ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો સતત બાહ્યપ્રવાહ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસાના ઘટાડા સાથે ૮૩.૫૦ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવતાં ઉમેર્યું હતું કે વર્તમાન લોકસભાની ચૂંટણીઓ અને ચૂંટણીના પરિણામોની જાહેરાત પૂર્વે સાવચેતીના અભિગમ વચ્ચે વિદેશી ફંડોનો બાહ્યપ્રવાહ જળવાઈ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં અમુક અંશે રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું બજારનાં અમુક વર્ગનું માનવું છે.
આજે સ્થાનિકમાં સત્રના આરંભે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૪૬ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૪૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૦ અને ઉપરમાં ૮૩.૪૪ની રેન્જમાં અથડાઈને અંતે સત્રની નીચી ૮૩.૫૦ની સપાટીએ જ બંધ રહ્યો હતો.
એકંદરે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના ઘટ્યા મથાળેથી સાધારણ ૦.૦૬ ટકાના સુધારા સાથે ૧૦૪.૪૦ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩૩ ટકા ઘટીને બેરલદીઠ ૮૨.૪૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાના નિર્દેશ હતા. વધુમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૬૭૬.૬૯ પૉઈન્ટનો અને ૨૦૩.૩૦ પૉઈન્ટનો ઉછાળો આવ્યો હોવાથી રૂપિયાને ટેકો મળ્યો હોવા છતાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૮૩૨.૮૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ જ જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.