નિવૃત્તિ
ટૂંકી વાર્તા -મોહનલાલ પટેલ
સવારે ટાવરમાં આઠના ટકોરા થવા લાગ્યા અને હરિલાલની નજર એના ડાયલ ઉપર મંડાઈ.
આમ તો, હરિલાલ રોજ આ સમયે શાકભાજી ખરીદવા આવે ત્યારે રઘવાયા થયા હોય એવી ઉતાવળ કરતા. અને એમાંય જો ટાવરમાં આઠના ટકોરા પડી જાય તો તો, જે હાથે ચઢ્યું તે થેલીમાં નાખીને એ ભાગવા જ માંડતા. શાકભાજીવાળો હરિલાલની આ રીત બરાબર જાણતો હતો. આજે એમને શાંતિથી ઊભા રહેલા જોઈને એને નવાઈ લાગી. એણે પૂછ્યું: ‘કાકા, આજે રજા છે કે શું?’
‘ના ભાઈ, રજા તો કંઈ નથી.’
‘તો આજ આટલી શાંતિ ક્યાંથી?’
આ પ્રશ્ર્નનો જવાબ હરિલાલ પૈસે હતો જ, પણ શાકભાજીવાળાને એ કહેવામાં એમને રસ નહોતો. એમણે તો એને એટલું જ કહ્યું: ‘રોજ ઉતાવળ કરીએ છીએ, કો’ક દા’ડો તો શાંતિ હોયને, ભાઈ.’
રોજ વહેલી સવારથી તે મોડી રાત સુધી રઘવાટમાં જ દિવસ પૂરો કરનાર હરિલાલના ચિત્તમાં આજે ખરેખર શાંતિ હતી એટલું જ નહીં, મનમાં એક પ્રકારનો આનંદ પણ હતો.
શાકભાજી લઈને એ ઘર તરફ ચાલવા લાગ્યા. એમના મનમાં પેલા શાકભાજીવાળાનો પ્રશ્ર્ન પડઘાયો. પોતાની આજની નિરાંત જોઈને શાકભાજીવાળાને નવાઈ લાગી હતી. પણ શાકભાજીવાળાને જ કેમ, કોઈને પણ નવાઈ લાગે એવી વાત હતી. જીવનભર એક પળવાર પણ પોતે શાંતિનો પોરો ખાધો હોય એવું એમને કોઈ સ્મરણ નહોતું. નાનપણમાં જ મા-બાપ ગુજરી ગયેલાં એટલે અભ્યાસ પડતો મૂકીને રોટલો રળવાનું માથે આવી પડ્યું. થોડાં વર્ષો સુધી જ્યાં ત્યાં નોકરી કર્યા પછી એક નાનકડા કારખાનામાં નોકરી મળી ગઈ, આ કારખાનાનો વિકાસ થતો ગયો અને હરિલાલને પણ એમની સૂઝ અને આવડતના કારણે ઉત્તરોત્તર સારાં માન અને સ્થાન મળતાં રહ્યાં. ભણતર અને અનુભવમાં હરિલાલ અને કારખાનાનો માલિક બંને સરખા હતા. એટલે એ બંનેનો મેળ સારો હતો. કારખાનાનો માલિક થોડો આળસુ ખરો એટલે હરિલાલ કારખાનાના વહીવટદાર અને ચોકીદાર જે ગણો તે, થઈને રહ્યા. પણ આના કારણે તો હરિલાલ ઉપર પોતે વફાદાર કામદાર હોવાથી કામનો બોજો ઘણો વધી ગયો હતો. સવારથી તે મોડી રાત સુધી એ કારખાનામાં જ રહેતા. શાકભાજી ઘરમાં આપીને એ સીધા કારખાને પહોંચી જતા. બપોરના ખાણાનું ટિફિન એ કારખાનામાં જ મંગાવી લેતા. એમની આ રીતના કારણે પત્ની સાથે ઘણી વાર કલહ થતો. પત્ની જ્યારે એ ઘર અને બાળકો તરફ ધ્યાન આપતા નથી એવું કહેતી ત્યારે હરિલાલ કહેતા: ‘તું ગાંડી છે, શોભા. હું આટલી બધી વેઠ તારા અને છોકરાં માટે જ કરું છું એ કેમ સમજતી નથી? બહેનોના વહેવાર સાચવવા અને બાળકોના ભણતર અને ગણતર વગેરેની જવાબદારી પાર પાડવી એ કંઈ નાનીસૂની વાત નથી.’
