નવી મુંબઈમાં લોકસભાની ચૂંટણી વખતે બંદોબસ્ત માટે 4,000 પોલીસકર્મી તહેનાત
થાણે: નવી મુંબઈ પોલીસ દ્વારા તેમના રિજનમાં લોકસભાની ચૂંટણી દરમિયાન 4,000 પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવશે, એમ પોલીસ કમિશનર મિલિંદ ભારાંબેએ જણાવ્યું હતું.
નવી મુંબઈ પોલીસની હદમાં આવતા ઐરોલી અને બેલાપુર થાણે લોકસભા મતવિસ્તારનો હિસ્સો છે.
મહારાષ્ટ્રમાં મુંબઈની છ સહિત થાણે અને અન્ય 12 બેઠકો પર 20મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું પાંચમા અને છેલ્લા તબક્કાનું મતદાન થવાનું છે.
ભારાંબેએ જણાવ્યું હતું કે આ માટે વ્યાપક સલામતીનાં પગલાં લેવામાં આવ્યાં છે અને મેરેથોન બેઠકો યોજાઇ છે. સશસ્ત્ર બટાલિયનનો સમાવેશ ધરાવતી છ કંપનીનું આગમન થયું છે.
તેમણે કહ્યું હતું કે અધિકારીઓ સહિત 3,500થી 4,000 પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવ્યા છે.
દરેક પોલીસ સ્ટેશનની હદમાં કાર્યવાહી કરીને રોકડ, ગેરકાયદે શસ્ત્રો, નશીલો પદાર્થ જપ્ત કરાયાં છે. નાગરિકોને ભય વિના મતદાન કરવાની તેમણે અપીલ કરી છે. (પીટીઆઇ)