ઉત્સવ

અદ્યતન કહી શકાય તેવો પુરાતન છે,કોઈ વહેતી સરિતા જેવો સનાતન છે !

ફોક્સ -મુકેશ પડ્યા

રાજકારણમાં ધર્મને સ્થાન ન હોવું જોઈએ એવું કહેનારા અને પોતાની જાતને બિનસાંપ્રદાયિક કે સેક્યુલર ગણાવતા પરિબળો આજે ખુલ્લ પડી રહ્યા છે. સનાતન ધર્મને જ વખોડીને તેમાં ધ્રૂવીકરણ રચવાની સ્યુડો સેક્યુલરિસ્ટોની આ એક ચાલ છે. પહેલા મોદીનો વિરોધ, પછી ભાજપનો વિરોધ. પછી દેશનો વિરોધ અને હવે હજારો વર્ષથી જે સનાતન ધર્મએ ભારતની ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ર્ચિમની પ્રજાને એક સૂત્રે બાંધી રાખી છે એના તાંતણા કાપવાની કવાયત ચાલી રહી છે.

જોકે હજારો વર્ષથી મૂળ ઘાલીને બેઠેલા આ તાંતણા કાપ્યા કપાય તેમ નથી. ગયા શનિવારે આપણે જોયું કે સનાતન તાર્કિક છે, સનાતન લોકશાહીને વરેલો છે, સનાતન વિશ્ર્વનો જૂનામાં જૂનો હોવા છતાં નવા આવિષ્કારોને અપનાવીને નવા વાઘા ધારણ કરી શકે છે. એટલે જ તો એ પુરાતન હોવા છતાં અદ્યતન બની શકે છે. સનાતન વહેતી નદી જેવો છે. નદીની જેમ જ સનાતન ધર્મ પણ માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી માર્ગ કાઢતો રહે છે. સનાતન ને કોઈ એક ધર્મગ્રંથ કે એક ધર્મગુરૂનું લેબલ લાગ્યું નથી. સમય અને સંજોગો પ્રમાણે અનેક મહાનુભાવોએ તેમાં પેસી ગયેલી વિકૃતિઓનું ઓપરેશન કરી તેને જીવિત રાખ્યો છે. જેમ આપણા શરીરના કોઈ અંગમાં સમસ્યા ઊભી થાય છે તો આપણે તેનો ઇલાજ કરીએ છીએ. શરીરને ખતમ કરવાની વાત નથી કરતા. બસ આ જ રીતે સનાતન જે માત્ર ધર્મ નહીં પણ કરોડો ભારતીયોની સંસ્કૃતિ છે. જીવન શૈલી છે. તેમાં કોઈ ત્રુટિ હોય તો તેને દૂર કરી શકાય. સમગ્ર શૈલીનો નાશ કરવાની કોઈ જરૂર નથી.

હિતશત્રુઓ ગમ્મે તેટલું ઈચ્છે સત્ય સનાતનનો નાશ કરવાની તેમની ત્રેવડ નથી. આ વાતની તેમને પણ ખબર છે. તેઓ તો માત્ર આ બાબતે કાંકરીચાળો કરીને સનાતનીઓમાં ભાગલા પડાવવા માગે છે. ચૂટણીમાં મતો અંકે કરવા માગે છે.

જોકે આ હવે અશક્ય છે. પહેલાના સમયમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હતું. અભણ લોકોના ટોળેટોળાં કોઈ વાતોમાં ભોળવાઈ જતા હતા. આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. માહિતીનો ધોધ તેમને મળી રહ્યો છે. પોતાનું સારું ખોટું એ સમજી શકે છે. ભારતમાં ભલે કેટલાક રાજકારણીઓ સનાતન ધર્મને ખતમ કરવાની વાતો કરે પણ આ ધર્મ તેના પાળનારાઓ દ્વારા વિશ્ર્વભરમાં પ્રસરતો જાય છે.

