“બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવાની ધમકીઓ પણ આત્મહત્યા માટે ઉશ્કેરે છે”, MP હાઈકોર્ટની અવલોકન
ભોપાલ: ઘણીવાર એવા બનાવો બનતા હોય છે કે કોઈ અન્ય કારણોસર મહિલા કોઈ પુરુષ સામે બળાત્કારની ખોટી ફરિયાદ((Fake rape case) નોંધાવતી હોય, જેને કારણે પુરુષનું જીવન ખોરવાઈ જતું જોય છે. મધ્યપ્રદેશ હાઈ કોર્ટે(Madhya Pradesh HC) બળાત્કારની ખોટી ફરિયાદ નોંધવા અથવા તો નોંધાવવાની ધમકી આપવાના અંગે મહત્વનો નિર્ણય આપ્યો હતો.
એક મહિલાએ બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવાની ધમકી આપતા મધ્ય પ્રદેશના બાલાઘાટના એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી. એક મહિલાની અરજી ફગાવી દેતાં હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બળાત્કારનો ખોટો રિપોર્ટ દાખલ કરવાની ધમકી આપવીએ આત્મહત્યા માટે ઉશ્કેરવાની શ્રેણીમાં આવે છે. જસ્ટિસ જીએસ અહલુવાલિયાની સિંગલ બેન્ચે મહિલા ડૉક્ટર અને તેની માતા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે.
કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટને જાણવા મળ્યું કે ચંદ્રશેખર ઉર્ફે પવન આહુજા અને તેની માતા સામે ગટરમાં કચરો ફેંકવાને બાબતે સોસાયટીના સભ્યો સાથે વિવાદ થયો હતો. બાલાઘાટના પોલીસ સ્ટેશનમાં પાડોશીઓએ યુવક અને તેની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવક પોતાનું ઘર ગીરવે મૂકીને PSCની તૈયારી કરવા ઈન્દોર ગયો હતો. માનસિક તણાવને કારણે તેને અભ્યાસમાં ધ્યાન આપી શકતો ન હતો.
જ્યારે તે બાલાઘાટ પરત આવ્યો ત્યારે પડોશમાં રહેતી અરજદાર મહિલા ડૉક્ટરે બળાત્કાર અને છેડતીનો ખોટો રિપોર્ટ નોંધાવવાની ધમકી આપી હતી. યુવક ઓક્ટોબરમાં તેના પિતા સાથે માંડલા જિલ્લાના બામહાણી બંજર ચાલ્યો ગયો હતો. આ દરમિયાન તેની માતાનો પાડોશીઓ સાથે ઝઘડો થયો હતો. બાદ જ્યારે યુવક બાલાઘાટ પરત ફર્યો તો તેને ફરીથી બળાત્કારના ખોટા આરોપો લગાવવાની ધમકી આપવામાં આવી. જેને કારણે યુવકે આત્મહત્યા કરી લીધી હતી.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે યુવક PSCની તૈયારી કરી રહ્યો હતો. જો તે ફોજદારી કેસમાં ફસાઈ જાય તો તેને સરકારી નોકરી ન મળે, જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેને આત્મહત્યા જેવું પગલું ભરવાની ફરજ પડી હતી. આરોપી મહિલા ડૉક્ટર અને તેની માતા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવા માટે યોગ્ય સામગ્રી ઉપલબ્ધ છે, તેથી તેમને હાલમાં રાહત આપી શકાય તેમ નથી.
બાલાઘાટની રહેવાસી મહિલા ડૉક્ટર અને તેની માતાએ મંડલા જિલ્લાના બામહાની પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરીને આત્મહત્યા માટે ઉશ્કેરવાની કલમ હેઠળ નોંધાયેલા કેસને રદ કરવાની માંગ કરી હતી. કોર્ટે મહિલા ડૉક્ટર અને તેની માતાને કોઈ રહાત આપી ન હતી.