‘એની મારી ક્યાં ના છે? પણ ઘર તરફેય જોવું તો પડેને? આ છોકરાંની તો તમને કશી માયા જ નથી!’
‘એ બધું સમજું છું, શોભા. પણ એનો બીજો ઉપાય શો?’
‘ઉપાય કેમ નહીં? આપણને પોસાય તેટલા કલાકની નોકરી કરો તો બેય સચવાઈ રહે. નોકરી તમે એકલા જ થોડી કરો છો?’
‘તારી વાત સાચી છે. પણ દિલ દઈને કામ કરીએ તો નોકરી સચવાઈ રહે. વળી માલિકે તો બધું મારા વિશ્ર્વાસે જ છોડી દીધું છે.’
‘વિશ્ર્વાસની વાત તો કરશો જ નહીં. સ્વાર્થી માણસોનો વિશ્ર્વાસ ઝાંઝવાનાં જળ જેવો…’
હરિલાલ અત્યારે વિચારોમાં ચાલી રહ્યા હતા. એમને શોભાના આ શબ્દો યાદ આવી ગયા. શોભા સાચું કહેતી હતી. જે કારખાનામાં જાત ઘસી નાખીને એને સધ્ધર કર્યું એનાં સૂત્રો છેલ્લાં કેટલાંક વર્ષોથી શેઠના યુવાન પુત્ર અજયના હાથમાં આવ્યાં હતાં. અજય યુરોપ, અમેરિકા ધંધાના સંદર્ભે ફરી આવ્યો હતો. એટલે હવે કારખાનામાં નવી હવા વહેતી થઈ હતી. હરિલાલ પોતાની આદત પ્રમાણે વહીવટમાં સૂચનો કરતા, પણ અજયને એ સલાહ રુચતી નહોતી. અને હરિલાલના બધા વિચારો પુરાણા છે એવા પૂર્વગ્રહથી એ હરિલાલની વાત તરફ લક્ષ આપતો નહીં અને છતાંય હરિલાલ આદતના જોરે સલાહ-સૂચન કર્યા વિના રહી શકતા નહોતા. પરિણામે વારંવાર એમનું અપમાન થતું. ધીરે ધીરે હરિલાલનું મન નોકરીમાંથી ઊઠવા લાગ્યું.
એક વખત તહેવાર નિમિત્તે કારીગરોને પગારમાંથી એડવાન્સરૂપે થોડી થોડી રકમ આપવાની સલાહ આપી ત્યારે તો અજયે એમનું વિચિત્ર રીતે અપમાન કરી નાખ્યું.
એણે કહ્યું: ‘હરિલાલ, તમે આ કારખાનાના માલિક છો?’
‘ના.’
‘મેનેજર છો?’
‘ના.’
‘કેશિયર.’
‘નહીં.’
‘કારકુન.’
‘ના.’
‘કારીગર છો?’
હરિલાલે આનો કશો જવાબ ન આપ્યો. એ કશાક ઊંડા વિચારમાં ઊતરતા હતા ત્યાં અજયે પૂછ્યું: ‘તો કહેશો, આ કારખાનામાં તમે શું છો?’
‘કશું જ નહીં, કશું જ નહીં’ એવો પ્રતિઘોષ હરિલાલના મનમાં તરત જ ઊઠ્યો. પણ એ કશું બોલ્યા નહીં.
આમ તો, નિવૃત્ત થવાની ગળી લાગણી એ છેલ્લાં બે-ત્રણ વર્ષથી ચગળ્યા કરતા હતા પણ સંજોગોથી કચડાયેલા હરિલાલ નોકરીમાંથી છૂટી શકતા નહોતા, પણ ગઈ કાલે અજયે મન ઉપર કરેલા જનોઈવઢ ઘા પછી એમણે નોકરી છોડી દેવાનો પાકો નિર્ણય કરી લીધો હતો. હવે નિવૃત્ત થવામાં એમને બીજી કોઈ મુશ્કેલી દેખાતી નહોતી. એમનો મોટો પુત્ર સુરેશ ધંધે લાગી ગયો હતો એટલે એક વાતની એમની ચિંતા ટળી ગઈ હતી.
નિવૃત્તિનો નિર્ણય લીધા પછી મન ઉપરનો બોજ હળવો થઈ ગયો હતો. અને ચિત્ત પ્રસન્ન થઈ ઊઠ્યું હતું.
