સ્થાનિક સોનું ₹ ૫૦૪ ઉછળીને ₹ ૭૩,૦૦૦ની પાર, ચાંદીમાં ₹ ૧૭૨૫ની ઝડપી તેજી
રેટ કટના આશાવાદે વૈશ્ર્વિક સોનું એક મહિનાની અને ચાંદી ત્રણ વર્ષની ટોચે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે અમેરિકાના જાહેર થયેલા એપ્રિલ મહિનાના ફુગાવામાં અપેક્ષા કરતાં ધીમી ગતિએ વૃદ્ધિ થતાં ફેડરલ રિઝર્વ વહેલામાં વહેલા સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે સુધારો આગળ ધપ્યો હતો અને ભાવ એક મહિનાની અને ચાંદીના ભાવ વધીને ત્રણ વર્ષની ટોચે પહોંચ્યાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૨થી ૫૦૪નો ઉછાળો આવ્યો હતો અને ભાવ રૂ. ૭૩,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. તેમ જ વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસદીઠ ૨૯.૫૦ ડૉલરની સપાટી કુદાવી ગયાના અહેવાલે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં કિલોદીઠ રૂ. ૧૭૨૫નો ઝડપી ઉછાળો આવી ગયો હતો અને ભાવ રૂ. ૮૬,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૭૨૫ વધીને રૂ. ૮૬,૨૩૦ના મથાળે રહ્યા હતા. જોકે, ચાંદીમાં ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહી હતી. વધુમાં આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે તેજીનો અન્ડરટોન જળવાઈ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૨ વધીને રૂ. ૭૩,૧૪૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦૪ વધીને રૂ. ૭૩,૪૩૮ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોની લેવાલી પાંખી રહેવાની સાથે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે ફુગાવાની જાહેરાત પશ્ર્ચાત્ ફેડરલ રિઝર્વ દ્વારા વહેલાસર વ્યાજદરમાં કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવે તેવા આશાવાદે સોનાના ભાવ ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ સુધારા સાથે ઔંસદીઠ ૨૩૮૪.૦૭ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા વધીને ૨૩૯૬.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં ગઈકાલે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવ ફેબ્રુઆરી, ૨૦૨૧ પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે વધ્યા મથાળેથી ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૯.૬૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલ સોનાના ભાવમાં મોટો ઉછાળો આવી ગયો હોવાથી રોકાણકારોનું ચાંદીમાં આકર્ષણ વધુ રહે તેમ હોવાથી વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં ભાવ વધીને ૩૧ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા એએનઝેડનાં વિશ્ર્લેષકે એક નોટ્સમાં જણાવ્યું છે. વધુમાં આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેવાની સાથે બૉન્ડની ઊપજ પણ ઘટીને એક મહિનાની નીચી સપાટીએ પહોંચતા સોનાની તેજીને ટેકો મળ્યો છે.
તાજેતરમાં ફુગાવામાં વૃદ્ધિ ધીમી પડી રહી હોવાથી વ્યાજદરમાં કપાતની શક્યતા પ્રબળ થવાથી આ ટૂંક સમયમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની સપાટીએ પહોંચે તેવી શક્યતા કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટે વ્યક્ત
કરી છે.