હજારો અમેરિકનો, યુરોપિયનો અને રશિયનો ઈસ્કોનના માધ્યમ દ્વારા કૃષ્ણભક્તિના રંગમાં રંગાતા જાય છે. કોઈ પણ પ્રકારની લાલચથી ખેંચાઇ કે ભય પ્રેરાઇને નહીં પણ પોતાની સૂઝબૂઝથી તેઓ જોડાય છે. બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક પોતે હિન્દુ છે તેમ જાહેરમાં કહે છે અને ગર્વથી કહે છે. તેમને તેમ કહેવામાં શરમ નથી આવતી. ગયા સપ્તાહમાં જી-૨૦ સમિટમાં ભાગ લેવા તેઓ ભારત આવેલા ત્યારે પોતાની પત્ની સાથે મંદિરની મુલાકાતે પણ ગયા હતા. અરે હવે તો અનેક મુસ્લિમ દેશો હિન્દુઓને મંદિર બાંધવા જમીન ફાળવે છે અને જોઈતો સહકાર પણ આપે છે. સહુને ખબર છે કે હિન્દુ ધર્મ બળજબરી કે લાલચથી કોઈનું ધર્મ પરિવર્તન નથી કરાવતો. એટલે જ તો આ ધર્મ સહજપણે પૂરી દુનિયામાં વિસ્તરી રહ્યો છે. અત્ર તત્ર સર્વત્ર દેખાઈ રહ્યો છે. આવા ધર્મને ખતમ કરવાની કોઈની ઇચ્છા હોય તો તે ક્યારેય ફળીભૂત થવાની નથી.

બીજી એક વાત વિરોધીઓ કહે છે તેવો સનાતન ધર્મમાં ક્યારેય જાતિભેદ ન હતો. રામે શબરીના બોર ખાધા હતા. જંગલના આદિવાસીઓ, ભીલો અને વાનર જાતિ સુધ્ધાંને પણ મિત્ર બની ગળે લગાડ્યા હતા. શ્રીકૃષ્ણે દુર્યોધનના પકવાન છોડી દાસીપુત્ર વિદુરજીના ધરે ખીચડી ખાધી હતી. ગોવાળ શ્રીકૃષ્ણ અને બ્રાહ્મણ સુદામા વચ્ચે પાક્કી દોસ્તી હતી.

વર્ણાશ્રમ પધ્ધતિ સમાજના કાર્ય સુચારૂ રૂપે થાય એ માટે અમલમાં આવી હતી. તે કર્મના આધારે હતી , જન્મના આધારે નહીં. છતાંય જ્યારે તેમાં ઊંચનીચ અને અસ્પૃશ્યતા નામની વિકૃતિ દાખલ થઈ. ત્યારે વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને મહાત્મા ફૂલે જેવા અનેક સમાજ સુધારકો આગળ આવ્યા અને આ વિકૃતિ દૂર કરી.

આજે જ્યારે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. પૂરતી જાગૃતિ આવી છે. કોઈ ઓફિસમાં હિન્દુ- મુસ્લિમ અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તેમજ શુદ્રો સાથે મળીને કામ કરે છે. સાથે ચા-નાસ્તા કરે છે. અરે સાથે ભોજન સુધ્ધાં કરે છે ત્યારે વિપક્ષો સનાતન મુદ્દે એલફેલ બોલે છે . કોઈ શિક્ષિત વ્યક્તિને તો ખ્યાલ આવી જ જાય કે વિપક્ષો હિન્દુઓના મત તોડવા માગે છે અને તેમને કોઈ પણ ભોગે સત્તા જોઈએ છે. સત્તા મેળવવા જ તેઓ પોત પોતાના સિદ્ધાંતો છોડી એક છત્ર નીચે ભેગા થયા છે, પણ ચાલો આપણે સનાતન ધર્મની વાત આગળ વધારીએ.

