World Hypertension Day 2024 : આજે વિશ્વ હાઇપરટેન્શન દિવસ ; હાઇ બ્લડપ્રેશરના દર્દીઓ અનુસરો આ સલાહ અને લાંબુ જીવો..
17મી મેના દિવસે વર્લ્ડ હાઈપર ટેન્શન દિવસ (World Hypertension Day) ઉજવવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોમાં હ્રદયરોગના લીધે લોકોના મૃત્યુમાં વધારો થયો છે તે ચિંતાજનક બાબત છે. આવી સ્થિતિમાં હ્રદયરોગના મૂળ કારણ સમા હાઇપરટેન્શનને લગતી જાગૃતિ લોકોમાં આવે તે માટે 2005ના વર્ષથી 17 મેના રોજ વર્લ્ડ હાઈપર ટેન્શન દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે, “બ્લડ પ્રેશરને સચોટ રીતે માપો, તેને નિયંત્રિત કરો અને લાંબુ જીવન જીવો”
આમ તો હાઇપરટેન્શન એ હુમલા માટેનું પ્રાથમિક અને મૂળભૂત કારણ ગણવામાં આવે છે. આ માટે બેઠાડું જીવન અને ડાયાબિટીસ પણ એક મહત્વનું કારણ છે. હુમલાના કેસો ઘટાડવા માટે આ પરિસ્થિતિ પણ નિયંત્રણ લાવવું ખૂબ જરૂરી છે. બેઠાડુ જીવનશૈલી, જંક ફૂડનું સેવન, સ્થૂળતા અને વધુ પડતા મીઠાનું સેવન આ બધી બાબતો હાયપરટેન્શન તરફ દોરી જાય છે. ધુમ્રપાન અને તાણ આ સ્થિતિને વધારે છે.
આના ઉપાય માટે જીવનશૈલીમાં ફેરફાર લાવવો, વ્યાયામ અને કસરતને દૈનિક જીવનનો ભાગ બનાવવો અને બીનઆરોગ્યપ્રદ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. પોતાની જાતને હાઇપરટેન્શનથી બચાવવાનો એકમાત્ર ઉપાય છે. વળી સમયસર બ્લડપ્રેશરનું નિદાન થતું રહે તે પણ ખૂબ જરૂરી છે, મોટાભાગના યુવાનો નિદાનના અભાવે બ્લડપ્રેશરની સ્થિતિથી અજાણ હોય છે અથવા તેના નિયંત્રણ માટે સૂચવેલ દવાઓ સમયસર લેતા નથી. આના કારણે ક્યારેક તેઓ જીવલેણ હુમલાની સ્થિતિ સુધી પહોંચી જાય છે.
સંશોધન જણાવે છે કે ભારતમાં દર મિનિટે ત્રણ દર્દીઓ હુમલાથી પીડાય છે. જે આપણાં દેશમાં મૃત્યુ થવા માટેનું ચોથું મુખ્ય કારણ છે અને વિકલાંગતા માટેનું પાંચમું કારણ છે. હુમલાને રોકવા માટે બ્લડ પ્રેશરનું નિયમિત ચેકઅપ થતું રહેવું જોઈએ. તેના માટે “BE FAST”ની પધ્ધતિને અનુસરવામાં આવે છે. B એટલે બેલેન્સિંગ – નિયંત્રણ, E એટલે આઈ મુમેન્ટ – આંખની ગતિવિધિ, F એટલે ફેસ – ચહેરો, A એટલે આર્મ – હાથ, S એટલે સ્પીચ – બોલચાલ અને T એટલે ટાઈમલી – સમયસર અર્થાત હુમલો આવ્યાની પ્રથમ કલાક કે જેને ગોલ્ડન અવર માનવામાં આવે છે, તે સમયે દર્દી હોસ્પિટલ પહોંચી જવો જોઈએ.
ભારતમાં આશરે 220 મિલિયનથી વધુ લોકો હાઇપરટેન્શનથી પ્રભાવિત છે, જેમાં ગુજરાતના લોકોનો પણ સમાવેશ થાય છે. આ એક મોટો આરોગ્યને લાગતો પડકારનો છે. તેને ઘટાડવાના થતાં પ્રયાસોમાં ધારી સફળતા નથી મળતી. હાલમાં ઘણા પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ સફળતાનો વ્યાપ 12%ના વ્યાપ સુધી જ પહોંચ્યો છે. નિષ્ણાતો એવી ચેતવણી આપે છે કે અનિયંત્રિત હાઇપરટેન્શન હાર્ટ અટેક અને આંચકા જેવા હ્રદયરોગના પ્રમાણમાં વધારો કરનાર સાબિત થાય છે. જેની અસર દેશમાં હ્રદયરોગથી થતાં મૃત્યુદરમાં જોવા મળે છે.