મલકાતાં મલકાતાં એ આગળ વધ્યા. રસ્તે એક રેસ્ટોરાં આવ્યું. એની સામે એ આસક્તિપૂર્વક જોઈ રહ્યાં. પોતે જુવાન હતા ત્યારે આ રેસ્ટોરાંમાં કોઈક વાર ઘડીભર બેસતા. અત્યારે એમાં ઘૂસી જવાનું એમને મન થયું. પણ હવે રેસ્ટોરાંમાં જઈને બેસવાની ઉંમર નહોતી. એમને ઘડપણ થોડું ખટક્યું. પણ નિવૃત્તિનો વિચાર ફરી એક વાર મનમાં ઝબક્યો. વળી મુખ ઉપર મલકાટ પથરાઈ રહ્યો.
જીવનભરના ઢસરડા પછી હવે આવનારી નિરાંતની પળો કદાચ એ રેસ્ટોરાંમાં ગાળેલા પેલા સમય કરતાંયે વધારે આરામદાયી હશે.
નિવૃત્તિના પોતાના નિર્ણયની જાણ હરિલાલે હજી પત્ની કે પુત્રને કરી નહોતી. આજે રાત્રે જમ્યા પછી એ વાત જાહેર કરવાનો એમણે મનસૂબો કર્યો હતો.
ઘેર પહોંચ્યા ત્યારે પત્ની રસોડામાં હતી. શાકભાજી એને સોંપીને એ કારખાના તરફ ચાલ્યા ગયા. રાત્રે જમ્યા પછી હરિલાલે હીંચકે બેઠા હતા. જીવનના એક ભારે કલેશમય તબક્કામાંથી મુક્ત થઈને જીવનના હળવાશભર્યા વિસ્તારમાં પ્રવેશવાના ખ્યાલથી એમનું મન મહોરી ઊઠેલું હતું. અત્યારે પત્ની અને પુત્રને પોતે એ વાત કરવાના હતા.
સુરેશ બહાર જવાની તૈયારી કરી રહ્યો હતો. એને બૂટ પહેરતો જોઈ હરિલાલે કહ્યું: ‘સુરેશ, બહાર જાય છે?’
‘હા.’
‘થોડી વાર રોકાઈ જા.’
સુરેશને જરા નવાઈ લાગી. પિતા આજ પહેલી વાર પોતાને આ રીતે રોકાઈ જવાનું કહેતા હતા. એ કોઈ ખાસ વાત કરવા માગતા હશે? આમ તો, આ પિતાપુત્ર વચ્ચે બહુ ઓછા વાતચીત થતી. સુરેશે માતા સામે જોયું. માતાના મુખ ઉપર પણ એક કુતૂહલનો જ ભાવ હતો.
માતાએ કહ્યું: ‘સુરેશનું કંઈ ખાસ કામ છે?’
‘હા.’
‘મહત્ત્વનું છે?’
‘મહત્ત્વનું તો નહીં…’ કહી હરિલાલ જરા થોથવાયા.
પત્નીએ કહ્યું: ‘તો પછી એ જ્યાં જતો હોય ત્યાં જવા દોને. જે વાત કરવી હોય એ પછીથી કરજો. આખા દિવસનો કંટાળ્યો હોય તો થોડો સમય બહાર ફરી આવે તો એને પણ ઠીક લાગે.’
હરિલાલે કહ્યું: ‘એક વાત કરવી છે.’
હરિલાલે આજ સુધી સુરેશને કોઈ વાતમાં આટલું મહત્ત્વ આપ્યું હોય એવું બન્યું નહોતું. આજે હરિલાલને આમ બોલતાં જોઈ માતા અને પુત્ર બંનેને નવાઈ લાગી.
સુરેશે બહાર જવાનું માંડી વાળ્યું અને એ હરિલાલ સામે ખુરશી પર બેઠો.
મા-દીકરો બંને જણ હજુય કુતૂહલથી એકીટશે હરિલાલ સામે જોઈ રહ્યાં હતાં. ઘરમાં એકસાથે મળીને કોઈ ગંભીર વાત કરવાની રીત જ જાણે સૌને અપરિચિત હતી. તેથી ઘરનું વાતાવરણ થોડું કૃત્રિમ બની ગયું.
હરિલાલે મૌનનો ભાર દૂર કરતાં કહ્યું: ‘વાત જાણે એમ છે કે હવે હું રિટાયર થવા ઈચ્છું છું.’
