જગ્ગી વાસુદેવેે કટ્ટર ડાબેરીઓની સાન કઈ રીતે ઠેકાણે લાવી!
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
સામાન્ય રીતે કોઈપણ ધર્મના કોઈપણ ગુરુ, મહારાજ કે મોટિવેટરથી હું ઇમ્પ્રેસ થતો નથી. ‘સદ્ગુરુ’ તરીકે ઓળખાતા જગ્ગી વાસુદેવ પણ એમાં અપવાદરૂપ નથી.
પરંતુ, દેશની અલગ-અલગ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને જગ્ગી વાસુદેવ, યુવાન-યુવતીઓ સાથે જે પ્રકારે સંવાદ કરી રહ્યા છે એ જોઈને દિલ બાગ-બાગ થઈ જાય એવું છે.
ભારતીય સંસ્કૃતિ, યોગ અને વેદનો ઊંડો અભ્યાસ કરનાર જગ્ગી વાસુદેવને કોર્નર કરવા માટે દરેક કાર્યક્રમમાં કટ્ટર ડાબેરીઓ એમના ટ્રેઇન થયેલા યુવક-યુવતીઓને છોડી મૂકે છે. ભારતીય સંસ્કૃતિ, ધર્મ કે પરંપરાનું અપમાન થાય અને સદ્ગુરુને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે એની તૈયારી સાથે આખું ટોળું આવ્યું હોય છે. મંચ પર માઇક લઇને બેઠેલા ત્રણ-ચાર દેશી કાર્લમાર્ક્સના વંશજો સદ્ગુરુને ઉશ્કેરવા માટે, મશ્કરીના ઢબે વાહિયાત સવાલો કરીને ખિખિયાટા કરતા રહે છે. ‘યુટયુબ’ પર આવો એક કાર્યક્રમ નિહાળી રહ્યો હતો ત્યારે વર્ષો પહેલા જોયેલી પંકજ કપુર અને શબાના આઝમીના સ્ટારકાસ્ટવાળી ફિલ્મ ‘એક ડોક્ટર કી મૌત’નું દૃશ્ય યાદ આવી ગયું. સત્ય ઘટનાને આધારે બનેલી ફિલ્મનો થીમ કંઈક આ પ્રમાણે હતો. ફિલ્મમાં પંકજ કપુર કલકત્તા રહેતા જે ડૉક્ટરનું પાત્ર ભજવે છે એ મેડિકોસાયન્સ ક્ષેત્રે રિસર્ચનું કામ કરતા હોય છે. રિસર્ચ દરમિયાન તેઓ એવી રસીની શોધ તરફ આગળ વધતા હોય છે કે જે રક્તપિત્ત જેવા રોગથી દુનિયાને છુટકારો આપે. આ રસીની આડઅસરથી સ્ત્રીના વંધ્યત્વ સંબંધી તકલીફમાં પણ ફાયદો થઈ શકે એવી શક્યતા છે. ડોક્ટરના પત્રકાર મિત્ર (ઇરફાન ખાન. તેમની સૌથી પહેલી ફિલ્મ) આ સમાચાર છાપી નાખે છે અને કલકત્તાના ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરોની દુનિયામાં હાહાકાર મચી જાય છે. ડૉક્ટરને અપમાનિત કરી પોતાનો કક્કો સાબિત કરવા માટે તેઓ પંકજ કપુરના લેકચરનું આયોજન કરે છે.
અતડા અને સ્વમાની ડૉક્ટરને મસ્કા મારીને જાહેરસભામાં બોલાવવામાં આવે છે. પંકજ કપુર જ્યારે લેક્ચર માટે જાય છે ત્યારે યુવા ડૉક્ટરોનુ ટોળું એમને ઠઠ્ઠા મશ્કરી કરી આડાતેડા સવાલો કરી એટલી હદે અપમાનિત કરે છે કે પંકજ કપુરની તબિયત બગડી જાય છે અને ભારે હુરિયા વચ્ચે એમણે ઘરે પરત થવું પડે છે. સ્થાપિત હિતોની જીત થાય છે.
