ઉત્સવ

ખાખી મની-૨૯

‘ઉદયસિંહે એક પણ સેક્ધડ ગુમાવ્યા વિના લીચીના લમણે રિવોલ્વર મૂકીને ટ્રીગર દબાવ્યું. લીચી ઢળી પડી.’

અનિલ રાવલ

સિનિયર ઇન્સ્પેક્ટર ઉદયસિંહ પરમાર લીચીને ખતમ કરવાના ચક્કરમાં હતો. લીચીની જ રિવોલ્વરથી એને ખતમ કરવાની ને પછી એના હાથમાં એ રિવોલ્વર મૂકી દેવાની….બસ આ ફિલ્મી રસ્તો એના મગજમાં ફિટ થઇ ગયો હતો. પણ એને કયા દિવસે અને ક્યાં પતાવી નાખવી. બસ રાતદિવસ એના મનમાં આ જ વિચાર રમતો રહેતો. એક રાતે એના મનમાં એક ઝબકારો થયો. લીચીના મર્ડરમાં કનુભા અને પાટીલને સાથે રાખવા…..આખરે એ પણ ખાખી મનીના ભાગીદાર છે….તો પછી એના હાથ પણ ખૂનના રંગે શા માટે ન રંગવા. ઉદયસિંહે પોતાના આ પ્લાનમાં સામેલ કરવાના ઇરાદે માટે કનુભા અને પાટીલને હાઇ વે પરના બ્રીજની નીચે એક ચાની ટપરી પર બોલાવ્યા.

‘સાયબ, લીચી મેડમ હજી કેમ નૈ આયવા?’ કનુભાએ પૂછ્યું.

‘હું પણ એ જ કહેવાનો હતો કે કેમ મેડમ હજી ન આવ્યાં.?’ પાટીલ ચાની ચુસ્કી મારતા બોલ્યો. ઉદયસિંહ વાતની શરૂઆત કઇ રીતે કરવી એની ગોઠવણમાં હતો.

‘મેં એને બોલાવી નથી’ એણે પતરાની ખુરસી ટેબલ નજીક ખેંચી. કનુભા અને પાટીલના ચહેરા પર આશ્ર્ચર્યનો તેજ લિસોટો ફરકીને ઓઝલ થઇ ગયો.

‘જુઓ, મને ખબર છે કે તમે બેય પણ ગળામાં ભરાયેલું પૈસાની બેગનું હાડકું કાઢવા માગો છો. એ બાઇ આપણી પાસે ખૂન કરાવવા સુધી પહોંચી ગઇ છે…જે મને મંજૂર નથી.’
‘આમાંથી છૂટવું કઇ રીતે એનો મારગ બતાવોને સાયબ.’ કનુભાને ગરમ ચા પી લેવાની ઉતાવળ હતી.

‘આપણે લીચીને પતાવી નાખીએ.’ કનુભાના હાથમાંથી ચાની પ્યાલી છૂટતા રહી ગઇ.

‘સાહેબ, આ તમે શું વાત કરો છો.?’ પાટીલે કહ્યું.

‘તમે ભૂલી ગયા પાટીલ કે એ તમારી અને મારી પાસે રસ્તોગીનું મર્ડર કરાવવા માગે છે તે.’

‘હા, હું જાણું છું કે એણે આપણે લમણે બંદૂક મૂકી છે, પણ ખૂન….અને એ પણ આપણી સાથીદાર લીચીનું.’

‘તમારી બેય પાસે બીજો કોઇ રસ્તો હોય તો મને બતાવો.’ ઉદયસિંહે કહ્યું…પાટીલ અને કનુભાએ ફરી એકબીજા સામે જોયું.

‘સાહેબ, મર્ડર કઇ રીતે ને ક્યાં કરશું..?’ સ્વભાવના સીધાસાદા પાટીલે કનુભાને ચોંકાવી મૂ્ક્યા. ઉદયસિંહે રાહત અનુભવી.

‘આપણી પોલીસ ચોકીના પાછળની લોક અપમાં.’ ઉદયસિંહ બોલ્યો.

ત્રણેયના મનમાં લીલાસર પોલીસ ચોકીની લોક અપમાં મર્ડરનું દૃશ્ય ભજવાતું લાગ્યું.

લીચી પટેલ લોક અપ રૂમની બાજુમાં આવેલા ટોઇલેટમાંથી બહાર નીકળી કે તરત જ ઉદયસિંહ, પાટીલ અને કનુભાએ એને ઘેરી લીધી….લીચી કાંઇ કહે કે બોલે તે પહેલાં ઉદયસિંહે એની રિવોલ્વર ખેંચી કાઢી ને પાટીલ તથા કનુભાએ એને ધક્કો મારીને લોક અપમાં ધકેલી દીધી. ઉદયસિંહે એક પણ સેક્ધડ ગુમાવ્યા વિના લીચીના લમણે રિવોલ્વર મૂકીને ટ્રીગર દબાવ્યું. લીચી ઢળી પડી. પછી રિવોલ્વર લીચીના હાથમાં પકડાવી. કનુભાએ લોક અપનો દરવાજો બહારથી અટકાવી દીધો. ત્રણેય બહાર આવીને પોલીસ ચોકીમાં બેસી ગયા.

