પાર્કિંગને મુદ્દે થયેલા વિવાદમાં ડિલિવરી બૉય પર ચાકુથી હુમલો: બેની ધરપકડ
મુંબઈ: એન્ટોપ હિલમાં પાર્કિંગને મુદ્દે થયેલા વિવાદમાં 21 વર્ષના ડિલિવરી બૉય પર ચાકુથી હુમલો કરવા પ્રકરણે બે જણની ધરપકડ કરવામાં આવી હતી.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ડિલિવરી બૉય સાંઇનાથ સ્વામીનાથનને સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે એન્ટોપ હિલમાં રહેતા નિશાદ અમિદ શેખ ઉર્ફે અયાન (20) અને વડાલાના રહેવાસી કાર્તિક જયસ્વાલની બુધવારે રાતે ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ અયાન અને સાંઇનાથ વચ્ચે બે મહિના અગાઉ ટૂ-વ્હીલર પાર્ક કરવાને મુદ્દે વિવાદ થયો હતો. એ સમયે સાંઇનાથે અયાનની મારપીટ કરી હતી. ત્યાર બાદ અયાને બદલો લેવાનું નક્કી કર્યું હતું.
બુધવારે અયાન તેના મિત્ર કાર્તિકને લઇ એન્ટોપ હિલ વિસ્તારમાં આવ્યો હતો. તેમની પાસે ચાકુ હતું. તેમણે સાંઇનાથને ત્યાં જોતાં તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. બાદમાં તેઓ ઘટનાસ્થળેથી પલાયન થઇ ગયા હતા.
દરમિયાન બનાવની જાણ થતાં એન્ટોપ હિલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને સાંઇનાથને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. બાદમાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને બંને આરોપીની ધરપકડ કરી હતી.