ગરીબ ભારતના ખર્ચા ન્યારા બચત ન્યારી
કવર સ્ટોરી -લોકમિત્ર ગૌતમ
‘નામ બડે ઔર દર્શન છોટે’ આ કહેવત તો આપણે સાંભળી જ હશે, પરંતુ ભારતમાં આનાથી એકદમ ઊલટું જોવા મળ્યું છે એટલે કે નામ નાના અને દર્શન મોટા જેવો હિસાબ જોવા મળ્યો છે. વાત એમ છે કે ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા હાલમાં બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ દુનિયાના ૧૯૦ દેશોમાં ગરીબીના આધારે ભારતનું સ્થાન ૬૨મા ક્રમાંકે આવે છે. એટલે કે ભારત દુનિયાનો ૬૨ ક્રમાંકનો સૌથી ગરીબ દેશ છે. આમ તો આ આંકડાવારી જીડીપી-પીપીપીના આધારે થાય છે અને આ યાદી અનુસાર ભારતની પ્રતિ વ્યક્તિ જીડીપી-પીપીપી વર્ષે ૧૦,૧૨૩ ડૉલર છે. જ્યારે દુનિયાના સૌથી ગરીબ દેશ સુદાનની પ્રતિ વ્યક્તિ જીડીપી-પીપીપી ૪૫૫ ડૉલર છે.
દુનિયાના સૌથી અમીર દેશ લક્ઝમબર્ગની પ્રતિ વ્યક્તિ વાર્ષિક જીડીપી-પીપીપી ૧,૪૩,૭૪૩ ડૉલર્સ છે. જોકે આ આંકડાઓ પરથી ભારતની વાસ્તવિક અર્થવ્યવસ્થા અને ખરી આર્થિક તાકાત વિશે સમજવું મુશ્કેલ છે. તેનું કારણ છે કે આ આંકડાઓમાં વિરોધાભાસ છે. વિરોધાભાસ એ છે કે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને જેમ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત કહે છે તેમ ૨૦૨૯ સુધીમાં ભારત દુનિયાની ત્રીજી આર્થિક મહાસત્તા બની જશે. એટલે જો ભારતમાં ૧૦ લોકો અર્થવ્યવસ્થા વિશે જુદી જુદી વાતો કરે તો માનવું કે તે બધા જ કદાચ સાચા પણ હોઇ શકે. કારણ કે ભારતની અર્થવ્યવસ્થા, ભારતના સમાજની જેમ જ વિવિધતાસભર છે અને તેને એક જ સૂત્રમાં પરોવીને તેના વિશે વાત ન કરી શકાય કે તેને યોગ્ય રીતે સમજી ન શકાય. ભારતના લોકોને એક ધર્મ, રંગ, આકાર કે સમાજમાં પરોવીને જોઇ ન શકાય.
કારણ કે જ્યાં એક બાજુમાં ભારતમાં ૧૦ ટકા લોકો દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ થાય છે ત્યારે બીજી બાજુ ૬૫ ટકા વસતી દુનિયાની ૬૫ ટકા સૌથી ગરીબ વસતીની સાથે મેળ ખાય છે. કદાચ એટલા જ માટે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશમાં ૮૦ કરોડ લોકો પાંચ કિલો ઘઉં અને આઠ કિલો અન્ય રાશન પર નિર્ભર છે. આ વિરોધાભાસ પણ ચોંકાવનારો છે.
