આમચી મુંબઈ

ઝૂંપડપટ્ટીમાં કમર્શિયલ સ્ટ્રક્ચર પર પ્રોપર્ટી ટેક્સ વસૂલવાની પાલિકાની યોજના

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપલિકાની આવકનો બીજા નંબરનો સૌથી મોટો સ્ત્રોત કહેવાતા પ્રોપર્ટી ટેક્સની આવકમાં ગયા વર્ષમાં મોટો ફટકો પડ્યોે હતો. તેથી પાલિકાએ પોતાની આવકનો બીજો સ્ત્રોત ઊભો કરવા માટે હવે ઝૂંપડપટ્ટીમાં આવેલા કમર્શિયલ સ્ટ્રક્ચર પર પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો વિચાર કરી રહી છે. તે માટે પાલિકા પ્રશાસને મુંબઈના તમામ ૨૫ વોર્ડમાં સંબંધિત અધિકારીઓને ઝૂંપડપટ્ટીમાં આવેલી કમર્શિયલ મિલકતનો સર્વે હાથ ધરવાની સૂચના આપી છે.

મુંબઈમાં ૫૦૦ ચોરસ ફૂટ સુધીની રેસિડેન્શિસ પ્રોપર્ટીને પ્રોપર્ટી ટેક્સમાં આવેલી મુક્તિને કારણે પ્રોપર્ટી ટેક્સ કલેકશનમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ટેક્સમાં કોઈ વધારો કરવામા આવ્યો નથી. એ ઉપરાંત ટેક્સની ગણતરીની નવી પદ્ધતિમાં કાયદાકીય જટિલતા છે, તેનો ફટકો ૨૦૨૩-૨૪ના નાણાંકીય વર્ષને પડ્યો છે. તેને કારણે અગાઉ પ્રોપર્ટી ટેક્સ વસૂલીનો લક્ષ્યાંક જે ૬,૦૦૦ કરોડ રૂપિયા રાખ્યો હતો, તેમાં ઘટાડો કરીને ૪,૫૦૦ કરોડ રૂપિયા કરીને ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૪થી પ્રોપર્ટી ધારકોને બિલ મોકલવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાલિકાએ મોટા ડિફોલ્ટરોને શોધીને ૧૩ મે સુધી પ્રોપર્ટી ટેક્સનો આંકડો ૩,૯૬૦ કરોડ રૂપિયા સુધી પહોંચાડી શકી નહતી. એ સાથે જ પાલિકાએ પ્રોપર્ટી ટેક્સના બિલ ભરવા માટેની મુદત પણ ૨૫ મે સુધી લંબાવી દીધી છે.

પ્રોપર્ટી ટેક્સ દ્વારા જમા થતા ભંડોળનો ઉપયોગ શહેરના માળખાકીય પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે. તેથી ગયા આર્થિક વર્ષમાં થયેલા નુકસાનને આવરી લેવા માટે પાલિકાએ પ્રોપર્ટી ટેક્સ દ્વારા આવકનો નવો સ્ત્રોત વિકસાવવા પર વિચાર કરી છે.

પાલિકાના સૂત્રોના કહેવા મુજબ આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાલિકા મિલકતના ક્ષેત્રફળના આધારે ટેક્સ લાદશે. છેલ્લે પાલિકાએ ૨૦૧૬-૧૭માં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ પાસેથી ટેક્સ વસૂલવાનો નિર્ણય લીધો હતો.

પાલિકાએ ૨૦૧૬માં એરિયા અને કયા પ્રકારના ઝૂંપડા છે, તેના આધારે વાર્ષિક ૨,૪૦૦થી ૧૮,૦૦૦ રૂપિયા વસૂલ કરવાનું નક્કી કર્યું હતું. તત્કાલિન પાલિકા કમિશનર અજોય મહેતાએ પણ બજેટમાં ઝૂપડપટ્ટીની મિલકત પર ટેક્સ વસૂલ કરવાની દરખાસ્ત રાખી હતી. જોકે આ પ્રસ્તાવ આગળ વધી શક્યા નહોતા.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં ઝૂપડપટ્ટી પર કોઈ ટેક્સ વસૂલવામાં આવતો નથી. પરંતુ સ્લમ વિસ્તારોમાં આવેલી કમર્શિયલ મિલકત પર ટેક્સ લાદવાની યોજના બનાવી રહ્યા છીએ. પાલિકાના અધિકારીઓ તેમના સંંબંધિત વિસ્તારોની મુલાકાત લેશે અને માહિતી એકત્ર કરશે અને ત્યારબાદ વસૂલી માટે પ્રસ્તાવ રાખવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button