નેશનલ

પીએમ મોદીની વર્ષગાંઠે ભાજપ આજથી ‘સેવા પખવાડા’ શરૂ કરશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષગાંઠ નિમિત્તે ‘સેવા પખવાડા’ શરૂ કરીને ભાજપ રવિવારથી સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચશે અને દેશભરમાં વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રવિવારે ૭૩મો જન્મદિવસ છે.
આ કવાયત મહાત્મા ગાંધીની જન્મજયંતી બીજી ઓક્ટોબર સુધી ચાલુ રહેશે, જે પ્રથા ભાજપ છેલ્લાં ઘણાં વર્ષોથી વાર્ષિક ધોરણે અનુસરે છે. ‘સેવા પખવાડા’ દરમિયાન, ભાજપના સભ્યો સરકારની વિવિધ સિદ્ધિઓ અને રક્તદાન શિબિર, સ્વચ્છતા અભિયાન અને આરોગ્ય શિબિર જેવી કલ્યાણકારી પ્રવૃત્તિઓ સાથે લોકો સુધી પહોંચવા સહિતની અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરશે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આ સમયગાળા દરમિયાનના
કાર્યક્રમોની વિગતો તૈયાર કરવા માટે પાર્ટીના સંગઠનાત્મક નેતાઓ સાથે બેઠકો કરી છે. વડા પ્રધાન પોતે તેમના જન્મદિવસ પર અનેક વિકાસ યોજનાઓ લોન્ચ કરશે.
રવિવારે ‘વિશ્ર્વકર્મા જયંતી’ ને દિવસે મોદી તેમની સરકારની મહત્વાકાંક્ષી યોજના, “પીએમ વિશ્ર્વકર્મા યોજના લોન્ચ કરશે, જેનો ઉદ્દેશ્ય કારીગરો અને પરંપરાગત કૌશલ્યો સાથે સંકળાયેલા અન્ય લોકોને મદદ કરવાનો છે.
પરંપરાગત વ્યવસાયોના કારીગરો મોટાભાગે અન્ય પછાત વર્ગોમાંથી આવતા હોવાથી, રૂ.૧૩૦૦૦ કરોડના ખર્ચ સાથેની આ યોજનાને રાજકીય રીતે મહત્ત્વના વર્ગ સુધી સત્તાધારી ભાજપની પહોંચ તરીકે પણ જોવામાં આવે છે.
તેઓ દ્વારકામાં યશોભૂમિ નામના ઈન્ડિયા ઈન્ટરનેશનલ ક્ધવેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવાના છે અને દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઈનના દ્વારકા સેક્ટર ૨૧થી દ્વારકા સેક્ટર ૨૫ ખાતે નવા મેટ્રો સ્ટેશન સુધી વિસ્તરણ લોન્ચ કરવાના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button