જંગલી જાનવરો નહીં, પણ બિલાડીથી ડર લાગે છે આ ગામના લોકોને
Kangra : બરફીલા પ્રદેશ Himachalના કાંગના જિલ્લાના કાંગડા વિસ્તારમાં લોકો રાતભર જાગે છે. આનું કારણ ચોર નથી, ખુંખાર જનાવર નથી, પણ આનું કારણ છે એક જંગલી બિલાડી. અહીં એક જંગલી બિલાડીએ લોકોને જાગતા કરી મૂક્યા છે. તેનો આતંક એટલો બધો છે કે ગામના લોકો રાત્રે ઘરની બહાર સુતા પણ ડરે છે. છેલ્લા એક મહિનાથી ભયનું એવું વાતાવરણ છે કે અન્ય ગામના સગા-સંબંધીઓ પણ અહીં આવતા ડરે છે. જંગલી બિલાડી અત્યાર સુધીમાં 18 લોકોને પોતાનો શિકાર બનાવી ચૂકી છે. જેમાં સૌથી વધુ મહિલાઓ છે.
દેહરા સબ-ડિવિઝનના બિહાન ગ્રામ પંચાયતના નાંગલ ગામમાં એક જંગલી બિલાડી લોકો પર હુમલો કરી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે આવો બનાવ તેમણે પહેલા ક્યારેય જોયો નથી. કેટલાક લોકોએ બિલાડીને જોઈ છે. ઇજાગ્રસ્તોને દાદાસીબા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ગ્રામજનો જંગલી બિલાડીઓથી ડરે છે. લોકો રાત્રે ઘરની બહાર નીકળતા ડરે છે. કેટલાક લોકોને ઘરની અંદર પણ જમીન પર સૂવાની ફરજ પડે છે.
ગ્રામજનોએ વનવિભાગ અને પશુ ચિકિત્સા વિભાગ દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ કરી છે. વન વિભાગ અને વેટરનરી વિભાગની ટીમો જંગલી બિલાડીને પકડવા અભિયાન ચલાવી રહી છે. વિભાગોએ લોકોને સાવચેત રહેવા અને રાત્રે બહાર ન નીકળવા સૂચના આપી છે.