વર્તમાનમાં આખા ભારતની વાર્ષિક ઉપભોક્તા (ગ્રાહક) કાર્યશક્તિ ૧.૫ ટ્રિલિયન અમેરિકન ડૉલર છે અને ૨૦૩૦ સુધી આ વધીને છ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવાની શક્યતા છે. ભારતમાં એકસાથે એટલી વિવિધ આર્થિક સ્થિતિ ધરાવતા લોકો સાથે રહે છે કે તમારી પાસે જો ભારતીય સમાજને તેમની વિવિધ પૃષ્ઠભૂમિના દૃષ્ટિકોણથી જોવાની નજર નથી તો તમે ભારતની આર્થિક ભિન્નતાને સમજી નહીં શકો. વર્ષ ૨૦૨૩ને હાલનાં વર્ષોમાં સૌથી વધુ બેરોજગારી જોવા મળી હોય તેવું વર્ષ તરીકે જોવામાં આવે છે. બીજી બાજુ ઉપભોગતા ખર્ચના આંકડાઓ જોઇએ તો ૨૦૨૩માં ગ્રાહકો દ્વારા સૌથી વધુ વેચાનારી વસ્તુઓ પર ૫.૪ ટ્રિલિયન ડૉલર કરતાં વધુ રકમ ખર્ચ કર્યો છે. ગ્રાહકો દ્વારા જે વસ્તુઓ પર સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્યો તે બિસ્કિટ, સાબુ, શેન્પુ, ટૂથપેસ્ટ, જેમ, ટાઇલ-ક્લીનર વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે. ૨૦૧૯ની સરખામણીએ આ વસ્તુઓના વેચાણમાં પિસ્તાળીસ ટકાનો વધારો થયો છે. વિશ્ર્વની ટોચની આર્થિક સંસ્થાની એક રિપોર્ટ અનુસાર ભારતમાં મધ્યમ વર્ગમાં વધારો થઇ રહ્યો છે પણ તેમની ખરીદશક્તિ પણ વધી રહી છે. તેના કારણે ૨૦૨૧માં ભારતનું ઉપભોગતા બજાર જે ૧.૫ ટ્રિલિયન ડૉલરનું છે તે ૨૦૩૦માં છ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચશે તેવી આશા છે.
આપણે સામાન્ય ભારતીયો વચ્ચે થનારી આર્થિક વાતચીત સાંભળીએ તો કદાચ જ કોઇ કહેશે કે તેઓ આર્થિક રીતે ખૂબ સદ્ધર છે. વધારે પડતા ભારતીયો પોતાની આર્થિક કમજોરી અંગે રોતા જ મળશે. બીજી બાજુ જોઇએ તો ભારતમાં ૧૦ મિલિયન લગ્ન થાય છે અને તેમાં ૧૦થી ૧૧ લાખ કરોડ રૂપિયાની ખરીદી થાય છે. ભારતના લોકો ઘર વપરાશ માટે સૌથી વધુ સોનું ખરીદે છે. જ્યારે ચીન ઇન્ડસ્ટ્રિયલ કારણોસર વધુ સોનું ખરીદે છે. લગ્નોમાં સોનાનો વપરાશ વધતો જાય છે. મજાની વાત તો એ છે કે લોકો ખુશી ખુશી ખર્ચ કરે છે. કદાચ તેનો એમ અર્થ પણ થાય કે ભારતીયોની વિચારધારા બદલાઇ રહી છે અને તે રોતા રોતા જીવીને અને ખૂબ વધુ પડતી બચત કરીને કોઇ અર્થ નથી, તેવું માનતા થયા છે. એ જ કારણોસર ૨૦૧૧થી ૨૦૨૨ દરમિયાન એક દશકમાં ભારતીયોના જીવનમાં બચતના સ્થાને ખર્ચની પ્રવૃત્તિ વધી હોવાનું દેખાય છે. હવે લોકો પોતાની ઇચ્છાઓને મારીને જીવવા કરતાં વધુ ખર્ચ કરીને બની શકે તેટલું સુધી જીવન જીવતા થઇ ગયા છે. એવું જીવન જીવવા માટે પર્યાપ્ત પૈસા ન હોય તો તે કરજ લઇને તેવું સુખી જીવન જીવી રહ્યા છે. એ જ કારણ છે કે ૨૦૨૨-૨૩માં ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતી ખરીદીમાં ૫૪ ટકાનો વધારો નોંધાયો છે. જોકે, આ દરમિયાન એ પણ સાચી વાત છે કે સૌથી વધુ ભારતીયોએ હોમ લોન લીધેલી છે. એક વર્ષમાં લગભગ ૧૧.૮૮ લાખ કરોડ રૂપિયાની હોમ લોન લેવામાં આવી છે. જ્યારે એક વર્ષ પહેલા આ આંકડો ૭.૬૯ લાખ કરોડ રૂપિયા હતો.
