મુંબઈ: આઇપીએલની 17મી સીઝનમાં મુંબઈની છેલ્લી મૅચ શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) વાનખેડેમાં લખનઊ સામે રમાશે. મુંબઈની ટીમ નૉકઆઉટ રાઉન્ડની બહાર થઈ ગઈ છે, લખનઊની નજીવી આશા એની જેમ 12 પૉઇન્ટ ધરાવનાર બેન્ગલૂરુ કરતાં નબળા રનરેટને કારણે ફળીભૂત ન પણ થાય. લખનઊનો -0.787નો રનરેટ છે અને મુંબઈ સામે વાનખેડેમાં જીતે તો પણ બેન્ગલૂરુથી ચડિયાતો કદાચ નહીં થઈ શકે. બેન્ગલૂરુનો 0.387નો રનરેટ છે. આજે મુંબઈની ટીમમાંના આગામી વર્લ્ડ કપના સ્ટાર ખેલાડી રોહિત, હાર્દિક, સૂર્યા, બુમરાહના પર્ફોર્મન્સ પર બધાની નજર રહેશે. ટૂંકમાં, વિશ્ર્વકપ પહેલાં તેમને આજે સારી મૅચ-પ્રૅક્ટિસ કરવા મળશે.
મુંબઈ જો લખનઊ સામેની વાનખેડેની મૅચ જીતશે તો તળિયાના સ્થાનેથી બહાર આવી શકશે. જોકે પંજાબ એની અંતિમ મૅચમાં કેવું રમે છે એના પર પણ આધાર રહેશે.
પંજાબનો હર્ષલ પટેલ બાવીસ વિકેટ સાથે આ સીઝનનો નંબર-વન બોલર બની ગયો છે અને પર્પલ કૅપ તેની પાસે જતી રહી છે. જોકે બુમરાહ શુક્રવારે ત્રણ વિકેટ લઈને એ કૅપ પાછી લઈ શકે એમ છે. જોકે પંજાબની હજી એક મૅચ બાકી હોવાથી ટોચના બોલર બનવાની બાબતમાં છેલ્લું અટ્ટહાસ્ય કદાચ હર્ષલનું રહેશે.
મુંબઈની ટીમ ભલે પૉઇન્ટ્સ-ટેબલમાં લખનઊથી નીચે છે, પરંતુ વાનખેડેમાં 2023ની સીઝનથી મુંબઈનો રેકૉર્ડ સારો છે. મુંબઈનો 13માંથી 8 મૅચમાં વિજય થયો છે એટલે લખનઊએ શુક્રવારે 100-પ્લસ ક્ષમતાથી પર્ફોર્મ કરવું પડશે. જોકે લખનઊનો આ સીઝનમાં હોમ-ગ્રાઉન્ડ પરનો તેમ જ હરીફ ટીમના મેદાન પરનો રેકૉર્ડ સમાન રીતે સારો રહ્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને