બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 99.70 ટકા સાથે ટોપર વિદ્યાર્થિનીનું બ્રેઈન હેમરેજથી નિધન, પરિવારે કર્યું અંગદાન

મોરબી: ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 11મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડની આ પરીક્ષામાં મોરબીની એક તેજસ્વી વિદ્યાર્થિની હિર ઘેટીયા ધોરણ 10ના રિઝલ્ટમાં 99.7 ટકા અને ગણિત વિષયમાં 100માંથી 100 માર્કસ મેળવ્યા હતા. હિર ઘેટીયાને બ્રેઈન સ્ટોક આવ્યા બાદ મગજનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. જો કે એક જ મહિનામાં ફરી તબિયત લથડી હતી અને અંતે તેણે દુનિયામાંથી ચીર વિદાય લીધી હતી. દીકરીના નિધન બાદ પિતાએ કઠણ કાળજું કરી લાડકવાયી દીકરીનું દેહદાન કરવા નિર્ણય કરી અન્ય 15 લોકોના જીવનમાં આશાના અજવાળા કર્યા છે.
મળતી વિગતો મુજબ, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પ્રફુલભાઇ ઘેટીયાના પરિવાર ઉપર જાણે વજ્રઘાત થયો હોય તેમ ધોરણ-10માં ભણતી વ્હાલસોયી દીકરી હિર અવલ્લ નંબરે પાસ થઇ ડોક્ટર બનવાનું સ્વપ્ન જોતી હતી અને અચાનક જ બ્રેઇનસ્ટોક આવી જતા હિર કોમામાં સરી પડી હતી જે બાદ મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ તેની તબિયત સારી થતા હોસ્પીટલમાંથી રજા આપી તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા, પરંતુ ઘરે ગયા પછી તેનેઅચાનક શ્વાસ અને હૃદયની તકલીફ થતા તાત્કાલિક તેમને ફરી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી.
હીરને શ્વાસ લેવામાં અને હૃદયની તકલીફ થતાં રાજકોટની ટ્રસ્ટ સંચાલિત બીટી સવાણી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં મગજના એમઆરઆઈ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે હીરના મગજનો 80 થી 90 ટકા ભાગ કામ કરતું બંધ થઈ ગયું હતું અને સઘન સારવાર આપવામાં આવી હતી. ડોક્ટરોની 8 થી 10 દિવસની મહેનત પછી પણ હીરની સ્થિતિમાં સુધારો થયો ન હતો અને 15 મેના રોજ હીરના હૃદયે પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને હીરને બચાવી શકાઈ નહોતી. હીરના નિધન બાદ તેના પરિવારે શરીર અને અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. પરિવારે ન માત્ર હીરની બંને આંખોનું દાન કર્યું હતું, પરંતુ મેડિકલ કોલેજમાં મેડિસિન પ્રેક્ટિસ કરતા ભાવિ ડોકટરોને તેમના અભ્યાસમાં મદદ કરવા માટે હીરનું શરીર પણ દાનમાં આપવામાં આવ્યું હતું. નાની ઉંમરની દીકરી હોવા છતાં માતા-પિતા દ્વારા ખૂબ જ કઠિન એવો ચક્ષુદાન અને દેહદાનનો નિર્ણય લેવામાં લઇ સમાજ ને પ્રેરણા રૂપ દાખલો બેસાડ્યો હતો.હીરના પરિવારજનોના જણાવ્યા મુજબ દીકરી ડૉક્ટર નહીં બની શકે, પણ જે વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવા જઈ રહ્યા છે તેમને દીકરી મદદરૂપ થશે.
હીરના પરિવારમાં શોકનો માહોલ છે. તે આટલા સારા માર્ક્સ સાથે પાસ થઈ હતી અને બધાને લાગતું હતું કે હીર ડોક્ટર બનીને પરિવારનું ગૌરવ વધારશે. પરંતુ હીર તેનું પરિણામ પણ જોઈ શકી નહીં. તેણે આખા વર્ષ માટે કરેલી મહેનતનું પરિણામ પણ તે જોઈ શકી નહીં. હીરના પરિવાર દ્વારા તેમના અંગોનું દાન કરીને સમાજ પ્રત્યે જે વલણ દાખવવામાં આવ્યું છે તે એક ઉદાહરણ છે અને તેનાથી વધુ લોકોને તેમના અંગોનું દાન કરવાની પ્રેરણા મળશે અને ભવિષ્યમાં ઘણા લોકોના જીવન બચાવવામાં મદદ મળશે.