આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈગરાના મનમાં મોદી છે: ફડણવીસ

લઘુમતી કોમ દ્વારા પાર્ટી વિશેષ અને ઉમેદવાર માટે ફતવા જાહેર કરવામાં આવે તે લોકશાહી માટે ઘાતક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુબઈ:
મુંબઈનો ચહેરો બદલાઈ રહ્યો છે તે દેખાઈ રહ્યું છે અને આમાં વડા પ્રધાનનું મોટું યોગદાન છે. હું મુખ્ય પ્રધાન બન્યો અને પછી વડા પ્રધાન મોદીએ 20 વર્ષથી અટકી પડેલા પ્રોજેક્ટને પરવાનગીઓ આપવાનું ચાલુ કર્યું હતું. કોસ્ટલ રોેડ, અટલ સેતુ, એસટીપી, મેટ્રો, એરપોર્ટ, મુંબઈને ડિક્ધજેસ્ટ કરવાના અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા. મુંબઈગરાને આ બધું દેખાય છે.

ધારાવીના વિકાસનું સપનું પૂર્ણ કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. રાજીવ ગાંધી દ્વારા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. અમે આવીને સમસ્યા સમજી અને હવે રેલવેની જમીન શોધી કાઢી અને તેને ખરીદી એટલે ધારાવીનું રિડેવલપમેન્ટ શક્ય બન્યું છે. બીડીડી ભારતનું સૌથી મોટું રિડેવલપમેન્ટ છે, 25 વર્ષથી અટકેલું હતું કેમ કે બિલ્ડરને આપવાનું હતું. હવે મ્હાડાને કામ સોંપ્યું અને 120 ફૂટના ઘર સામે 500 ફૂટના ઘર આપવામાં આવશે. કામ ચાલી રહ્યું છે.

તેમણે એવો દાવો કર્યો હતો કે મુંબઈમાં આજે જે વિકાસ થઈ રહ્યો છે કે દોઢ-બે દાયકા પહેલાં શરૂ થઈ જવો જોઈતો હતો. ત્યારે જો વિકાસકામ થયા હોત તો આજે બેંગલોર અને હૈદરાબાદ આઈટી કેપિટલ તરીકેનો દરજ્જો ધરાવે છે તે મુંબઈને મળ્યો હોત.

આ પણ વાંચો: કેસરિયા કરવા જઈ રહેલા એકનાથ ખડસેને ભાજપના જ નેતાએ કહી સંભળાવી દીધું, કહ્યું,’એ તો…’

દર બીજા વર્ષે મુંબઈમાં બોમ્બ ધડાકા થતા હતા તે હવે મોદીજીના આગમન બાદ બંધ થઈ ગયું છે, એટલે પણ મુંબઈગરા અમારી સાથે છે, એમ ફડણવીસે કહ્યું હતું.

દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ દ્વારા ઠાકરે વિરુદ્ધ ઠાકરે અને પવાર વિરુદ્ધ પવાર કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપોનો જવાબ આપતાં તેમણે કહ્યું હતુું કે ઠાકરે પરિવારમાં જે ભંગાણ પડ્યું છે તે એક વ્યક્તિની મહત્વાકાંક્ષાને લીધે પડ્યું છે. વાસ્તવમાં 2004માં જ યુતિની સરકાર સત્તામાં આવી ગઈ હોત, પરંતુ નારાયણ રાણેના પ્રભાવને ઓછો કરવા માટે ઉદ્ધવ ઠાકરેએ જે કાવતરાં કર્યા તેને કારણે રાજ્યમાં યુતિની સરકાર આવવામાં દાયકો વિલંબ થયો હતો.

શિવસેનાના મુખ્ય પ્રધાન બનાવવા માટે એકનાથ શિંદેનું જ નામ હતું, પરંતુ તેમને એવો ડર લાગ્યો હતો કે એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બનશે તો આદિત્ય ઠાકરે માટે કોઈ ભવિષ્ય બચશે નહીં એટલે તેઓ જાતે મુખ્ય પ્રધાન બન્યા હતા. એકનાથ શિંદેને ખતમ કરવાના પૂરા પ્રયાસો થયા હતા એટલે જ તેમણે શિવસેનામાં ભંગાણ પડાવવું પડ્યું હતું અને અમે તેમને અમારી સાથે લીધા હતા. પવાર પરિવારમાં પણ આવું જ હતું.

અજિત પવારને કાયમ વિલન બનાવવામાં આવ્યા હતા, જેથી સુપ્રિયા સુળેને ‘હિરો’ બનાવી શકાય. તેઓ અલગ થયા ત્યારે ભાજપે ફક્ત તેમને સાથે લીધા હતા. બંને પક્ષોના ભંગાણમાં ભાજપની કોઈ ભૂમિકા નહોતી.

મહારાષ્ટ્રમાં કેટલીક બેઠકો પર અત્યંત જાતી આધારિત ધ્રુવીકરણ જોવા મળ્યું હતું એવો ગંભીર આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે રાજ્યના સામાજિક પોત માટે આ અત્યંત હાનીકારક છે. રાજ્યમાં કેટલેક સ્થળે વોટ જેહાદની હાકલ કરવામાં આવી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં મજલિસ બોલાવીને વોટ જેહાદ કરવાની હાકલ કરવામાં આવી હતી અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. વાસ્તવમાં અત્યારે લઘુમતી સમાજ માટે કૉંગ્રેસ અને એનસીપી કરતાં શિવસેના (યુબીટી) વધુ અનુકૂળ લાગી રહી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: કોંગ્રેસના દિગ્ગજ નેતાની પુત્રવધુએ કેસરીયો ખેંસ કર્યો ધારણ, અર્ચના પાટીલ 30 વર્ષથી કરે છે સમાજ સેવા: ફડણવીસ

રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યા રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોની માહિતી તેમણે આપી હતી. અજિત પવારને આપવામાં આવેલી ક્લિન ચીટ માટે તેમણે કહ્યું હતું કે આ કેસમાં આક્ષેપો 2009માં કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારથી તપાસ ચાલી રહી છે. હવે અજિત પવારની સંડોવણી દેખાડતા કોઈ પુરાવા જ તપાસ એજન્સીઓને મળ્યા નથી ત્યારે તેમના પર કલંક લગાવવું કેટલું યોગ્ય છે.

મુંબઈ શહેરમાં પરવડી શકે એવા ઘરો બાંધવા માટે અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને ગતિ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા હોવાની માહિતી તેમણે આપી હતી.

ચૂંટણી પ્રચારની રેલીમાં વડા પ્રધાન ફક્ત હિંદુ-મુસ્લિમ કરતા હોવાના આક્ષેપો અંગે જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન પોતાના ભાષણમાં 90 ટકા ભાગમાં 10 વર્ષમાં કરવામાં આવેલા કામ અને આગામી કાળમાં કરવાના કામ અંગેની માહિતી આપે છે અને બાકીના 10 ટકા ભાગમાં જવાબ આપવાનું કામ કરે છે.

કેમ કે જવાબ ન આપવામાં આવે તો લોકો એવું માનવા લાગે છે કે વિપક્ષ દ્વારા કરવામાં આવેલી વાતો સાચી છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને રાહુલ ગાંધીના ભાષણો સાંભળો તો મોદીને અપશબ્દો, મોદીની ટીકા, મોદીને અપશબ્દો, મોદીની ટીકા જ સાંભળવા મળે છે. તેમની પાસે કશું બોલવા માટે જ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button