કેરળમાં ૨૪મી સપ્ટેમ્બર સુધી સ્કૂલ-કૉલેજ બંધ
નિપાહ વાઇરસે ચિંતા વધારી
કોઝિકોડ (કેરળ): નિપાહ વાઈરસના ચેપને ફેલાતો રોકવા કેરળ સરકાર વિવિધ પગલા ભરી રહી છે, સરકારે કોઝિકોડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને ૨૪ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. આમાં શાળાઓ, કોલેજો અને ટ્યુશન કેન્દ્રોનો પણ સમાવેશ થાય છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા મુજબ સમગ્ર શૈક્ષણિક કાર્ય ઓનલાઈન થશે.
આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા ૧,૦૮૦ લોકોની ઓળખ કરવામાં આવી છે. શુક્રવારે ૧૩૦ લોકોને ટ્રેક કરવામાં આવ્યા હતા. ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા લોકોમાં ૩૨૭ આરોગ્ય કર્મચારીઓ છે. ૩૦ ઓગસ્ટે જીવ ગુમાવનાર વ્યક્તિના અંતિમ સંસ્કારમાં ૧૭ લોકો સામેલ થયા હતા. આ તમામ લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું હતું કે કોઝિકોડ સિવાય અન્ય જિલ્લાઓમાં કુલ ૨૯ લોકો
નિપાહ ચેપગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હત. તેમાંથી ૨૨ મલપ્પુરમના, એક વાયનાડના અને ત્રણ-ત્રણ કન્નુર અને થ્રિસુરના છે. તેમણે કહ્યું કે હાઈ રિસ્કની કેટેગરીમાં ૧૭૫ સામાન્ય નાગરિકો અને ૧૨૨ આરોગ્ય કર્મચારીઓ છે. ચેપગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવનાર લોકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.કેરળ સરકારે રાજ્યમાં ફેલાયેલા નિપાહ વાઇરસના રોગચાળાનું ઉદ્ભવસ્થાન શોધવા માટે કવાયત શરૂ કરાઇ છે અને ઑસ્ટ્રલિયા પાસેથી ઍન્ટિબૉડિઝના ડૉઝ પણ મગાવાયા છે.
કેરળમાં નિપાહ વાઇરસનો જે પહેલો દરદી મળ્યો, તે ક્યાં ક્યાં ફર્યો હતો? તે જાણવા માટે મૉબાઇલ ટાવરના લૉકેશન્સની મદદ લેવાઇ રહી છે.
કેરળમાં નિપાહ વાઇરસના દરદીઓની સંખ્યા વધીને છ થઇ છે અને આ દરદીઓ અન્ય કોના કોના સંપર્કમાં આવ્યા હતા? તેની તપાસ હાથ ધરાઇ છે.
કેરળનાં આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નિપાહ વાઇરસનો સ્રોત શોધવા પ્રયાસ કરી રહી છે. કેન્દ્રની ટુકડી અસરગ્રસ્ત વિસ્તારોમાંના ચામાચીડિયામાંથી પણ જરૂરી નમૂના ભેગા કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે નિપાહ વાઇરસથી અસરગ્રસ્ત લોકો કેટલા અને ક્યાં ક્યાં લોકોને મળ્યા હતા? તે જાણવું ઘણું મહત્ત્વનું છે. નિપાહ વાઇરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા શુક્રવારે વધીને છ થઇ હતી. અસરગ્રસ્ત વિસ્તારમાંથી ૯૪ જણના શરીરમાંથી તપાસ માટેના નમૂના ભેગા કરાયા હતા, પરંતુ તેઓની ટેસ્ટના પ્રાથમિક પરિણામ નેગેટિવ આવ્યા હતા.
કેરળમાં નિપાહ વાઇરસના પ્રથમ દરદીનું મૃત્યુ ૩૦ ઑગસ્ટે થયું હતું, પરંતુ તેને આ વાઇરસનો ચેપ લાગ્યો હોવાની જાણ ઘણી મોડી થઇ હતી. તેનો નવ વર્ષનો દીકરો અને સાળો હજી પણ નિપાહ વાઇરસના ચેપ સામે સારવાર લઇ રહ્યા છે. તેઓની સાથે સારવાર લઇ રહેલા અન્ય બે દરદીમાંની એક વ્યક્તિ તો આરોગ્ય ક્ષેત્રે કામ કરનારી છે.
કેરળમાં નિપાહ વાઇરસે ૧૧ સપ્ટેમ્બરે બીજી વ્યક્તિનો ભોગ લીધોે હતો. તે પણ આ હૉસ્પિટલમાં જ પ્રથમ દરદીના સંપર્કમાં આવ્યો હોવાનું કહેવાય છે. (એજન્સી)