CJI ચંદ્રચુડે કોને રાહુલ દ્રવિડ સાથે સરખાવ્યા ?
![CJI Chandrachud compare rahul dravid](/wp-content/uploads/2024/05/CJI-DY-Chandrachud-Rahul-Dravid.webp)
New Delhi : સુપ્રીમના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાવુક થઈ ગયા હતા. ન્યાયાધીશ એએસ બોપન્નાના વિદાય સમારંભમાં CJIએ પોતાની ભાવના વ્યક્ત કરી હતી. હકીકતમાં સુપ્રીમના ન્યાયાધીશ એએસ બોપન્ના આગામી રવિવારે સેવાનિવૃત થવાના હોય તેમના સન્માનમાં વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડે એએસ બોપન્નાની તુલના રાહુલ દ્રવિડ સાથે કરાઇ હતી. તેમણે જસ્ટિસ બોપન્નાની સમય માટેની કટિબધ્ધતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ઉનાળુ વેકેશનને લઈને સુપ્રીમ કોર્ટ બંધ થાય તે પહેલા કામગીરીના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશન દ્વારા ન્યાયમૂર્તિ બોપન્નાના સન્માનમાં વિદાય સમારંભને સંબોધિત કરતાં CJI ચંદ્રચુડે કહ્યું હતું કે, “તેઓએ 5 વર્ષના કાર્યકાળ દરમિયાન વિભિન્ન ક્ષેત્રોને લઈને 90 થી વધુ નિર્ણય લીધા છે. સંપતિથી લઈને નાગરિક કાયદાઓ સુધીની તેમની સેવા અને તેમનો કાર્યકાળ સત્યનિષ્ઠા અને કાયદાના શાસન પ્રત્યે તેમના અતૂટ સમર્પણનું પ્રતિક છે.
CJI ચંદ્રચુડે કહ્યું હતું કે, “મારા વિચારથી જસ્ટિસ બોપન્ના રાહુલ દ્રવિડ સમાન છે. આપણાં પોતાના સુપ્રીમ કોર્ટના શ્રીમાન વિશ્વાસપાત્ર છે. જ્યારે જ્યારે તેમની સાથે વાતચીત થતી હોય ત્યારે તેમની નિષ્પક્ષતા અને હમદર્દીની વચ્ચેનું સંતુલન મને આશ્ચર્યમાં મૂકી આપતું હતું.” જસ્ટિસ બોપન્ના 24 મે 2019થી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ પદે આરુઢ થયા હતા. વિદાય સમારંભને સંબોધિત કરતાં જસ્ટિસ બોપન્નાએ જણાવ્યું હતું કે દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશના રૂપે પોતાની કારકિર્દીમાંથી નિવૃતિ લેવી મારા માટે ખૂબ જ સંતોષકારક સ્થિતિ છે.