ટોપ ન્યૂઝનેશનલ

Haryana Bus fire: શ્રદ્ધાળુઓથી ભરેલી ચાલતી બસમાં આગ લાગી, 10 લોકોના મોત

નુંહ: ગત મોડી રાત્રે હરિયાણાના નુંહ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર બસ(Haryana Bus fire)માં આગ લગતા 10લોકોના મોત થયા છે. જ્યારે 25થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઘાયલ લોકોને નજીકની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકઠા થયેલા સ્થાનિક લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

અહેવાલ મુજબ અકસ્માતનો ભોગ બનેલા લોકો પંજાબ અને ચંદીગઢના રહેવાસી છે. બસમાં કુલ 60 લોકો સવાર હતા. જેઓ મથુરા અને વૃંદાવનને દર્શન કરી પરત ફરી રહ્યા હતા. પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

ગયા શુક્રવારે પ્રવાસી બસ ભાડે કરીને શ્રદ્ધાળુઓ બનારસ અને મથુરા-વૃંદાવન દર્શન માટે નીકળ્યા હતા. બસમાં 60 લોકો સવાર હતા. મુસાફરે જણાવ્યું કે બધા નજીકના સગા હતા. જેઓ પંજાબના લુધિયાના, હોશિયારપુર અને ચંદીગઢના રહેવાસી હતા. ગત રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બસમાં આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી.

મદદ માટે સ્થળ પર પહોંચેલા ગ્રામવાસીઓએ જણાવ્યું કે રાત્રે લગભગ 1:30 વાગ્યે તેઓએ ચાલતી બસમાં જ્વાળાઓ જોઈ. તેમણે બૂમો પાડી ડ્રાઈવરને બસ રોકવા કહ્યું પણ બસ ઉભી ન રહી. ત્યારબાદ એક મોટરસાઇકલ સવાર યુવકે બસનો પીછો કરીને ડ્રાઇવરને આગ અંગે જાણ કરી હતી. ત્યારબાદ બસ ઉભી રહી પરંતુ ત્યાં સુધીમાં બસમાં લાગેલી આગ વિકરાળ બની ગઈ હતી.

ફાયર બ્રિગેડ પહોંચે એ પહેલા ગ્રામજનોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને પણ જાણ કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ મોડી પહોંચી હતી. ત્યાં સુધીમાં બસમાં રહેલા કેટલાક લોકો ગંભીર દાઝી ગયા હતા.
આ ઘટનામાં કુલ 10ના મોત થયા છે, 25થી વધુ ઘાયલ થયા છે, તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આગની ઘટનાને કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામ થયો હતો. ભારે જહેમત બાદ પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. હાલ મૃતકોની ઓળખ થઈ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button