બાળકીની આંગળીને બદલે ડોકટરોએ જીભની સર્જરી કરી કરી નાખી, આ રાજ્યની સરકારી હોસ્પિટલનો કિસ્સો

કોઝિકોડ: ઘણી વાર જીવનદાતા ગણાતા ડોકટરો ગંભીર ભૂલ કરી બેશે છે, જેનું પરિણામ દર્દીને ભોગવવું પડે છે. એવો જ એક ચોંકાવનારો કિસ્સો કેરળ(Kerala)ના કોઝિકોડ મેડિકલ કોલેજ(Kozhikode Medical Collage)માં બન્યો હતો. અહિયાં ચાર વર્ષની માસૂમ બાળકી ડોક્ટરોની ઘોર બેદરકારીનો શિકાર બની છે. એક અહેવાલ મુજબ કે બાળકી આંગળીની સર્જરી માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતું, પરંતુ ડોક્ટરોએ તેની જીભની સર્જરી કરી હતી. આ ઘટના બાદ વધી રહેલા વિવાદને જોતા સર્જરી કરનાર તબીબોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
બાળકીના માતા-પિતાના જણાવ્યા અનુસાર, બાળકીને તેના હાથની છઠ્ઠી આંગળી કાઢી નાખવા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઓપરેશન થિયેટરમાં ડોક્ટરોએ બાળકીનું જીભનું ઓપરેશન કર્યું. બાળકીના માતા-પિતાનો આરોપ છે કે જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે ડોક્ટરોએ દાવો કર્યો હતો કે છોકરીના મોંમાં સિસ્ટ હોવાથી તેનું નિદાન કરવામાં આવ્યું હતું, જેના માટે જીભની સર્જરીની જરૂર હતી.
બાળકીના પરિવારે ડોકટરોના દાવાને નકારતા કહ્યું કે છોકરીની જીભમાં કોઈ સમસ્યા નથી અને ડોકટરોની બેદરકારી શરમજનક છે.
પરિવારના એક સભ્યએ જણાવ્યું કે હોસ્પિટલના પ્રસાશને તેમને જાણ કરી હતી કે છોકરીની જીભની સર્જરી ભૂલથી કરવામાં આવી હતી, કારણ કે એક જ દિવસે બે બાળકોની સર્જરી થવાની હતી.
ત્યાર બાદ પરિવારમાં રોષ ફેલાયો હતો. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે મેડિકલ એજ્યુકેશનના નિયામકનો રિપોર્ટ મળ્યા બાદ ડૉ. બિજોન જોન્સનને સસ્પેન્ડ કરી દીધા હતા. આરોગ્ય પ્રધાન હોસ્પિટલોને સર્જરી અને અન્ય તબીબી પ્રક્રિયાના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા સૂચનાઓ આપી છે.
બાળકીના પરિવારની ફરિયાદના આધારે, પોલીસે ડોક્ટર વિરુદ્ધ આઈપીસીની કલમ 336 અને 337 હેઠળ કેસ નોંધ્યો હતો. દરમિયાન, વિપક્ષના નેતા વીડી સતીસને આ ઘટનાની નિંદા કરી છે અને રાજ્યમાં તબીબી સેવાઓની ઘટતી ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી છે.