મુંબઈ: લખનઉ સુપર જાયન્ટ્સ (20 ઓવરમાં 214/6) સામે શુક્રવારે વાનખેડેમાં મુંબઇ ઇન્ડિયન્સ (20 ઓવરમાં 196/6)નો 18 રનથી પરાજય થયો અને એ સાથે મુંબઇ ઇન્ડિયન્સ (8 પોઇન્ટ, -0.318નો રનરેટ)ની ટીમે ત્રણ સીઝનમાં બીજી વખત સાવ તળિયે (10માં નંબરે) રહીને ટૂર્નામેન્ટમાંથી એક્ઝિટ કરી. 2022માં પણ આ ટીમ 10 હાર બદલ 10મા ક્રમે રહી હતી. લખનઊ સુપર જાયન્ટ્સ (14 પોઇન્ટ, -0.667નો રનરેટ)ની ટીમ ત્રણ સીઝનની કરીઅરમાં પહેલી જ વાર પ્લે-ઓફથી વંચિત રહી છે.
મુંબઈએ 215 રનનો લક્ષ્યાંક મેળવવા શરૂઆત સારી કરી હતી, પરંતુ મિડલ ઓર્ડરમાં એક માત્ર નમન ધીર સારું રમ્યો અને છેવટે હાર્દિક પંડ્યાની ટીમે 18 રનથી પરાજય જોવો પડ્યો. ઓપનિંગમાં રોહિત શર્મા (68 રન, 38 બૉલ, ત્રણ સિક્સર, દસ ફોર) આ સીઝનમાં ત્રીજી જ વખત રમાડવામાં આવેલા ડેવાલ્ડ બ્રેવિસ (23 રન, 20 બૉલ, બે સિક્સર, એક ફોર) વચ્ચે 88 રનની ઉત્કૃષ્ટ ભાગીદારી થઈ હતી, પરંતુ બ્રેવિસની વિકેટ સાથે મિની ધબડકો શરૂ થયો હતો. 32 રનમાં પાંચ વિકેટ પડી હતી.
સૂર્યકુમાર યાદવ ઇજામુક્ત થઈને ગયા મહિને વાનખેડેમાં જે પહેલી મેચ રમ્યો હતો એમાં ઝીરોમાં આઉટ થયો હતો સીઝનની છેલ્લી મેચમાં પણ તેણે શૂન્યમાં જ વિકેટ ગુમાવી. તેને કૃણાલ પંડ્યાએ રવિ બિશ્નોઈના હાથમાં કૅચચાઉટ કરાવ્યો હતો. લખનઊના બોલર્સમાં રવિ બિશ્નોઈ તેમ જ નવીન-ઉલ-હકે બે-બે વિકેટ, કૃણાલ પંડ્યા તેમ જ મોહસિન ખાને એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, લખનઊને 214 રનના ટોટલ સુધી પહોંચાડવામાં નિકોલસ પૂરન (75 રન, 29 બૉલ, આઠ સિક્સર, પાંચ ફોર) અને કેપ્ટન કેએલ રાહુલ (55 રન, 41 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ના સૌથી મોટા યોગદાન હતા. દેવદત પડિક્કલ (0) અને ગઈ મેચનો હીરો અર્શદ ખાન (0) ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થયા હતા. બંનેની વિકેટ નુવાન થુશારાએ લીધી હતી.
મુંબઈના આઠ બોલરમાંથી થુશારા અને પીયુષ ચાવલાને ત્રણ-ત્રણ વિકેટ મળી હતી.
આ સીઝનમાં પહેલી જ વખત રમાડવામાં આવેલો અર્જુન તેંડુલકર પોતાની ત્રીજી ઓવરના બીજા જ બોલ પછી સ્નાયુઓમાં દુખાવો થવાને કારણે ઓવર પૂરી નહોતો કરી શક્યો અને નમન ધીરે બાકીના ચાર બોલ ફેંકીને એ ઓવર પૂરી કરી હતી.
અર્જુનને એ ઓવરની શરૂઆત પહેલાં જ ઈજા નડી હતી. તેના પહેલા બે બોલમાં પૂરને છગ્ગા ફટકાર્યા હતા. અર્જુન ક્રેમ્પ્સને લીધે પૅવિલિયનમાં પાછો ગયો ત્યાર બાદ નમન ધીરના બાકીના ચારમાંથી પહેલા ત્રણ બોલમાં પૂરને એક સિક્સરની મદદથી બીજા 13 રન બનાવ્યા હતા અને રાહુલે એક સિક્સર ફટકારી હતી. એ સાથે એ ઓવરમાં કુલ 29 રન બન્યા હતા.
અર્જુન (2.2-0-22-0)ને બુમરાહના સ્થાને રમવાનો મોકો અપાયો હતો. અર્જુન અને હાર્દિક પંડ્યા (2-0-27-0) તેમ જ અંશુલ કમ્બોજ, નમન ધીર, નેહલ વઢેરા, રોમારિયો શેફર્ડને વિકેટ નહોતી મળી.
નિકોલસ પૂરનને મેન ઓફ ધ મેચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
Taboola Feed