વીક એન્ડ

દોઢ અબજની વસતિ માત્ર એક જ ખેલના પ્રેમમાં… આ કેમ ચાલે?

ફૂટબોલમાં રોનાલ્ડો અને મેસી પછી નંબર છે આપણા સુનીલ છેત્રીનો !

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

સુનીલ છેત્રી, નિખત ઝરીન, દૂતી ચંદ

આ ગુરુવારે બે સમાચાર સાથે ઝળક્યા. એક સ્પોર્ટ્સ વર્લ્ડમાંથી, જ્યારે બીજા ગ્લેમર વર્લ્ડમાંથી.

એક તરફ સુનીલ છેત્રી નામના મહાન ફૂટબોલરે ક્ષેત્રસન્યાસ લેવાની જાહેરાત
કરી.

બીજી તરફ, રાખી સાવંત હોસ્પિટલમાં દાખલ થઇ છે અને એની હાલત ગંભીર
છે એવું એના એક્સ (અથવા વાય કે પછી ઝેડ) હસબન્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું.

અનેક મીડિયા પ્લેટફોર્મ્સે બંને સમાચારને લગભગ સરખું મહત્વ આપ્યું! આનો અર્થ એ થાય કે સુનીલ છેત્રી ૬ જૂન, ૨૦૨૪ને દિવસે કુવૈત સામે રમાનારી ફીફા વર્લ્ડ કપ ક્વોલિફિકેશન મેચ બાદ એ ક્ષેત્રસન્યાસ લેશે એવા એના ક્ષેત્રસન્યાસના સમાચારે કોઈ ખાસ ચર્ચા જગાવી શકી નથી!

સુનીલ જે કક્ષાનો ફૂટબોલર છે એ કક્ષાનો કોઈ ક્રિકેટર (ધારો કે સચીન અથવા વિરાટ) રિટાયર્ડ થાય તો પ્રજાનો મોટો વર્ગ એની ચર્ચા કરશે, પણ અહીં ખાટલે મોટી ખોડ એ છે કે પ્રજાનો મોટો વર્ગ અર્જુન એવોર્ડ’ તથા ખેલરત્ન ’ એવોર્ડ જેને એનાયત ત થયો છે એવા સુનીલ છેત્રીના નામથી ખાસ પરિચિત નથી.

કોણ છે સુનીલ છેત્રી?

સુનીલનો જન્મ ૩ ઓગસ્ટ ૧૯૮૪ના રોજ આંધ્ર પ્રદેશના સિકંદરાબાદમાં થયો,

પણ એનો પરિવાર મૂળે નેપાળી. પિતા ભારતીય લશ્કરની ગોરખા રેજીમેન્ટમાં હતા એટલે નોકરીના ભાગરૂપે બદલી થયા કરતી. આશ્ચર્યજનક વાત એ છે કે એની માતા અને બંને બહેન તો નેપાળની ફૂટબોલ ટીમ વતી રમી ચૂક્યા છે. એટલે ફૂટબોલની રમત સુનીલના લોહીમાં. સામાન્ય રીતે બાપને પગલે દીકરો સ્પોર્ટ્સમાં રુચિ ધરાવતો થાય એમ બને, પણ સુનીલ તો માતા અને બહેનોને કારણે ફૂટબોલ ખેલાડી બન્યો..!

૨૦૦૧માં માત્ર ૧૯ વર્ષની ઉંમરે દિલ્હી વતી ફૂટબોલ રમવાની શરૂઆત કરનાર સુનીલ પોતાની આવડતને જોરે બહુ જલ્દી વિખ્યાત પશ્ર્ચિમ બંગાળ -કોલકાતાની મોહન બગાન’ ટીમનો હિસ્સો બન્યો અને પછી તો – રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.

એણે પોતાની કારકિર્દી દરમિયાન ભારત માટે અનેક ગોલ્સ ફટકાર્યા છે. અનેક સ્પર્ધાઓમાં સુનીલની રમત અને લીડરશીપને કારણે ભારતે જીત મેળવી છે. એ બધા ટેકનિકલ આંકડાઓમાં ઊંડા ઉતરવાને બદલે માત્ર એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે હાલમાં ફૂટબોલ રમી રહેલા ખેલાડીઓ પૈકી જો સૌથી વધુ ગોલ ફટકારનાર ખેલાડીઓનું લિસ્ટ બનાવીએ તો એમાં આપણો છેત્રી ત્રીજા નંબરે આવે!