ભારે અચંબો પામતાં હોય એમ પ્રથમ તો કશો જ જવાબ આપવા વગર મા-દીકરો એકબીજા સામે જોઈ રહ્યાં. પછી વાતમાં કશું લક્ષ આપવા જેવું ન હોય એમ પત્નીએ કહ્યું: ‘તમે ક્યાં સરકારી નોકરીમાં છો તે રિટાયર થવાનું હોય?’ ‘સરકારી નોકરીમાં તો નથી, પણ હવે એમ થાય છે કે નિવૃત્તિ ભોગવું.’
આમ કરી એમણે ખાસ તો સુરેશનો પ્રતિભાવ જાણવા એના સામે જોયું.
પિતા પોતાનો અભિપ્રાય જાણવા માગે છે એમ સમજી સુરેશે કહ્યું: ‘પણ આ નિવૃત્તિ થોડી વહેલી નહીં ગણાય, બાપુજી?’
દીકરાના આ શબ્દોથી હરિલાલને થોડી નિરાશા થઈ. એમણે કહ્યું: ‘વહેલી-મોડીનું તો ઠીક છે, પણ માનસિક રીતે હું ખૂબ થાકી ગયો છું. હવે જરા આરામની જરૂર છે.’
‘એ થાક તો મહિના-બે મહિનામાં ઊતરી જશે, પછી?’
‘પછીનું પણ વિચારી રાખ્યું છે.’
સુરેશે કહ્યું: ‘તમને નથી લાગતું કે આ કંઈક ઉતાવળિયો નિર્ણય થાય છે? થોડા દિવસ તો ઠીક લાગશે પછી સમય ક્યાં પસાર કરવો એ એક મોટો પ્રશ્ર્ન થઈને રહેશે અને દિવસો કંટાળાભર્યા બની જશે.’
હરિલાલ કહેવા માગતા હતા: ‘નોકરી ચાલુ રાખીશ તો દિવસો એથીય વધારે કંટાળાભર્યા બની રહેવાના છે.’ પણ એ એવું કંઈ બોલ્યા નહીં. પુત્રને આવી દલીલો કરતો જોઈ એમનું મન થોડું ઉદાસ થઈ ગયું એ ચૂપ જ રહ્યાં.
બાપ-દીકરાને ચૂપ જોઈ પત્ની બોલી: ‘હજુ તો સુરેશના ધંધાની શરૂઆત જ ગણાય. એને મદદરૂપ થવાને બદલે તમે આમ બોજારૂપ થવાની વાત કરો એ સારું ન કહેવાય.’
‘મેં મારી ફરજ બજાવી છે. હવે સુરેશ પગભર થયો છે.’
અકળાઈ ઊઠી હોય એમ પત્ની બોલી: ‘ફરજની વાત તો તમે કરશો જ નહીં. છોકરા માટે તમે કાળજી રાખી હોત તો એ ઘણા આગળ આવી ગયો હોત. આટલે સુધી તો એ જાતે પહોંચ્યો છે. હવે છોકરા ઉપર બોજો બનવાની હોંશ રાખો એ કેમ ચાલે?
હરિલાલ સાંભળી રહ્યા. એમણે દીકરા સામે જોયું. એ બોલ્યા: ‘સુરેશ, તારે શું કહેવું છે?’
‘આમાં મારે તો શું કહેવાનું હોય? તમે નિવૃત્ત થવા ઈચ્છતા હો તો તમને કોણ રોકી શકે? દીકરાને ધંધે વળગેલો જોઈ બાપની નિવૃત્ત થવાની લાલચ આપણે ત્યાં જાણીતી છે. બાકી…’
‘બાકી? બાકી, શું?’
‘બા સાચું જ કહે છે.’
‘શું સાચું કહે છે?’
‘બાએ કહ્યું એ જ. હું તો શું કહી શકું?’
હરિલાલ મૂંગા થઈ ગયા. થોડીવાર વિચારોમાં ખોવાઈ ગયા અને પછી એક નિ:શ્ર્વાસ સાથે બોલ્યા: ‘સાચું છે, ક્યાંક ભૂલ થયેલી છે.’
અને એ જ વખતે અજના પેલા શબ્દો એમના મનમાં પડઘાવા લાગ્યા: ‘હરિલાલ, તમે આ કારખાનામાં શું છો?… હરિલાલ તમે આ કારખાનામાં શું છો? હરિલાલ તમે…’ અને પછી તો પ્રશ્ર્ન બદલાઈને પડઘાયો: ‘હરિલાલ તમે આ ઘરમાં શું છો?’