તેનાથી જણાય છે કે એક વર્ષમાં જ લોન લેવાની સંખ્યામાં ૫૪.૪૮ ટકાની વૃદ્ધિ થઇ છે અને તેમાં પણ જો આ આંકડો આપણે છેલ્લાં દસ વર્ષના આંકડોઓ સાથે સરખાવીએ તો ૩૩૬ ટકાની વૃદ્ધિ થઇ છે.
તેનાથી સ્પષ્ટ થાય છે કે ભલે આંકડાઓના હિસાબે ભારત દુનિયાના સૌથી ગરીબ દેશોમાં ૬૨મા ક્રમાંકે આવતો હોય, પરંતુ સૌથી વધુ ખર્ચ કરનારા લોકોમાં પણ ભારતીયોનો સમાવેશ થાય છે. એક જમાનો હતો જ્યારે ભારતીયો વધુ બચત કરીને જીવતા હતા, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં ભારતીયોની માનસિકતા બદલાઇ રહી છે અને બચત કરવાની તેમની આદત ઘટી હોવાનું જણાય છે. એફડી, શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં લોકો ઓછી બચત-રોકાણ કરે છે. ૨૦૨૨-૨૩માં જ્યાં બચત ૧૪.૨ લાખ કરોડ રૂપિયા હતી તો ૨૦૨૨માં તે ૧૭.૧ લાખ કરોડ રૂપિયા હતી. આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે લોકો બચતની પ્રવૃત્તિથી દૂર જઇ રહ્યા છે. છેલ્લાં દસ વર્ષોમાં સાતથી આઠ ટકા બચત દર ઘટ્યો છે. ફક્ત સોના અને ચાંદીમાં જ બચત ૬૦ ટકા જેટલી વધી છે. એનાથી જણાય છે કે ભારતીયો શેર બજારમાં મોટાપાયે રોકાણ કરે છે, પરંતુ બચત માટે તો તે સોનાં અને ચાંદીને જ પોતાની પહેલી પસંદ માને છે.
એ જ કારણ છે કે એક જમાનામાં ભારતીય અર્થવ્યવસ્થામાં બચતનો હિસ્સો ૨૫ ટકા હતો તે ૨૦૨૨-૨૩માં ઘટીને ૧૪.૧ ટકા થઇ ગઇ છે. ફક્ત શહેરોમાં જ નહીં, ગામોમાં પણ ભારતીયોના ખર્ચમાં વધારો થયો છે. તેનો અંદાજો એ વાતથી થાય છે કે છેલ્લા ૧૫ મહિનાઓમાં પહેલી વખત ગામોના પેકેજ્ડ ક્ધઝ્યુમરની વસ્તુઓની ખપતમાં વધારો થયો છે. આ વાતો એ વસ્તુ તરફ ઇશારો કરે છે કે ભારતીયોની ખર્ચ કરવાની આદતમાં ખૂબ ઝડપથી વધારો થઇ રહ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ૨૦૨૩નાં છેલ્લા ચાર મહિનામાં ૨૫.૬ ટ્રિલિયન રૂપિયાનો ખર્ચ ભારતમાં ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યો હતો. સૌથી વધુ ખર્ચની વાત કરીએ તો મહારાષ્ટ્રના લોકો સૌથી વધુ ખર્ચ કરતા હોવાનું આંકડાઓથી સ્પષ્ટ થાય છે. મુંબઈ, પુણે જેવાં શહેરો ફક્ત સ્થાનિક સેવા કે વસ્તુઓની ખરીદીમાં જ નહીં, પરંતુ ઇન્ટરનેટ શોપિંગમાં પણ આગળ રહ્યા છે અને જો દેશમાં સૌથી વધુ પ્રતિવ્યક્તિ આવકની વાત કરીએ તો તે ગોવા છે. ત્યાર પછી દિલ્હી, સિક્કિમ, ચંદિગઢ અને તેલંગણાનો ક્રમાંક આવે છે. કુલ મળીને વાત કરીએ તો ભારતનો કોઇ ચોક્કસ આર્થિક આકાર નથી અને તેના સ્વરૂપ અને ઓળખ પણ ઝડપથી બદલાઇ રહ્યા છે.