આઈ.આઈ.એમ.થી માંડીને લો-કૉલેજના કાર્યક્રમમાં જગ્ગી વાસુદેવ ગયા ત્યારે ત્યાં ઓડિયન્સમાં બેઠેલા ડાબેરીઓના ટોળાએ પણ એમને ઉશ્કેરવા માટે વિકૃતિ ઠેલવતા સવાલો કરવાના ચાલુ કર્યા. પેલા ફિલ્મના ડોક્ટરથી વિપરીત સદ્ગુરુએ દરેક ઘટીયા સવાલના ખૂબ જ શાંતિથી, ઉશ્કેરાયા વગર એટલા જડબેસલાક જવાબો આપ્યા કે પેલા ચીબાવલા – ચીબાવલીઓના મોઢાં રડવા જેવા થઈ ગયા. ‘યુ ટ્યૂબ’ પર આ સવાલ-જવાબના સેશન ધૂમ મચાવી રહ્યા છે. ટ્રેન્ડ થઈ રહ્યા છે, યુથ ઍન્ડ ટ્રૂથ બેનર હેઠળ કરવામાં આવતા આ સવાલ-જવાબનાં કેટલાક નમૂના જોઈએ.
દોઢ ડાહ્યાનો સવાલ : તમે કહો છો કે ટોળા દ્વારા લિન્ચિંગને ધર્મ સાથે લેવા દેવા નથી… ફક્ત લઘુમતીને જ ટાર્ગેટ કરવામાં આવે છે… વગેરે.
સદ્ગુરુનો જવાબ : તમે ફક્ત ટેલિવિઝનના સમાચારોને આધાર બનાવી આવા તારતમ્ય પર પહોંચો છો.
હું યુવાન હતો ત્યારે કર્ણાટકના નાનકડા ગામમાં રહેતો હતો એ વખતે એક માણસને ટોળાએ મારી નાખ્યો. હું પોલીસમાં ગયો, ધારાસભ્ય પાસે ગયો પરંતુ કોઈએ ફરિયાદ લીધી નહીં, કારણ કે ગામમાંથી છોકરાઓના અપહરણ થવાથી લોકો ઉશ્કેરાયેલા હતા. વર્ષોથી ટોળા દ્વારા લિન્ચિંગ થતા જ રહ્યા છે, પરંતુ આજકાલ રાજકીય કારણોસર એને વધુ ચગાવવામાં આવે છે. એજ રીતે ગાયની ચોરી થાય ત્યારે લોકો ઉશ્કેરાય છે, કારણ કે ગાય એમના માટે પ્રાણી કરતાં વિશેષ છે, એમનો આર્થિક આધાર છે…
જગ્ગી વાસુદેવે આખી ચર્ચામાં કોઈ ઠેકાણે લિંચિંગનો બચાવ નહીં કર્યો હોવા છતાં ખાસ ઉચ્ચાર સાથે ચાંપલું – ચાંપલું અંગ્રેજી બોલતા આ ડાબેરીઓએ એમના પર આક્ષેપનો મારો તો ચલાવ્યો જ, પરંતુ ગાય ચોરો દ્વારા બીએસએફના જવાનોની થતી હત્યાને પણ યથાર્થ ઠરાવવાનો પ્રયત્ન કર્યો.
બીજા એક કાર્યક્રમમાં એક માર્ક્સવાદીએ ભગવાન રામ વિશે એલફેલ સવાલો પૂછવાના શરૂ કર્યા. સદ્ગુરુએ શાંતિથી દરેક સવાલના યથાયોગ્ય જવાબ આપ્યા તો પેલો લાજવાને બદલે વધુ ગાજ્યો. મંચ પર બેઠેલા બીજાને લાગ્યું કે સદ્ગુરુ એમના ટ્રેપમાં ફસાતા નથી તો, આંખના ઇશારા દ્વારા પેલાને નવા વિષય પર સવાલ કરવા કહ્યું.
બીજા એક કાર્યક્રમમાં ગાયના માંસ પર પ્રતિબંધ મૂકવાના મામલે જાણે સદ્ગુરુ જવાબદાર હોય એક યુવતીએ સવાલ પૂછવાને બદલે ઊગ્રતાથી દલીલો ચાલુ કરી. ફરીથી એજ રિપીટેશન. સદગુરુએ ખૂબ જ શાંતિ અને લોજીકથી સમજાવ્યું તો ફરીથી એમની ઊલટ તપાસ શરૂ થઈ.