‘હાથમોજાં ઉતારો ને મને આપી દો.’ ઉદયસિંહે પોતાના હાથમોજાં ઉતારતા કહ્યું. કનુભા અને પાટીલે હાથમોજાં કાઢીને ઉદયસિંહને આપ્યા.

પાટીલ હાથમોજાં ઉતાર્યા બાદ પોતાના બંને હાથ ધોઇ રહ્યો એમ ઘસી રહ્યો હતો…ને કનુભા ભડભડિયા સ્ટવ પર ઉકળતી ચાને એકી ટસે જોઇ રહ્યા હતા.

‘શું વિચારો છો પાટીલ. પ્લાન બરાબર
નથી?’ ઉદયસિંહે પાટીલને ચાની પ્યાલી આપતા પૂછ્યું
‘આત્મહત્યા કરવા અંદર ગયેલી લીચીએ અંદરથી દરવાજો બંધ કર્યા વગર આત્મહત્યા કરી લીધી? દરવાજો ખુલ્લો રાખીને કોઇ આત્મહત્યા થોડી કરે. આપણે જ આ કેસની તપાસ કરવાની હોય તો સવાલ ન કરીએ.?’

‘તપાસ થાય ત્યારે કહેવાનું કે ક્યારેક ઉતાવળે આત્મહત્યા કરવાનો વિચાર આવે તો દરવાજો બંધ ન પણ કરે.’

ઉદયસિંહની દલીલ ગળે ઊતરે એવી નહતી. કનુભાનું માથું ફાટ ફાટ થતું હતું. એણે બીજી એક ચાનો ઓર્ડર આપ્યો.

‘સાયબ, લીચીએ આત્મહત્યા કેમ કરી તપાસમાં એવું પુછાય તો કેવું શું?’ કનુભાએ પૂછ્યું.

‘કહી દેવાનું કે ઘણા વખતથી મુંઝાયેલી લાગતી હતી…કદાચ ડિપ્રેશનમાં હોય…કોઇ અંગત મામલો પણ હોઇ શકે…આમેય લીચી અને એની મા એકલાં જ રહે છે…લીચીનો બાપ કોણ છે એની કોઇને ખબર નથી. સ્કૂલ…કોલેજ….નોકરીની અરજી… પોલીસની ભરતી…બધી જગ્યાએ લીચી લીલી પટેલ લખેલું છે.’ જાણીને કનુભા અને પાટીલને આશ્ર્ચર્યનો આંચકો લાગ્યો.

‘સાયબ, તમને કેમ ખબર પડી?’ કનુભાએ દબાયેલા અવાજે પૂછ્યું.

‘હું એનો સિનિયર છું…..એ લીલાસરી પોલીસ ચોકીમાં આવી તે પહેલા એના કાગળિયા મારી પાસે આવી ગયા હતા.’

‘સાયબ, બેગ લીચીના ઘરે છે…એનું શું કરશું.?’ કનુભા ઓર ધીમાં સાદે બોલ્યા.

કનુભા બાપુ, લીચી તમને બહુ માને છે. તમે એને કહો કે એક જ જગ્યાએ પૈસા રહે એમાંય જોખમ છે….થોડા થોડા દિવસે બેગ ફરતી રહેવી જોઇએ.

‘બાપુ, તમે તમારા ઘરે પૈસાની બેગ મુકાવી દો. પછી આપણે ત્રણ ભાગ પાડી લઇશું.’ કનુભા બાપુ મલક્યા. કદાચ બાપુને મર્ડર કરતાંય ઉદયસિંહનો આ પ્લાન વધુ ગમી ગયો હતો.


બલદેવરાજ અને શબનમના ગયા પછી લીલી પટેલના દિમાગ પર વિચારોના તીર એકધારા છુટી રહ્યા હતા…દિમાગના ફુરચા બોલી રહ્યા હતા. આ લોકો દિલ્હીથી શા માટે આવ્યા હતા.? ત્રાસવાદી કનેક્શન શોધવા.? અમારી તપાસ હજી પૂરી થઇ નથી અને તમારી દીકરીને વાત કરજો જ એમ શા માટે કહી ગયા.? પૈસાની બેગની તપાસ કરવા આવ્યા હોય..તો એ વિશે કેમ કાંઇ પૂછ્યું નહીં..?
લીચીએ એના બાપનો કોન્ટેકટ નથી કર્યો એવું ખાતરીપૂર્વક કેમ કહી શકો છો…એવું શા માટે કહીને ગયાં.

