એડમિશન લીધેલા શ્રીમંત એનઆરઆઈ આર્યનની નવી સેન્ટ્રો કારમાં બેસી માનવની આંખ સામેથી પસાર થઈ ગઈ. સાક્ષીએ માનવની સામે જોવા કે ઓળખવાનો પ્રયત્ન સુધ્ધાં ન કર્યો. પછી તો આ ઘટના રોજની થઈ ગઈ. કૉલેજમાં તો જાણે બૉમ્બ ફૂટ્યો.
દરેકના મોઢે બસ એક જ વાત – તેથી ઊપજેલી શરમિંદગી માનવ સહન ન કરી શકયો. હતાશ-નિરાશ થયેલા માનવે સાક્ષીનું મન જાણવા ઘણી કોશિશ કરી,પણ સાક્ષીએ કોઈ પ્રતિભાવ જ ન આપ્યો. કોઈ સ્પષ્ટતા કરવાની પણ પરવા ન કરી. માનવના મિસ કોલ અને એસએમએસથી બચવા એણે પોતાના મોબાઈલનું સિમકાર્ડ જ બદલી નાખ્યું. પૈસો, ભેટ, સાધન – સુવિધા, મોજ-મસ્તી જ સાક્ષી માટે મૈત્રી કરવાનાં કારણ હતાં. તેથી જ એમાં સાચા, શુદ્ધ – સ્નેહ માટે કોઈ જગા ન હતી. આર્યનના મની-પાવરથી અંજાઈ ગયેલી અને પ્રભાવિત થયેલી સાક્ષીએ ક્ષણવારમાં માનવને તરછોડી દેવામાં કોઈ જ હિચકિચાટ અનુભવ્યો નહીં. માનવ આ સહી ન શકયો.
નામોશી-શરમને કારણે એ કૉલેજ જ નહીં, ભણવાનું પણ છોડી દઈ પિતાના ધંધામાં જોડાઈ ગયો. સાક્ષીની બેવફાઈએ એને ધરમૂળથી બદલી નાખ્યો. તે ઓછાબોલો અને વાતવાતમાં ગુસ્સે થતો મિજાજી અને કડક સ્વભાવવાળો થઈ ગયો.
માતા-પિતાના કહેવાથી તેણે તન્વી જોડે લગ્ન તો કર્યાં, પણ એને મળેલી નિષ્ફળતાને કારણે ઊપજેલી હતાશાનો શિકાર તન્વી બની ગઈ.
પરણીને આવી ત્યારથી એણે માનવનો કડક ને ઉગ્ર મિજાજ જ જોયો હતો. શરૂઆતમાં તન્વીએ જુદી જુદી રીતે ઘણા પ્રયત્નો કરી જોયા જેથી દામ્પત્ય-જીવનમાં હળવાશ, ખુશી-આનંદ ને પ્રેમ આવે, પણ હતાશાના વાતાવરણમાંથી જ સર્જાયેલા એના લગ્નજીવનમાં પ્રફુલ્લતા ક્યાંથી આવે?
તન્વી ખાનદાન કુટુંબની સંસ્કારી – શિક્ષિત છોકરી હતી એટલે જ એણે લગ્નજીવનની આ કઠોરતા સ્વીકારી લીધી. વાદ-વિવાદ, ઝઘડો કે રુદનનો સાથ લઈ જબરજસ્તીથી માનવનું દિલ જીતવા એણે કદી પ્રયત્ન ન કર્યો. માતા-પિતાની આબરૂ અને નાની બહેનના ભવિષ્યનો વિચાર કરી એણે છૂટાછેડાનો વિચાર પણ માંડી વાળ્યો. માનવની જરૂરિયાતો ધ્યાનમાં રાખી કોઈ પણ અપેક્ષા વગર તેના સર્વ કામ કરી આપતી. એમ કરવામાં ઘણી વખત તેનો અંતર – આત્મા બંડ પોકારતો – મન માનવનું ધ્યાન રાખવા પર પાબંદી લગાવતું, પણ દરેક વખતે તે પિયરની આબરૂ ને સંસ્કારનો વિચાર કરી ઉશ્કેરાટ શમાવી દેતી. અપમાન – અવગણના હવે એને કોઠે પડી ગયાં હતાં.
