Swati Maliwal Case Video: ઘટનાનો વિડીયો વાયરલ, સ્વાતિ વિભવ કુમાર સાથે દુર્વ્યવહાર કરી રહી છે

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે મુખ્ય પ્રધાન નિવાસમાં કથિત રીતે થયેલી મારપીટ અંગેના કેસમાં મહત્વના ખુલાસા થવા લાગ્યા છે. 13 મેના રોજ દિલ્હીના સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલ પર થયેલા કથિત દુર્વ્યવહારની ઘટના સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સ્વાતિ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓને કહી રહી છે કે હું તારી નોકરી ખાઈ જઈશ. સ્વાતિ માલીવાલ વિભવ કુમારને અપશબ્દ બોલાતી સંભાળવા મળે છે, સ્વાતિ બોલે છે કે ‘આ ટકલો @#*#….’
સુરક્ષાકર્મીઓને સ્વાતિને બહાર જવા વિનંતી કરે છે ત્યારે તે સોફા પર બેઠા બેઠા કહે છે કે મેં પોલીસને ફોન કરી દીધો છે, પોલીસ ના આવે ત્યાં સુધી હું ક્યાંય જવાની નથી. મને ઉપાડીને બહાર ફેંકી આવો. સુરક્ષાકર્મીઓ વિનંતી કરતા રહે છે અને સ્વાતિ બૂમો પડી તેમણે ધમકાવી રહી છે.
વીડિયોમાં દેખાતા ડ્રોઈંગ રૂમમાં જ સામાન્ય રીતે દિલ્હીના મુખ્યપ્રધાન નેતાઓ અને કાર્યકરોને મળે છે. વીડિયોમાં જોવા મળે છે કે સ્વાતિ માલીવાલ સોફા પર આરામથી બેઠી છે. આ દરમિયાન બે સુરક્ષાકર્મીઓ તેને બહાર જવા માટે વારંવાર વિનંતી કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે તમે પોલીસને બોલાવશો તો પણ તેઓ ગેટની બહાર સુધી જ આવશે.
વીડિયોને કારણે સ્વાતિ માલીવાલ પર સવાલો ઉઠ્યા છે. સ્વાતિ પોતે આ વીડિયોમાં કેજરીવાલના પૂર્વ અંગત સચિવ વિભવ કુમાર માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે. સ્વાતિ કહી રહી છે કે વિભવ કુમાર તેને કેવી રીતે રોકી શકે. તે સુરક્ષાકર્મીઓને પણ ધમકી આપી રહી છે. સ્વાતિ કહી રહી છે કે તે તેમની સામે પણ કાર્યવાહી કરશે, તેમની નોકરીઓ છીનવાઈ જશે.
વીડિયોની શરૂઆતમાં એક સુરક્ષાકર્મી કહે છે, “એવું ન બોલો.” આના પર સ્વાતિ કહે છે, “તારે જે કરવું હોય તે કર, આમ જ થશે. અને જો તમે મને ટચ પણ કરશો તો તમારી નોકરી ખાઈ જઈશ …”. અન્ય એક સિક્યોરિટી ગાર્ડને તેને કહી રહ્યો છે કે, “અમે નમ્ર વિનંતી કરીએ છીએ.” તો સ્વાતિ કહે છે, “મેં હમણાં જ 112 પર ફોન કર્યો છે. પોલીસને આવવા દો, પછી હું વાત કરીશ.”
આ પણ વાંચો: Swati Maliwal મુદ્દે પ્રિયંકા ગાંધી, માયાવતી અને ભાજપનાં નેતાએ આપી આકરી પ્રતિક્રિયા
આ વીડિયો અંગે સ્વાતિ માલીવાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે દર વખતની જેમ આ વખતે પણ આ રાજકીય હિટમેને પોતાને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. તેણે કહ્યું, “તેના લોકો પાસે ટ્વીટ કરાવી, કોઈપણ સંદર્ભ વગરના વીડિયો વાયરલ કરી રહ્યા છે, તેને લાગે છે કે ગુનો કરીને પોતાને બચાવી લેશે, શું કોઈ કોઈને મારતો વીડિયો બનાવે છે? ઘર અને રૂમની અંદરના સીસીટીવી ફૂટેજની તપાસ થતાં જ સત્ય બધાની સામે આવશે. ભગવાન બધું જોઈ રહ્યા છે. એક દિવસ સત્ય દુનિયા સામે આવશે.”
13 મેના રોજ સ્વાતિ માલીવાલ સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. દરમિયાન સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર હુમલાનો આરોપ લગાવ્યો હતો અને પોલીસ કંટ્રોલ રૂમ (PCR)ને ફોન કર્યો હતો. જોકે, તેણે ત્યારે પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી.
આ પછી પોલીસે સ્વાતિ માલીવાલનો સંપર્ક કર્યો અને ત્રણ દિવસ પછી ગુરુવારે તેમનું નિવેદન નોંધ્યું. આ પછી પોલીસે ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધી. હવે પોલીસ વિભવ કુમારને શોધી રહી છે.