શું લીચીએ સતિન્દરનો કોન્ટેક્ટ કર્યો હશે.? કદાચ લાગણીમાં કે ગુસ્સામાં કોન્ટેક્ટ કર્યો પણ હોય, પણ લીચી મને બોલી કેમ નહીં.? આનો જવાબ માત્ર લીચી જ આપી શકે. લીચીને પૂછવું પડે…આખરે એ દીકરી છે ને પાછી પોલીસમાં છે…એ રસ્તો કાઢી શકે. ઇન્ટેલિજન્સના ચીફ પૂછપરછ કરતા આવે એ નાનીસુની વાત નથી. લીચીને કહેતા પહેલાં ડીકેને કહું તો? એ પ્રધાન છે ને દિલ્હીમાં બેઠા છે….પ્રધાન માર્ગ કાઢી શકે. એણે ડીકેને ફોન કરવા મોબાઇલ હાથમાં લીધો….પણ કંઇક વિચારીને અટકી ગઇ. એણે મોબાઇલ બાજુમાં મૂકી દીધો.


હિના ખાલિસ્તાની મૂવમેન્ટમાં વધુને વધુ સક્રિય રસ લેવા લાગી હતી. ગુરુદ્વારામાં યોજાતી મિટિંગમાં ખાસ હાજરી આપીને સતિન્દર સિંઘ અને તજિન્દર સિંઘની આંખ સામે રહેવાનું ચુકતી નહીં.

સાથેસાથે મનપ્રિતની નિકટ પહોંચી ગઇ હતી. દોસ્તીદાવે અવારનવાર ફોન કરીને ખબરઅંતર પૂછતી..અને મોકો શોધીને ગુરુદ્વારામાં નહીં આવવાનું કારણ પણ પૂછી લેતી. મનપ્રિતનો વિશ્ર્વાસ જીતવા એ સતિન્દર અને તજિન્દરની રજેરજની માહિતી આપવા લાગી…અને સાથે કહેવા લાગી કે ખાલિસ્તાની મૂવમેન્ટમાં લોકોની સંખ્યા વધવા લાગી છે. જે લોકો નથી આવતા એમને બંને ભાઇઓ કોઇને કોઇ રીતે હેરાન કરે છે. મેં પણ એમની ચુંગાલમાંથી છટકવાની કોશિશ કરી, પણ ખરાબ અનુભવ થયો. ખાલિસ્તાની મૂવમેન્ટમાં જોડાવાની ભૂલ કરી હવે આ ઝંઝટમાંથી નીકળી જવું છે. હું કોઇ રસ્તો શોધું છું, પણ તમે મા દીકરો સંભાળજો. તમારું અહીં કેનેડામાં કોઇ નથી. હિનાની આવી બધી વાતો સાંભળીને મનપ્રિતને ખાસ કરીને યશનૂરની ચિંતા થવા લાગી હતી.

એક દિવસ મનપ્રિતે હિનાને ઘરે બોલાવી. હિનાને તો આટલું જ જોઇતું હતું.

‘હિના, મૈં તુમ્હારે સાથ કૂછ બાત શેર કરના ચાહતી હું…લેકિન ડરતી હું.’
‘કિસ બાત સે ડરતી હો મનપ્રિત?’
‘તુમસે.’ મનપ્રિતે કહ્યું.

‘મુઝસે.?’ હિનાને સહેજ શંકા ગઇ કે મનપ્રિતને પોતાની અસલિયતની ખબર પડી ગઇ કે શું.

‘મૈં તુમસે જો કહેને જા રહી હું વો અગર સતિન્દર ભાઇસા’બ કો પતા ચલ ગઇ તો હમારા યહાં જીના મુશ્કીલ હો જાયેગા.’

‘મુઝસે ડરને કી કોઇ ઝરૂરત નહીં….હમ દોનોં એક હી નાવ મેં સવાર હૈ…જો હમેં ડૂબાને વાલી હૈ.’ હિનાની વાતે મનપ્રિતને હિંમત આપી.

‘બેઝીઝક બોલ દો, મનપ્રિત.’

‘મૈં યશનૂર કો લેકર હંમેશાં કે લિયે ઇન્ડિયા ચલી જાના ચાહતી હું. દિલ્હીમેં મેરે પેરેન્ટસ હૈ…ફેમિલી હૈ.’

‘હાં તો ચલી જાઓના….તુમ્હે કૌન રોકતા હૈ.?’

‘હમારે પાસપોર્ટ તજિન્દર ભાઇસા’બ કે પાસ હૈ…તૂમ મુઝે વો પાસપોર્ટ નિકાલને મેં મદદ કરોગી.?’

‘ઓહ…યે તો બડા મુશ્કીલ કામ હૈ. ગ્રંથિ તજિન્દર સિંઘ કાલરા. સતિન્દર સિંઘ કાલરા સે ભી ખતરનાક હૈ….ક્યોં કી ઉનકે પાસ ગુરુદ્વારા હૈ….મિનિસ્ટ્રી નહીં…ઓર ગુરુદ્વારા મિનિસ્ટ્રી સે ભી ઝ્યાદા ભી પાવરફુલ હૈ.’

‘યે સબ બબ્બર કી ભૂલ કા નતીજા હૈ…ઉસ કે સાથ હમારા પાસપોર્ટ ભી…તુમ હેલ્પ કરોગીના.?’

‘મેરે પાસ એક પ્લાન હૈ..’ હિનાએ થોડીવાર વિચારીને કહ્યું ને મનપ્રિત એના બંને હાથ પકડીને ચુમવા લાગી.(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button