કેજરીવાલનો PM મોદીને પડકાર, ‘કાલે AAPના નેતાઓ સાથે 12 વાગે ભાજપ હેડક્વાર્ટર આવું છું, ઈચ્છો તેની ધરપકડ કરો…’
નવી દિલ્હી: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તેમના સહયોગી (PA) બિભવ કુમારની ધરપકડ બાદ ભાજપ અને PM મોદી પર ધુંઆપૂંઆ થયા છે. અરવિંદ કેજરીવાલે ભાજપ પર AAP નેતાઓને એક પછી એક જેલમાં ધકેલી દેવાનો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું કે કાલે 12 વાગે હું મારા તમામ નેતાઓ સાથે બીજેપી હેડક્વાર્ટર આવી રહ્યો છું, તમે જેને ઈચ્છો તેની ધરપકડ કરી શકો છો.
અરવિંદ કેજરીવાલે કહ્યું, “તમે જોઈ શકો છો કે તેઓ કેવી રીતે AAP પાછળ પડ્યા છે, તેઓ અમને બધાને જેલમાં નાખવા માંગે છે. હું સરકારને કહેવા માંગુ છું કે તમે આ ‘જેલની રમત’ રમી રહ્યા છો. ક્યારેક મનીષ સિસોદિયા, સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલને જેલમાં નાખી રહ્યા છો. કાલે બપોરે 12 વાગ્યે ભાજપ હેડક્વાર્ટર આવી રહ્યો છું, તમે જેને પણ જેલમાં નાખવા માંગતા હોય તેને નાખી શકો છો.
આમ આદમી પાર્ટીના પ્રમુખે દાવો કર્યો હતો કે ભાજપ હવે તેમની પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ અને આતિશી પણ તેમના નિશાના પર છે. તેમણે કહ્યું કે ભાજપ અમને કચડી શકે નહીં. આમ આદમી પાર્ટી એક વિચાર છે. તમે જેટલા નેતાઓને જેલમાં નાખશો, તેટલા જ અમે આગળ વધીશું.
તેમણે ભાજપને ટોણો મારતા કહ્યું કે AAPની “ભૂલ” એ હતી કે દિલ્હીમાં તેની સરકારે સારી શાળાઓ બનાવી, મોહલ્લા ક્લિનિકની સ્થાપના કરી, મફત સારવાર પૂરી પાડી અને શહેરમાં 24 કલાક મફત વીજ પુરવઠો સુનિશ્ચિત કર્યો, જે ભાજપ કરી શક્યું નથી.
કેજરીવાલે તેમના 2 મિનિટ 33 સેકન્ડના વીડિયોમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે તેમના પીએ બિભવ કુમારનો ઉલ્લેખ કર્યો, પરંતુ પાર્ટી સાંસદ સ્વાતિ માલીવાલ પર એક પણ શબ્દ બોલ્યા નહીં.
અરવિંદ કેજરીવાલ આવતી કાલે ભાજપ હેડક્વાર્ટર જશે તે અંગે ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે ‘ધરપકડ તપાસ એજન્સીઓ કરે છે, ભાજપ નહીં. કોઈને જેલમાં મોકલવાનું કે જામીન આપવાનું કામ કોર્ટનું છે. જો તેઓ વિચારે છે કે તેઓ સ્વાતિ માલીવાલ પર હુમલો કરશે અને કાયદો કંઈ નહીં કહે તો મને લાગે છે કે તેઓ માત્ર માનસિક રીતે નાદાર જ નહીં પણ ચારિત્ર્યની નાદારીનો પણ સામનો કરી રહ્યા છે….જો તમે કોઈ મહિલા પર હુમલો કરશો તો તમને સજા થશે જ.’