ઉદ્ધવ ઠાકરે રંગ બદલતો કાચિંડો છે; આટલી ઝડપથી રંગ બદલતો કાચિંડો ક્યારેય જોયો નથી: એકનાથ શિંદે
બાળાસાહેબ ઠાકરેનું નામ લેવાનો કોઈ નૈતિક અધિકાર નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘ગર્વ સે કહો, હમ હિંદુ હૈ’ સ્વ. બાળ ઠાકરેનું આપેલું આ સૂત્ર એક સમયે શિવાજી પાર્ક મેદાનમાં ગુંજતું હતું, પરંતુ હવે શિવસેના (યુબીટી) પોતાને હિંદુ તરીકે ઓળખાવતા શરમ અનુભવે છે, એવા શબ્દોમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેના (યુબીટી) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતા કહ્યું હતું કે ઉબાઠા (ઉદ્ધવ ઠાકરે)ને હિંદુ તરીકે ઓળખાવતા શરમ આવે છે, બાળ ઠાકરે માટે હિંદુહૃદયસમ્રાટ બોલવા માટે જીભ ધ્રૂજવા લાગી છે અને તેઓ મત માટે લાચાર થઈ ગયા છે.
એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની સરખામણી રંગ બદલતા કાચિંડાની સાથે સરખામણી કરી હતી અને કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ જોઈ શકે છે કે આ માણસ કેટલો બદલાઈ ગયો છે, કાચિંડાને પણ આટલી ઝડપથી રંગ બદલતા ક્યારેય જોયો નથી. જે માણસ એક સમયે મોદીજીની મોંફાટ પ્રશંસા કરી રહ્યો હતો તે આજે સવાર-બપોર-સાંજ મોદીજી માટે ગાળો બોલવા સિવાય કોઈ કામ જ કરતો નથી.
આ પણ વાંચો: ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી મુંબઈને મહારાષ્ટ્રથી કોઈ તોડી નહીં શકે: એકનાથ શિંદે
એકનાથ શિંદેએ કહ્યું કે તેમને (ઉદ્ધવ ઠાકરે) બાળાસાહેબ ઠાકરેનું નામ લેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તમે હવે બાળાસાહેબનું નામ લેવાનો અધિકાર છોડી દીધો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના ચરણોમાં ઉબાઠા (ઉદ્ધવ ઠાકરે) આળોટી રહ્યા છે. અમે આજની તારીખે માનીએ છીએ કે બગડેલા બાળકો ખોટા રસ્તે ચડી ગયા છે.
હવે તેઓ અમારા પર તેઓ આક્ષેપ કરે છે કે મારા પિતાની ચોરી કરી લીધી, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે શું તેઓ રમકડું છે? કે તેની ચોરી કરી શકાય?
તેમણે કહ્યું હતું કે આજે ફરી એક વખત સ્પષ્ટ કરું છું કે અમને ફક્ત બાળાસાહેબના વિચારો જોઈએ છે, એ જ અમારી સંપત્તિ છે. તમે તેમની સંપત્તિના વારસ હશો, પરંતુ અમે તેમના વિચારો પર ચાલીએ છીએ અને તે જ અમારી સંપત્તિ છે.