કયું, ઝટકા લગા ના?

જે સુનીલ છેત્રી વિષે દેશના મોટા ભાગના યુવાનો લગભગ અજાણ છે એની ગણના
વિશ્વના ત્રીજા ક્રમના ગોલ સ્કોરિંગ ખેલાડી તરીકે થાય છે. આજની તારીખે માત્ર રોનાલ્ડો અને મેસી જ એવા ખેલાડી છે, જે સુનીલ કરતાં આગળ છે! પોર્ટુગલનો ક્રિસ્ટીઆનો રોનાલ્ડો ૧૨૮ ગોલ્સ, અને આર્જેન્ટિનાનો લીઓનલ મેસી ૧૦૬ ગોલ્સ ફટકારી ચૂક્યા છે. જ્યારે આપણો સુનીલ ૯૪ ગોલ્સ સાથે બરાબર ત્રીજા ક્રમે છે. (ઈરાનના અલીએ ૧૦૮ ગોલ્સ ફટકાર્યા છે, પણ એ ૨૦૦૬માં નિવૃત્ત થઇ ગયેલો, એટલે હાલ એક્ટિવ પ્લેયર ન ગણાય.) બ્રાઝિલનો ચર્ચિત ખેલાડી નેમાર હજી ૭૯ ગોલ્સ સાથે ખાસ્સો પાછળ છે.

હવે તમે જ કહો, સુનીલની કારકિર્દી વૈશ્ર્વિક સ્તરે નોંધ લેવી પડે એવી જોરદાર ગણાય એ નહિ?! અહીં મૂળ મુદ્દો એ છે કે સુનીલ છેત્રી જેવા ખેલાડી વિશે આપણે કેમ ખાસ કશું જાણતા નથી? શું આપણે- ભારતીયો માત્ર ક્રિકેટર્સને જ પ્રેમ કરી જાણે છે? બીજા રમતવીરો કે એમની સિધ્ધિઓ પ્રત્યે આપણે ઘોર ઉપેક્ષા કરવાનું કેમ પાપ આચરી રહ્યા છીએ?

આજે રોનાલ્ડો કે મેસી પોતપોતાના દેશમાં અને વિશ્વભરમાં જે માન-સન્માન ભોગવી રહ્યા છે, એનું અડધું ય સુનીલને મળવાપાત્ર ગણાય કે નહિ? ભારતમાં ક્રિકેટ માટે છે, એવું વાતાવરણ ફૂટબોલને ય મળ્યું હોત તો આપણો સુનીલે ય સવાસો ગોલ્સની ટેલી ટપી ગયો હોત!

બીજા શબ્દોમાં આપણે ભારતીયો અન્ય રમતોને ભોગે ક્રિકેટનું સંવર્ધન કરી રહ્યા છીએ. ક્રિકેટ સામે વાંધો હોઈ જ ન શકે, પણ આવડી મોટી વસતિ ધરાવતા દેશમાં બીજી રમતો સાવ ઉપેક્ષિત રહી જાય એ ય ન પાલવે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે આખી દુનિયા જેની પાછળ ઘેલી છે એ ફૂટબોલ મુખ્યત્વે પૂર્વીય ભારત સુધી સીમિત બનીને રહી ગયું છે. બીજી રમતો ભારતમાં એથીય ઓછો ચાહકવર્ગ ધરાવે છે.

