કેનેડાના આ પ્રાંતમાં ભારતીય વિદ્યાર્થીઓને નોકરી ન મળતા દેશ છોડવાની નોબત, વિદ્યાર્થીઓનો વિરોધ
કેનેડાના પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ (PEI) ક્ષેત્રમાં સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ(Indian Students) વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ પ્રસાશન પાસે માંગ કરી રહ્યા છે કે તેમણે કેનડા(Canada)માં રહેવાની મંજૂરી આપવામાં આવે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ગ્રેજ્યુએટ થયા હોવા છતાં અમને વર્ક પરમિટ નકારી કાઢવામાં આવી રહી છે અને હવે દેશ છોડવા(deportation)ની નોબત આવી છે. હવે જો માંગણીઓ નહીં સંતોષાય તો વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતરવાની ધમકી આપી રહ્યા છે.
જે વિદ્યાર્થીઓ એક વર્ષથી દેશમાં છે તેઓ દાવો કરી રહ્યા છે કે સરકારે રાતોરાત નીતિમાં ફેરફાર કર્યો છે. એક વિદ્યાર્થીએ એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે “તેમણે પહેલા અમને અહીં આવકાર્યા , હવે તેઓ ઈચ્છે છે કે અમે અહીંથી નીકળીએ પ્રાંતે અમને ખોટી આશાઓ આપી. તેઓ અમને ખોટી માહિતી આપતા રહ્યા, આ શોષણ છે.”
ભારતીય વિદ્યાર્થીઓએ ચાર્લોટટાઉનના રોડ પર રેલી કાઢી રહ્યા છે, ન્યાય માટે માંગણી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અચાનક નીતિગત ફેરફારો સામે વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો : અમેરિકા બાદ પેલેસ્ટાઇન તરફી વિદ્યાર્થીઓનો વિરોધ કેનેડા, મેક્સિકો સહિત અન્ય દેશોમાં ફેલાયો
પ્રદર્શન કરી રહેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે “અમને જીવનમાં માત્ર એક જ વાર તક મળે છે. અમે PEIમાં એટલા માટે આવ્યા કારણ કે પહેલા નિયમો હતા કે અમે એક વર્ષ પછી PR માટે અરજી કરી શકીએ. આ નિર્ણયથી પરંતુ PEI ના લોકો પણ પ્રભાવિત થશે.”
ગયા જુલાઈમાં, PEI એ ચોક્કસ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ પર પ્રતિબંધ લગાવતો કાયદો પસાર કર્યો હતો. આ કાયદો હવે માત્ર બાંધકામ અને આરોગ્યસંભાળ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને પરમિટ મેળવવાની મંજૂરી આપે છે, આ સિવાયના ક્ષેત્રમાં ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડામાં કામ છોડવું પડ્યું છે.
આ વર્ષની શરૂઆતમાં મેનિટોબામાં આવા જ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, પરંતુ વિરોધ પછી, ટ્રુડો સરકારે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટને બે વર્ષ સુધી લંબાવવી પડી હતી. હવે, PEI ના વિદ્યાર્થીઓ સમાન રાહતની માંગ કરી રહ્યા છે.