કેટલાક લોકો એમ કહે છે કે અન્ય ધર્મોમાં એક આરાધ્ય અને એક જ ઉપાસના પદ્ધતિ છે જ્યારે હિન્દુઓમાં વિવિધ દેવી દેવતા અને અનેક જાતની ઉપાસના પદ્ધતિ છે. આવું બોલનારાઓને માલૂમ થાય કે આ બાબત સનાતન ધર્મની ખામી નહીં પણ ખૂબી છે. અમદાવાદથી મુંબઈ પહોંચવું હોય તો ત્યાં પહોંચવા અનેક જાતના રસ્તા છે. કોઈ મોટરમાર્ગે તો કોઈ રેલમાર્ગે તો કોઈ વળી હવાઈ માર્ગે આગળ વધે છે. તેમની મંઝિલ એક જ છે- મુંબઈ પણ માર્ગ અલગ છે. સનાતન ધર્મની પણ અંતિમ મંઝિલ એક જ છે – આત્મ વિકાસ. આ મંઝિલ મેળવવા વિવિધ માર્ગ વિવિધ ઉપાસના પદ્ધતિ હોય એ જરૂરી છે. સહુ પોતપોતાની રૂચિ અને ક્ષમતા પ્રમાણે માર્ગ પસંદ કરી શકે છે અને અંતે તો એક જ ધ્યેય પ્રાપ્ત કરે છે. શંકરજી ધ્યાન યોગ દ્વારા આગળ વધ્યા તો કૃષ્ણ કર્મ યોગ દ્વારા.

નરસિંહ -મીરા ભક્તિ યોગથી આગળ વધ્યા તો વિવેકાનંદ અને અરવિન્દો જેવા મહાનુભાવો જ્ઞાન યોગથી આગળ વધ્યા. એમાં ખોટું શું છે ? એક જ ઘરમાં રહેનારાઓને અલગ અલગ શાક ભાવતા હોય તો દરેક સભ્યની ઇચ્છા વારાફરતી પૂરી કરવામાં આવે છે. તમારી માતાએ કે પિતાએ ક્યારે પણ એમ કહ્યું કે ઘરમાં રોજ એક જ જાતનું શાક બનશે ?

આજે જ્યારે દરેક ક્ષેત્રમાં ચોઇસ હોય છે પસંદગી હોય છે તો સનાતન ધર્મ ઉપાસના પદ્ધતિમાં ચોઈસ આપે છે. વિકલ્પ આપે છે એ તો સારી વાત થઈને? એ જ તો લોકશાહી છે. એ જ તો આપણને શીખવાડે છે વિવિધતામાં એકતાનો સંદેશ.

અને અંતે એક મહત્ત્વની વાત. સનાતન ધર્મમાં કોઈ ઉપાસના પદ્ધતિમાં ન માનનારા. અરે ! ઈશ્ર્વરમાં જ ન માનનારા નાસ્તિકો પણ સનાતનીઓ જ કહેવાય છે. નાસ્તિક હોવું એ પણ એક વિચાર જ છે. નાસ્તિકો
પણ નીતિ માર્ગે આગળ વધતા હોય. સદવિચાર અને સત્કર્મો કરતા હોય તો તેમનું પણ સ્વાગત છે તેમને ધર્મની બહાર કાઢી મુકવામાં નથી આવતાં કે ધર્મદ્રોહી ગણી બહિષ્કાર કરવામાં નથી આવતો. આ જ તો સનાતન ધર્મની ખૂબી છે. તે પુરાતન છે તો અધ્યતન પણ છે. તે બંધિયાર ખાબોચિયું નથી પણ વહેતી નદી છે. ત્રુટિઓને પાછળ છોડી આગળ વધતી જાય છે.

કોઈ લઘુમતીમાં લઘુમતી ધર્મ હોય તેની પણ ધાર્મિક લાગણી ન દુભાય તેનો ખ્યાલ રાખવાનું બંધારણમાં કહ્યું છે ત્યારે બંધારણના નામે સોગંધ લેનારા રાજકારણીઓ બહુમતી ધર્મની લાગણી ન દુભાય એવાં નિવેદનો આપવાનું ક્યારે બંધ કરશે ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button