વડાલા દુર્ઘટના: એસઆરએ ઓથોરિટી કરશે તપાસ, બિલ્ડરને ‘કારણ દર્શક’ નોટિસ ફટકારી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડાલામાં પાર્કિંગ પ્લોટ માટે ઊભો કરવામાં આવેલો લોખંડનો ટાવર તૂટી પડવાની દુર્ઘટનાની સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ)એ નોંધ લીધી છે અને આ દુર્ઘટના કેવી રીતે ઘટી અને તેની પાછળનું કારણ શું? અને આ પાર્કિંગ ટાવર ઊભો કરવામાં કોઈ સ્ટ્રક્ચરમાં ખામી રહી ગઈ હતી કે તેની તપાસ કરવાની છે. આ માટે એસઆરએ દ્વારા ક્ધસ્લ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે અને તેનો અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવવાની છે.
મુંબઈમાં સોમવારે ધૂળની ડમરીના આવેલા તોફાન, સુસવાટાભર્યા પવન અને વરસાદને કારણેે વડાલામાં બરકતઅલી રોડ પર એક એસઆરએ યોજના હેઠળ આવતા પાર્કિંગપ્લોટ માટે ઊભા કરવામાં આવેલો લોખંડનો ટાવર તૂટી પડ્યા હતા. આ ઘટનામાં બે જખમી થયા હતા અને અમુક વાહનોને નુકસાન થયું હતું.
આ દુર્ઘટનાની નોંધ લઈને એસઆરએ ઓથોરિટીએ આ પ્રકરણમાં ડેવલપર સામે ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં તાજેતરમાં જ સંબંધિત ડેવલપરને ‘કારણ દર્શાવો’ નોટિસ મોકલવામાં આવી છે. ડેવલપર સાથે જ તેના ત્રણ પાર્ટનર, આર્કિટેક્ટ અને પ્રોજેક્ટના એન્જિનિયરોને પણ ‘કારણ દર્શાવો’ નોટિસ મોકલવામાં આવી છે.
આઠ દિવસમાં આ નોટિસનો સમાધાનકારક જવાબ આપવા માટે ડેવલપર બંધાયેલો છે. ડેવલપરનો જવાબ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવવાની છે. બીજી તરફ આ દુર્ઘટના ચોક્કસ કઈ રીતે બની અને પાર્કિંગ પ્લોટનું સ્ટ્રક્ચર મજબુત હતું કે નહીં? તેના પાયા મજબૂત હતા કે નહીં ? વાપરવામાં આવેલું મટિરિયલ સારી ગુણવત્તાનું હતું કે નહીં તેવી અનેક બાબતોની તપાસ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એસઆરએના અધિકારીએ જણાવ્યું હતું.
એસઆરએ દ્વારા ક્ધસ્લ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. અહેવાલ આવ્યા બાદ તેનો આઈઆઈટી, વીજેટીઆઈ અન્ય સંસ્થા મારફત તેનો અભ્યાસ કરવામાં આવશે. અંતિમ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવવાની છે.