અર્જુન એવોર્ડ’ મેળવનારાઓના લિસ્ટ પર નજર નાખવા જેવી છે. રમતગમત ક્ષેત્રે આઉટસ્ટેન્ડિંગ-સર્વોત્તમ પરફોર્મન્સ આપનાર ખેલાડીઓને ભારત સરકાર તરફથી આ પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ’ એનાયત થાય છે. આ એવોર્ડ પેટે ખેલાડીને મહાભારતના વિખ્યાત યોદ્ધા ધનુર્ધારી અર્જુનની કાંસાની પ્રતીમા અને પંદર લાખ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવે છે. વીતેલા ચાર વર્ષ દરમિયાન (૨૦૨૦ થી ૨૦૨૩) કુલ ૧૧૩ જેટલા ભારતીય ખેલાડીઓને વિવિધ રમતોમાં કૌશલ્ય દાખવવા બદલ અર્જુન એવોર્ડ’ પ્રાપ્ત થયો છે. આમાંથી દૂતી ચંદ (એથ્લેટિક્સ), આકાશદીપ સિંહ (હોકી), દ્વિજ શરણ (ટેનીસ) કે પછી નિખત ઝરીન (બોક્સિંગ) જેવાને બાદ કરતા ભાગ્યે જ કોઈ નામ એવું હશે, જે જાણીતું હોય! અને જે જાણીતા છે એમના વિષે ય આપણે કેટલું જાણીએ છીએ?

નિખત ઝરીન ઠેઠ ૨૦૧૧માં બોક્સિંગ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારત માટે સુવર્ણ પદક જીતી લાવેલી. ૨૦૧૯ માં બેંગકોક ખાતે યોજાયેલી થાઈલેન્ડ ઓપન બોક્સિંગ ટુર્નામેન્ટમાં એ રજત પદક જીતી લાવી. ૨૦૨૨માં બર્મિંગહમ ખાતે યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં પણ નિખત ગોલ્ડ મેડલ જીતી લાવી. એ સિવાય અનેક સ્પર્ધાઓમાં એણે પદકો મેળવ્યા છે, પણ આજની તારીખે આઈપીએલમાં રમતા એક્કેએક ખેલાડીને ઓળખનારા કેટલા ભારતીય ખેલચાહકો નિખત ઝરીનની તસ્વીરને ઓળખી શકશે? આવી જ એક ખેલાડી છે દૂતી ચંદ, જેણે સ્પ્રિન્ટ’ તરીકે ઓળખાતી દોડમાં જબરું કાઠું કાઢ્યું છે. ૨૦૧૯માં એણે ઇટલી ખાતે ઇતિહાસ રચી દીધેલો.

૧૦૦ મીટરની રેસ માત્ર ૧૧.૩૨ સેક્ધડ્સમાં પૂરી કરીને દૂતીએ ચંદ સુવર્ણ પદક અંકે કરી લીધો. આમ છતાં, આજે દેશમાં કેટલા યુવાનો દૂતી ચંદની તસ્વીર ઓળખી બતાવશે?

અહીં પ્રશ્ન ક્રિકેટનો કે એની લોકપ્રિયતાનો છે જ નહિ. પ્રશ્ન બીજી રમતો પ્રત્યેની આપણી સામૂહિક ઘોર ઉપેક્ષા છે. આપણો ક્રિકેટપ્રેમ ક્યાંક બીજી રમતોને ભારે તો નથી પડી રહ્યો ને?! સુનીલ છેત્રી, નિખત ઝરીન કે દૂતી ચંદ જેવા ખેલ રત્નોને યોગ્ય રીતે પોંખવામાં નહિ આવે અને બધો પ્રેમ માત્ર ક્રિકેટ પર જ ઢોળાશે તો ભવિષ્યમાં દોઢ અબજની વસતિ ધરાવતો દેશ માત્ર એક જ રમતનો મોહતાજ બની રહેશે. બીજી તરફ ચીની ખેલાડીઓ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોત્સવોમાં જે રીતે સુવર્ણ પદકોના ઢગલે ઢગલા ઉસેડી જાય છે એ જોતા લગભગ આપણા જેટલી જ વસતિ ધરાવતા આ દુશ્મન દેશની રમતપ્રીતિ પ્રત્યે અહોભાવ થયા વિના રહેતો નથી.

અહીં કહેવાનું એટલું જ કે હીરા તો આપણે ત્યાં ય મબલખ પાકે છે, બસ આપણે ઝવેરી તરીકે કાચા સાબિત થઈએ છીએ. છેલ્લાં થોડાં વર્ષમાં પોઝિટીવ ફેરફાર નોંધાયો છે એની ના નહિ, લેકિન દિલ્હી અભી બહોત દૂર હૈ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button