મોદી સરકારમાં બુંદેલખંડ પેકેજ ભ્રષ્ટાચાર પિડીત, ફાયદો ન થયો: કૉંગ્રેસ
નવી દિલ્હી: કૉંગ્રેસે શુક્રવારે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે મોદી સરકારમાં બુંદેલખંડ પેકેજ ભારે ભ્રષ્ટાચારનો ભોગ બન્યું હોવાથી હજારો કરોડોનો ખર્ચ કરવા છતાં હજી સુધી આ ક્ષેત્રમાં પાક લઈ ન શકાય એવી પડતર જમીનના ક્ષેત્રફળમાં વધારો થયો છે.
કૉંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હમીરપુરની પોતાની પ્રસ્તાવિત રેલી પહેલાં એવો સવાલ કર્યો હતો કે કેમ બુંદેલખંડ એક્સપ્રેસવે પર ઉદ્ઘાટનના પાંચ જ દિવસમાં ખાડા પડી ગયા હતા? ભાજપના શાસનમાં બુંદેલખંડના સિંચાઈ રહિત ક્ષેત્રમાં કેમ વધારો થયો? કેમ મોદી સરકાર ખરાબ કલ્પના સમાન કેન-બેટવા લિંક માટે આટલી આતુર છે?
તેમણે વડા પ્રધાનની કથિત જુમલા વિગતો જાહેર કરતાં કહ્યું હતું કે વડા પ્રધાને 16 જુલાઈએ બુંલદેખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું હતુંઅને પાંચ દિવસના વરસાદમાં જ નવા હાઈ વે પર મોટા ખાડાઓ પડી ગયા હતા.
થયેલા નુકસાનને ઢાંકી દેવા માટે આ ખાડા તરત જ ભરી નાખવામાં આવ્યા હતા, પરંતુ એક વર્ષ બાદ જાલૌનમાં નવા ખાડા પડ્યા હતા અને પછી ઈટાવામાં નવા ખાડા પડ્યા હતા. આટલું નબળું કામ કરનારા કૉન્ટ્રેક્ટરને કેમ કામ આપવામાં આવ્યું હતું? શું નિવૃત્ત થઈ રેહલા વડા પ્રધાનના ફેવરિટ ‘ચંદા દો, ધંધા લો’ પ્રોજેક્ટ હેઠળ આ કામ આપવામાં આવ્યું હતું? એવા આકરા સવાલ તેમણે કર્યા હતા.
2009માં યુપીએ સરકાર દ્વારા વારંવાર પડી રહેલા દુકાળના નિવારણ માટે બુંદેલખંડના વિશેષ પેકેજને માન્યતા આપવામાં આવી હતી. મોદી સરકાર હેઠલ આ પેકેજના અમલમાં ભારે ભ્રષ્ટાચાર અને નબળા આયોજનને કારણે હજારો કરોડો ખર્ચ કરવામાં આવ્યા હોવા છતાં બુંદેલખંડમાં પડતર અને પાક ન લઈ શકાય એવા ક્ષેત્રફળમાં વધારો થયો છે. બુંદેલખંડના સાત જિલ્લામાં 2009-10માં 1.86 લાખ હેક્ટર ક્ષેત્રફળ પડતર હતું, તે 2017-18માં વધીને 2.61 લાખ હેક્ટર થઈ ગયું, મધ્ય પ્રદેશમાં આ ક્ષેત્રફળ 2009-10માં 1.67 લાખ હેક્ટર હતું તે 2017-18માં 2.07 લાખ હેક્ટર થઈ ગયું છે, એમ તેમણે કહ્યું હતું.