ઉત્સવ
સિનેમાની સફર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
(ભાગ બીજો)
સિનેમામાં ઋતુના પ્રકાર
ફિલ્મો પર ઋતુનો અને મોસમ પર ફિલ્મોનો પ્રભાવ પહેલેથી પડતો આવ્યો છે. આમ તો આપણે બધા જ જાણીએ છીએ કે વર્ષની ચાર ઋતુઓ હોય છે. ઠંડી, ગરમી, વરસાદ અને વસંત, પરંતુ ફિલ્મોમાં આ ચારેય ઋતુઓ જેવી દર્શાવવામાં આવે છે એવા જ આ મોસમ હોય એવું આવશ્યક તો નથી. ચાલો તો આપણે જોઈએ કે કેવા હોય છે ફિલ્મોમાં ઋતુઓના પ્રકાર-
શિયાળો
ફિલ્મોમાં સામાન્ય રીતે તો શિયાળાની મોસમ આવતી જ નથી અને આવી જાય તો શિયાળાની મોસમમાં ઠંડી પડતી જોવા મળતી નથી. જો ભૂલેચૂકે ઠંડી પડતી જોવા મળે તો પણ વસ્ત્રો પરથી એવું બિલકુલ જણાતું નથી કે અત્યારે શિયાળાની મોસમ ચાલી રહી છે. હા ક્યારેક કોઈ ગીતમાં નાયિકાના બોલ પરથી ખબર પડે કે ફલાણી ફિલ્મમાં ઠંડી પડી હતી. જેમ કે વર્ષો પહેલાં એક ફિલ્મમાં થોડા સમય માટે ઠંડી પડી હતી અને નાયિકાએ ગીત ગાયું હતું કે ‘મુઝકો ઠંડ લગ રહી હૈ, મુઝસે દૂર તુ ન જા..’ તેના પછી ઘણા વર્ષે બીજી એક ફિલ્મમાં પાછી ઠંડી પડી હતી જ્યારે નાયિકાએ ગીત ગાયું હતું કે ‘સરકાય લે ખટિયા જાડા લગે..’ થોડા સમય પછી બીજી એક ફિલ્મમાં નાયિકાએ ફરી ઠંડીનું ગીત ગાતાં કહ્યું હતું કે ‘દિલ્હી કી સર્દી..’ ત્યાર પછી હજી સુધી ફિલ્મોમાં ઠંડી પડી નથી અને ખબર પણ નથી કે ક્યારે ઠંડી પડશે.
ઉનાળો
ઉનાળો પણ ફિલ્મોમાં ક્યારેક-ક્યારેક જ જોવા મળતો હોય છે અને જ્યારે જોવા મળે ત્યારે એ રણ વિસ્તારમાં જ જોવા મળે છે. ભારતના દરેક ભાગમાં ત્રણ મહિના સુધી જોવા મળતી ગરમી રણ વિસ્તારમાં બારેમાસ જોવા મળે છે અને બાકીના વિસ્તારોમાં પડવાનું ભૂલી જાય છે.
વાસ્તવમાં વાત એ છે કે ફિલ્મમાં નાયક-નાયિકાની આસપાસ ફરતી હોય છે. જ્યારે આખી વાર્તા જ નાયક-નાયિકાની આસપાસ ફરતી હોય ત્યારે ઋતુઓ પણ તેમની જ મરજીથી બદલાશે. જુઓ, ફિલ્મ ચાલે છે સ્ટાર કાસ્ટને કારણે, ઋતુઓને કારણે નથી ચાલતી અને આમેય ગરમીની ઋતુને કારણે તો ક્યારેય નથી ચાલતી. જ્યારે નિર્માતા ઉત્કૃષ્ટ સ્ટાર-કાસ્ટ લઈ રહ્યો છે તો સાથે ઋતુઓ પણ શ્રેષ્ઠ પ્રકારની જ હોવી જોઈએને. ઉનાળા જેવી સડિયલ ઋતુને શા માટે ફિલ્મમાં સ્થાન આપશે?