Madrassa survey: ગુજરાત સરકાર રાજ્યના મદરેસાઓનો સર્વે કરાવશે, જાણો શું છે કારણ
Gandhinagar: મદરેસામાં આપવામા આવતા શિક્ષણ અંગે સવાલો ઉઠ્યા બાદ ગુજરાત સરકાર(Gujarat government)ના શિક્ષણ વિભાગે કાર્યવાહી શરુ કરી છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)માં નોંધાયેલી ફરિયાદ બાદ રાજ્યના શિક્ષણ વિભાગે અંદાજે 1,130 મદરેસાઓ(Madrassa)નો સર્વે ફરજિયાત કર્યો છે. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ મદરેસાઓમાં ભણતા બાળકોને માત્ર ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે, શાળાનું પ્રમાણભૂત શિક્ષણ નથી આપવામાં આવતું.
સર્વેનો ઉદ્દેશ્ય મદરેસાઓ વિષે વધુ માહિતી એકત્રિત કરવાનો અને મદરેસામાં હાજરી આપતા વિદ્યાર્થીઓ વિશે વિગતવાર માહિતી એકત્રિત કરવાનો છે. સંપૂર્ણ સર્વે રિપોર્ટ એક દિવસમાં સબમિટ કરવાનો રહેશે.
રાજ્યના મુખ્ય સચિવને સંબોધિત NCPCRની ફરિયાદના જવાબમાં શિક્ષણ વિભાગે સર્વે માટેની પ્રક્રિયાઓની રૂપરેખા આપતો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં સરકાર દ્વારા સહાય પ્રાપ્ત કરતા અને માન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં બિન-મુસ્લિમ બાળકોની શારીરિક ચકાસણી તેમજ બિનસૂચિબદ્ધ મદરેસાઓનું મેપિંગનો આદેશ આપવામાં અવ્યો છે. શિક્ષણ વિભાગે ડીઇઓ અને ડીપીઇઓને આ સર્વે હાથ ધરવા અને તેમના તારણો તાત્કાલિક સબમિટ કરવા માટે ટીમો બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
વિભાગે જણાવ્યું કે આ સર્વેથી અમે શિક્ષણના અધિકાર કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માંગીએ છીએ, RTE મુજબ 6 થી 14 વર્ષની વયના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ ફરજિયાત છે. શિક્ષણ વિભાગ એવા બાળકોની ઓળખ કરવા માંગે છે કે જેઓ માત્ર ધાર્મિક શિક્ષણ મેળવતા હોય અને નિયમિત શાળાઓમાં તેમના પ્રવેશની સુવિધા આપે.
રાજ્યમાં લગભગ 1,130 મદરેસાઓની યાદી સર્વે માટે શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવી છે. આ ઉપરાંત, આ યાદીમાં સામેલ ન હોય તેવા મદરેસાઓનો પણ સર્વે કરવામાં આવશે. પાટણ જિલ્લામાં 180 મદરેસાઓ છે, અમદાવાદ શહેરમાં લગભગ 175 મદરેસા છે, અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ 30 છે, અમદાવાદમાં કુલ 205 મદરેસા છે.
Also Read –