ઉત્સવ

પીઓકે પરત લેવાની શ્રેષ્ઠ તક મોકો છે ચોકો મારવા માટે !

આપણું લશ્કર પણ કહે છે કે ભારતની સંસદ ઈચ્છતી હોય કે પીઓકે પર પણ ભારતનો કબજો થાય અને એ માટે અમને આદેશ આપે તો અમે પણ ચોક્કસ કાર્યવાહી કરીશું.!

કવર સ્ટોરી -વિજય વ્યાસ

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ફરી ભડકો થઈ ગયો છે..લોકો રસ્તા પર આવી ગયાં છે અને ઉગ્ર દેખાવ કરી રહ્યાં છે. એક મોટો વર્ગ ભારત સાથે જોડાણની તરફેણ પણ કરી રહ્યો છે.

બીજી તરફ. ભારતે પણ ‘પીઓકે ( પાક ઓક્યુપાઈડ કાશ્મીર ) ભારતનો જ ભાગ છે અને ભારત એ પાછું લઈને જ રહેશે ’ એવો હુંકાર કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બંનેએ મોકાનો લાભ લઈને પીઓકેની અશાંતિ અને આક્રોશને લોકસભાની ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો છે.

પીઓકેમાં લોકોના આક્રોશનું કારણ બેફામ મોંઘવારી અને વિકાસનો અભાવ છે. પાકિસ્તાને અત્યાર સુધી પીઓકેને લૂંટ્યું છે. ત્યાં ન તો કોઈ વિકાસ કર્યો. ના કોઈ ઉદ્યોગ સ્થાપ્યા કે ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું. આ ઓછું હોય તેમ ત્યાંની સરકાર તરફથી રાહત દરે અપાતું અનાજ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન સાવ ભિખારી થઈ ગયું છે તેથી વિદેશી રોકાણ આવતું નથી. રોજબરોજના વપરાશની સામાન્ય ચીજ-વસ્તુઓના ભાવ બેફામ વધી ગયા છે.

પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પાકિસ્તાનના કબજામાં છે તેથી ત્યાં પણ બેફામ મોંઘવારી છે. લોકોને વીજળી મળતી નથી તેથી ધંધા-રોજગાર સાવ ઠપ્પ છે. પાકિસ્તાન સરકારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) સામે ચપણિયું લઈને ઊભા રહીને લીધેલી લોનની શરતોના કારણે વીજ બિલ પર અપાતી સબસિડી બંધ કરી દીધી છે. પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પણ સબસિડી બંધ કરાતાં લોકોને પાંચ-દસ હજારનાં લાઈટ બિલ્સ ફટકારી દેવામાં આવ્યા છે. લાઈટ બિલ પર પાછો ૧૦૦ ટકા ટેક્સ લગાવી દીધો છે તેથી ભડકેલાં લોકો રસ્તા પર આવી ગયાં છે.

પાકિસ્તાન સરકાર પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં લશ્કરના જોરે શાસન ચલાવે છે. કોઈ પણ વાતે લોકો વિરોધ કરે એટલે લશ્કર અત્યાચાર કરવા ઊતરી પડે ને જુલમો ગુજારીને લોકોને ચૂપ કરી દે. અત્યારે પણ પાકિસ્તાન આર્મીને વિરોધને દબાવી દેવા માટે મેદાનમાં તો ઉતારવામાં આવ્યું છે. જો કે, લોકો એ હદે ભડકેલાં છે કે, વળતો હુમલો કરીને આર્મીના જવાનોને ભગાડી રહ્યા છે. પ્રજાના આવા આક્રોશથી પાકિસ્તાન સરકાર પણ બઘવાઈ ગઈ છે તેથી તાત્કાલિક પીઓકે માટે ૨૩૦૦ કરોડનું બજેટ મંજૂર કરી દીધું છે. પાકિસ્તાનની શાહબાઝ સરકારે લોકોને રાહત દરે અપાતું અનાજ પણ તાત્કાલિક રવાના કરવું પડ્યું છે.

પીઓકેમાં સ્થિતિ વિસ્ફોટક છે. પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન વિરોધી દેખાવો કરનારા આ વખતે શાંત બેસે એવું લાગતું નથી તેથી વિદેશી બાબતોના નિષ્ણાતો આ પરિસ્થિતિને ભારત માટે સુવર્ણ તક માની રહ્યા છે. આ વિરોધની આગેવાની લેનારા અમજદ અયુબ મિર્ઝા સહિતના નેતા ભારતને તાત્કાલિક એક્શન લેવા વિનંતી પણ કરી રહ્યા છે. આ નેતાઓનું કહેવું છે કે, પીઓકેમાં શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલાં લોકો પર પાકિસ્તાની લશ્કર અત્યાચારો કરી રહ્યું છે ત્યારે ભારતે દરમિયાનગીરી કરવી જોઈએ. ભારત મૂક પ્રેક્ષક બનીને ચૂપચાપ તમાશો જોઈ ના શકે.