એક લો ઇન્સ્ટિટ્યૂટના કાર્યક્રમમાં તો હદ થઈ ગઈ. જો નામનો એક વિદ્યાર્થી એને પાંચ-દસના ટોળા સાથે સદ્ગુરુનો હુરિયો બોલાવવા બેઠો હતો. મંચ પર જે ત્રણ સંચાલક હતા એમની સાથે પહેલેથી જ નાટક નક્કી થયુ હતું. એમ લાગે કે હિન્દુ સંસ્કૃતિની મજાક ઉડાવવા અને સદ્ગુરુને ભિડવવા માટે જ આખી ગૅંગ આવી છે. પેલા જો એ સદ્ગુરુને ઇશા ફાઉન્ડેશનની ઇ-કોમર્સ વેબસાઇડ સંબંધે કટાક્ષમય પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા. સદ્ગુરુ સમજી ગયા. એમણે એવી કોમેન્ટ પણ કરી કે તમારો પ્રશ્ન હું સમજી નહીં શકું એટલો મૂર્ખ નથી. આમ છતાં એમણે શાંતિથી અને લોજીક સાથે જવાબ આપ્યો. ત્યાર પછી પેલા જોને શનિ મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે ચિંતા થઈ અને એ વિશે સવાલો કર્યા એનાં પણ લોજીક જવાબો મળ્યા. સંચાલકોને લાગ્યું કે આ તો આપણા ભૂક્કા નીકળી રહ્યા છે એટલે સવાલ પૂછવા પાછું જોને જ કહ્યું. પેલાએ ફરીથી હિન્દુ સંસ્કૃતિ વિશે એલફેલ સવાલો ચાલુ કર્યા એટલે જવાબ આપતી વખતે સદ્ગુરુએ એમ કહ્યું કે, તમને આપણા દેશની સંસ્કૃતિનું જ્ઞાન લાગતું નથી, તો પેલાએ નફ્ફટ થઈને કહ્યું : હા, કારણ કે ‘હું કેથલિક ખ્રિસ્તી છું!’ જોકે સદ્ગુરુએ ત્યાર પછી એવી વાતો કરી કે સમગ્ર ઓડિયન્સમાં સોપો પડી ગયો. એમણે મેળવેલી જગ્યા ગેરકાયદેસર હોવાનો પ્રશ્ન એક યુવતીએ કર્યો ત્યારે જગ્ગીએ સંપૂર્ણ વિગતો આપીને પેલીને એવી ખખડાવી કે બહેન આ પ્રશ્ન નથી, પરંતુ આક્ષેપ છે અને એ પણ ખોટો ! તું મારી સંસ્થામાં આવ, તપાસ કર, અને જો મારી વાત ખોટી પૂરવાર થાય તો હું બધુ છોડી દેવા તૈયાર છું, પરંતુ તું જો ખોટી પૂરવાર થાય તો શું કરીશ ? પેલીની બોબડી બંધ થઈ ગઈ.
સવાલ – જવાબ સેશન અને ઇન્ટરોગેશનમાં ફેર હોય છે એટલી સાદી સમજ પણ નથી ધરાવતા આવા સ્યૂડો યુવક-યુવતીઓ સાથે સદ્ગુરુ જે રીતે ડીલ કરે છે એ જોયને એમના માટે
માન થયું.
૧૯૫૭ની ૩જી સપ્ટેમ્બરે જન્મેલા સદ્ગુરુ ઉર્ફે જગ્ગી વાસુદેવે યોગ પર ઘણું કાર્ય કર્યું છે. એમણે લખેલા પુસ્તકો બદલ ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’એ સૌથી વધુ વેચાતા લેખકની યાદીમાં એમનું નામ સામેલ કર્યું છે. સદ્ગુરુ ૨૫ વર્ષના હતા ત્યારે એમના ગામ નજીક આવેલા ચામુંડાના ડુંગર પર ચઢી એક પથ્થર પર બેઠા હતા ત્યારે એમને આદ્યાત્મિક અનુભવ થયો અને એમની જિંદગી બદલાઈ ગઈ.
૧૯૯૪માં ‘ઇશા યોગ કેન્દ્ર’ની સ્થાપના કરી. યોગ અને ધ્યાનના પ્રચાર માટે દેશ-વિદેશ ફર્યા. દક્ષિણ ભારતના અંતરિયાળ વિસ્તારમાં ‘ઈશા ફાઉન્ડેશન’ ૨૦ થી વધુ આશ્રમશાળાઓ ચલાવે છે.
એમના કેન્દ્ર પર દરરોજ ૨૦,૦૦૦ થી વધુ લોકો માટે મફત ભોજનની વ્યવસ્થા છે. ડૉક્ટર, વકીલ, સી.એ. જેવા ચાર હજારથી વધુ સ્વયંસેવકોએ સ્વયંભૂ રીતે ઈશા ફાઉન્ડેશનની જવાબદારી ઉપાડી
લીધી છે.
આ બધું તો ઠીક ભાઈ. ખરું કામ તો તેઓ જે હિંમતપૂર્વક માર્ક્સ – માઓવાદીઓના અપ્રચારથી બ્રેઇનવોશિંગ થયેલા યુવાન-યુવતીઓને સત્ય સમજાવી રહ્યા છે એને દાદ આપવાનું છે!