રાયબરેલીને પારિવારિક બેઠક ગણાવવા માટે અમિત શાહે પ્રિયંકાની ઝાટકણી કાઢી
રાયબરેલી: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે એક ચૂંટણી રેલીમાં કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની રાયબરેલીની બેઠકને પારિવારિક બેઠક ગણાવવા બદલ ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું આ બેઠક કોઈ પરિવાર માટેની નથી, જનતા માટેની છે.
તેમણે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ નકારવા માટે કૉંગ્રેસની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે જો કૉંગ્રેસ સત્તામાં આવશે તો આ લોકો રામ મંદિર પર ફરી એક વખત બાબરી લોક લગાવશે.
કૉંગ્રેસ કહે છે કે રામ મંદિર યોગ્ય રીતે પવિત્ર કરવામાં આવ્યું નથી અને તેથી જ ઈન્ડી ગઠબંધન સત્તામાં આવશે તો તેઓ રામ મંદિર પર બાબરી લોક લગાવશે.
તેમણે ઈન્ડી ગઠબંધનને પારિવારિક ગઠબંધન ગણાવતાં કહ્યું હતું કે લાલુ પોતાના દીકરાને મુખ્ય પ્રધાન બનાવવા માગે છે, મમતા પોતાના ભત્રીજાને મુખ્ય પ્રધાન બનાવવા માગે છે. સોનિયા ગાંધી પોતાના દીકરાને વડા પ્રધાન બનાવવા માગે છે.
તે (પ્રિયંકા ગાંધી) કહે છે કે રાયબરેલી અને અમેઠી અમારા પરિવારની બેઠકો છે. હું તેમને કહેવા માગું છું કે આ બેઠક કોઈ પરિવારની માલિકીની નથી. આ બેઠકો બંને રાજ્યના ગરીબ યુવાનોની છે. રાયબરેલી અને અમેઠીના લોકોની છે તેઓ જેમને સંસદમાં મોકલવા માગે તેમને મોકલી શકે છે. આ લોકશાહી છે. પરિવારની કોઈ બેઠક હોતી નથી, એમ અમિત શાહે કહ્યું હતું. (પીટીઆઈ)