પીઓકેના નેતા પણ માને છે કે, પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન બંનેને પાકિસ્તાનથી આઝાદ કરાવીને
ભારતમાં ભેળવવાની સુવર્ણ તક છે. લોકો ભડકેલાં છે અને પાકિસ્તાન સરકાર સામે આક્રોશ છે ત્યારે ભારતની સરકાર અત્યારે પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનને આઝાદ કરાવવાના અમારા પ્રયત્નોમાં સાથ નહીં આપે તો આવી સુવર્ણ તક ફરી નહીં મળે
પીઓકેના નેતાઓની અપીલ પછી ભારત ‘યોગ્ય સમયે પગલાં લેશે ’ એવો સધિયારો આપ્યો છે , પણ આ યોગ્ય સમય ક્યારે આવશે તેનો ફોડ ના તો અમિત શાહે પાડ્યો છે કે ના તો રાજનાથસિંહે પાડ્યો છે. નિષ્ણાતોના મતે, ભારત માટે પીઓકે કબજે કરવાનો આનાથી વધારે શ્રેષ્ઠ મોકો આવવાનો જ નથી તેથી ભારતે તૂટી પડવાની જરૂર છે. ભારતે આક્રમણ કરીને પીઓકે તથા ગિલગિટ-બાલ્ટિસ્તાન બંને પર કબજો કરી લેવો જોઈએ. ભારત આ બંને વિસ્તારો પોતાના હોવાનો દાવો કરે છે ત્યારે પાકિસ્તાન આર્મી બંને વિસ્તારનાં લોકો પર દમન ગુજારી રહ્યું હોય એ સંજોગોમાં ભારત સરકાર ચૂપ ના બેસી શકે તેથી ભારત પાસે પૂરતાં કારણ પણ છે.

    પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર આક્રમણ કરીને કબજો કરવા માટે ઈન્ડિયન આર્મી પણ ટાંપીને બેઠું છે. આપણા આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નારવણેએ છેક ૨૦૨૦માં પત્રકાર પરિષદમાં ડંકે કી ચોટ પર કહેલું કે, વર્ષો પહેલાં આપણી સંસદે ઠરાવ પસાર કરેલો કે,સમગ્ર કાશ્મીર ભારતનું છે તેથી પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) ભારતનું જ છે. ભારતની સંસદ ઈચ્છતી હોય કે,પીઓકે પર પણ ભારતનો કબજો થાય તો એ માટે આદેશ આપે, અમે ચોક્કસ કાર્યવાહી કરીશું.

      આપણી સંસદે ૨૦૧૬ના નવેમ્બરમાં ઠરાવ પસાર કરેલો કે, પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર(પીઓકે) ભારતનો જ હિસ્સો છે ને ભારત એ પાછો મેળવવા તમામ પ્રયત્નો કરશે.જનરલ નારવણેએ આડકતરી રીતે સરકારને પીઓકે પર કબજો કરવા માટે આક્રમણ કરવા ગ્રીન સિગ્નલ આપવા જ કહેલું. મોદી સરકાર એ વખતે આર્મીને છૂટો દોર નહોતી આપી શકી તેથી એ પછી પણ આર્મી સતત કહેતું જ રહ્યું છે કે, અમને છૂટો દોર આપો, પીઓકે લઈ આવીશું , પણ મોદી સરકાર હજુ સુધી આવી  હિંમત બતાવી શકી નથી.બની શકે એનાં કોઈ કારણ પણ હોય..

   જે હોય તે, અત્યારે બધું ભારતની તરફેણમાં છે ત્યારે ભારતે મોકે પે ચોકા લગાવી દેવાની જરૂર છે. ભારતે થોડીક મર્દાનગી બતાવવી જોઈએ.પીઓકેનાં લોકો રસ્તા પર ઊતરી આવ્યાં છે પણ એમનો આક્રોશ ઠરી જાય એ પહેલાં ભારતે એક્શન લેવાની જરૂર છે. આ એક્શન લેવા માટે રાજકીય ઈચ્છાશક્તિ જોઈએ. લોકસભાની ચૂંટણીમાં મત લેવા માટે પીઓકેનો મુદ્દો કામ આવે છે તેથી ભાજપના નેતા ફૂંફાડા માર્યા કરે છે પણ પાકિસ્તાનને ડંખ મારતા નથી.

    કૉંગ્રેસના મણિશંકર ઐયરે કહેલું કે, પાકિસ્તાન પાસે પરમાણુ શસ્ત્રો છે તેથી ભારત કશું કરશે ને પાકિસ્તાન કંઈ નહીં કરે એવું માનવાને કારણ નથી કેમ કે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી.
     આની સામે  આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સામે ફૂંફાડો માર્યો છે કે, અમે પાકિસ્તાનને બંગડીઓ પણ પહેરાવી દઈશું. !  

       સવાલ એ છે કે, આ પરાક્રમ ક્યારે કરીશું?અત્યારે પીઓકે આંચકી લઈને પાકિસ્તાનની કાયમ માટે બોલતી બંધ કરી દેવાનો અને વરસોથી કનડતા કાશ્મીર મુદ્દાનો કાયમ માટે અંત લાવી દેવાની સુવર્ણ તક છે ત્યારે હલ્લાબોલ કરી નાખવું જોઈએ.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