આ બાજુ પથારીમાં સૂતો સૂતો માનવ વિચારતો હતો કે એણે સાક્ષીને આપવામાં શું બાકી રાખ્યું હતું? તે છતાં બદલામાં બધું જ ભૂલી જઈ સાક્ષીએ તેને કેવો તરછોડ્યો હતો? – એણે તન્વીને શું આપ્યું? – અવગણના – અપમાન – તિરસ્કાર ને તોછડાઈ!! પોતાની પ્રત્યેક અપેક્ષા અધિકારની રુએ પૂરી કરાવી પણ ક્યારેય એણે તન્વી પ્રત્યેની પોતાની ફરજનો વિચાર કર્યો? સારે-માઠે પ્રસંગે સાથે બહાર ગયા હોય કે બંનેએ સાથે મળીને કંઈ કર્યું હોય કે વિચાર્યું હોય એવો એક પણ પ્રસંગ એ યાદ કરી ન શક્યો. એણે કદી પ્રેમથી તન્વી જોડે વાત કરી હોય એની તકલીફ, દુ:ખ જાણવાની કોશિશ કરી હોય કે એના પોતાને માટે જ ખાસ કરેલા તન્વીના કાર્યની કદી પ્રશંસા કરી હોય કે તે માટે આભાર પ્રદર્શિત કર્યો હોય એવું કશું યાદ આવતું ન હતું.
છતાં આજે તેને ‘આઉટ ઑફ ડેન્જર’ સ્થિતિમાં કોણે, તન્વીએ જ મૂક્યોને?!! ખરે વખતે દોડધામ કરી, ડૉકટરને બોલાવી હૉસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે તે બચી ગયોને?
માનવનું દિલ ભારે થઈ ગયું. પસ્તાવો – પ્રેમ – એકલતા બધી જ લાગણીઓ સાથે અનુભવતાં તેને ગળે ડૂમો ભરાયો. ત્યાં જ તન્વી ઊભી થઈ. માનવને જ્યૂસ આપવાનો સમય થઈ ગયો હતો. ગ્લાસ પકડી પલંગ પાસે આવી તેને બેઠો કર્યો-
માનવને ખૂબ બોલવું હતું પણ બોલાતું નહોતું.
ગ્લાસ પકડીને ઊભેલી તન્વીનો હાથ પકડી ફક્ત ‘તન્વી’ એટલું જ બોલી શક્યો. પણ એ બોલમાં પહેલાં જેવાં ધાક કે કડકાઈ, તિરસ્કાર કે તોછડાઈના સૂર ન હતા.
…આટલાં વર્ષે, અરે પહેલી જ વાર પતિના સૂર અને સ્પર્શમાં નરમાશ, લાગણી અને પ્રેમનો અહેસાસ અનુભવતાં તન્વીને નવાઈ લાગી. જેને માટે એ વર્ષોથી તલસતી
હતી. તે લાગણીનો પડઘો પતિમાં જોતાં ક્ષણભર માટે તન્વી ધ્રૂજી
ઊઠી. એણે માનવના ચહેરા પર નજર નાખી તો માનવની આંખમાંથી સરી પડેલાં આંસુ જાણે તન્વીને વિશ્ર્વાસ અપાવતાં હતાં કે જીવનમાં હજુ કંઈ જ મોડું નથી થયું – વર્ષોથી ધરબાઈ ગયેલી લાગણીઓમાં આશાનો અંકુર ફૂટ્યો ને તેથી તન્વીની આંખમાં પણ આંસુ આવી ગયા. તન્વીના ચહેરા પર છવાયેલી ખુશી ને આંખનાં આંસુને જોઈ માનવમાં હિંમત આવી કે ના, હજુ મોડું નથી થયું.
તેણે તન્વીને પાસે બેસાડી. પત્નીના હૃદયની વિશાળતા અનુભવતાં તે બાળકની જેમ રડી પડ્યો. વર્ષોથી સંયમમાં રાખેલાં તન્વીનાં આંસુ પણ હવે કોઈ જ બંધ સ્વીકારવા તૈયાર નહોતાં.
- ત્યાં જ મેટ્રન રૂમમાં દાખલ થઈ. તેણે બંનેને રડતાં જોયાં. એ એમના વીતેલા જીવનની ખારાશથી તો અજાણ હતી, છતાં પેશન્ટ હવે ભયમુક્ત સ્થિતિમાં હોવાથી તેઓનાં આ ખુશીનાં આંસુ હશે એમ સમજી બોલી, ‘નો નો, ડુ નોટ ક્રાય. એવરીથિંગ ઈઝ ગોઈંગ ટુ બી ફાઈન. સ્માઈલ એન્ડ એન્જોય! હજી કંઈ જ મોડું થયું નથી!’