ફૂટબોલ મેચમાં ફિક્સિંગ મામલે ક્લબ ટીમના કેપ્ટન અને બે ખેલાડીની ધરપકડ
સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં ફૂટબોલ મેચમાં કથિત ફિક્સિંગમાં ક્લબ ટીમના કેપ્ટન અને બે અન્ય ખેલાડીની ધરપકડ કરાતા પ્રોફેશનલ ફૂટબોલ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. લીગ ક્લબ મેકાર્થર એફસીના કેપ્ટન દ્ધારા બે યુવા સાથી ખેલાડીઓને જાણીજોઇને યલો કાર્ડ મેળવવા માટે 10 હજાર ઓસ્ટ્રેલિયન ડોલરની રકમ આપવાના આરોપ લગાવવામાં આવ્યા હતા.
આમાં મેકાર્થર એફસીના કેપ્ટન ઉલીસેસ ડાવિલા તથા સાથી ખેલાડી કીરિન બાકુસ અને ક્લેટન લુઇસને મેચ ફિક્સિંગમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે જીતવા માટે હજારો ડોલરની રકમ આપવામાં આવી હતી. શુક્રવારે તમામ ત્રણેય ખેલાડીઓ પર સત્તાવાર રીતે આરોપ મુકાયા હતા અને જામીન પર મુક્ત કરાયા હતા. ડાવિલાને 24 જૂને કોર્ટમાં રજૂ કરાશે.
પોલીસનો આરોપ છે કે 24 નવેમ્બર અને 9 ડિસેમ્બરે રમાયેલી મેચો દરમિયાન યલો કાર્ડ મેળવવા યોજના બનાવવામાં આવી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે 20 એપ્રિલ અને 4 મેના રોજ મેચ દરમિયાન પણ આવા જ પ્રયાસો કરવામાં આવ્યા હતા જે સફળ થયા ન હતા. ફૂટબોલ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે તેમને શુક્રવારે સવારે ખેલાડીઓની ધરપકડની જાણ કરવામાં આવી હતી અને તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહ્યા હતા.