કલ્પનાથી પણ ચડિયાતી હકીકતસભર કથા હવે રૂપેરી પડદે
વિશેષ -ડી. જે. નંદન
બોલીવૂડમાં આજકાલ રાજકુમાર રાવ અભિનિત ફિલ્મ શ્રીકાંતની ચર્ચા ચારેકોર થઇ રહી છે. હાલમાં તમામ લોકો માત્ર રાજકુમારની જ વાત કરી રહ્યા છે અને શું કામ ન કરે? કારણ કે રિયલ લાઈફની કથા રીલ લાઈફમાં આબેહૂબ ઊતરી છે. એક એવી રિયલ વાર્તા, જેના એક એક શબ્દ લાગણી અને રોમાંચ ભરી દે છે કે લોકો પરેશાન થઇ જાય. તો આ ફિલ્મ મોટા પરદા પર દર્શકોને જકડી શા માટે નહીં રાખે? આમ પણ રાજકુમાર રાવ પોતાની અદ્ભુત અને જીવંત અભિનયક્ષમતા માટે જાણીતો છે. એના પર હવે ‘અંધા હૂં, લેકિન દેખ સકતા હૂં… સપનેં’ જેવા કાળજું કંપાવી દે એવા ડાયલોગ હોય તો ફિલ્મ શા માટે આકર્ષણ ઊભું નહીં કરી શકે. જોકે સામાન્ય રીતે બાયોપિક કે પછી સત્ય હકીકત ધરાવતી વાર્તાઓ પર ફિલ્મો બનતી રહેતી હોય છે, એમાં થાય છે એવું કે ફિલ્મો હકીકતથી અનેક ગણી વધુ ભાવુક અને પરીકથા જેવી લાગતી હોય છે.
…પણ શ્રીકાંતના મામલામાં થોડું ઊંધું છે. આ એક એવી પરીકથા છે જે પડદાથી વધુ તેને હકીકતમાં ભાવુક બનાવતી હોય છે. અનેક વાર હેરાન થવાનો વારો છે જ્યારે ફિલ્મ કે પછી લેખન જેવા માધ્યમથી હેરાન કરતી અમુક ઘટનાઓ સામે ન આવે તો શું તમે એવું માનશો કે ખરેખર આવું પણ બન્યું હશે? એક એવો હોશિયાર વિદ્યાર્થી જેને ૧૨મામાં કોઇની પણ મદદ વિના ૯૮ ટકા મળે છે અને ભારતીય ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં એડમિશન માટે ફાંફાં મારતો હોય છે, પણ તેને આઈઆઈટી એડમિશન આપતી નથી અને પછી એવું બને છે કે એ વિદ્યાર્થીને સૌથી મોટી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મેસેચ્યુસેટ્સ ઓફ ટેક્નોલોજી એમઆઈટી, એડમિશન આપે છે અને આ વિદ્યાર્થી દુનિયાનો પહેલો દૃષ્ટિહીન વિદ્યાર્થી બને છે.
શ્રીકાંત એ જ બોલ્યો હતો જે પૂરી રીતે નેત્રહીન છે, પણ અમેરિકાના જોરદાર કેરિયરના પ્રસ્તાવને ઠુકરાવીને હિંદુસ્તાનના જરૂરિયાતમંદ લોકોને રોજગારી આપીને સાબિત કરી દે છે કે જો મનમાં તમે ઈરાદો રાખો તો કોઇ પણ શારીરિક ખામી એટલી મોટી નથી હોતી કે તમારી સફળતાને રોકી શકે.
આમ તો અગાઉના બે દાયકામાં બોલીવૂડમાં ડઝન જેટલી બાયોપિક બની ચૂકી છે. પણ શ્રીકાંત એક યુવા ઉદ્યોગપતિ પર તુષાર હીરાનંદાનીના નિર્દેશનમાં ફિલ્મ શ્રીકાંત બની છે. આવી આકર્ષિત કરતી અન્ય કોઇ બાયોપિક આ પહેલાં નથી બની. મછલીપટ્ટનમ શહેરના શ્રીકાંત વિશે દરેક ભારતીયએ જાણવા જેવું છે. એ એક યુવા ઉદ્યોગપતિ છે જે પોતાની પ્રેરક કથાથી નિર્જીવને પણ પ્રેરિત કરી શકે છે.
૭મી જુલાઈ, ૧૯૯૧ના આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમ શહેરના સીતારપુરમના એક તેલુગુભાષી પરિવારમાં જન્મેલા શ્રીકાંત બોલા જન્મથી જ નેત્રહીન હતા. જોકે આ વાત શ્રીકાંતના જન્મ સમયે તેનાં માતા-પિતાને ખબર નહોતી, પણ જ્યારે તેમને માલૂમ પડે છે કે શ્રીકાંત નેત્રહીન છે તો તેના પિતાનું દિલ એટલું તૂટી ગયું કે શ્રીકાંતને જીવતો જ દફનાવી દેવા માગતા હતા. જોકે માનાં આંસુના કારણે પિતાએ ઝૂકવું પડ્યું હતું. શ્રીકાંતનું બાળપણ અનેક સંકટો સાથે વીત્યું. માટીનું ઘર હતું અને રોજગારીના નામે પિતાનો અસુરક્ષિત ખેતીનો વેપાર હતો. ઘરમાં વીજળી નહોતી, જીવવા માટે ઓછી સુવિધાઓ હતી અને શિક્ષણ એટલે વૈભવ મનાતું હતું. આ તમામ બાબતોથી પાર ઊતરીને શ્રીકાંતે મેટ્રિક પાસ કરીને સાયન્સ વિષયમાં રસ દાખવ્યો ત્યારે કોલેજમાં પ્રોફેસરોએ જ નહીં તેના સાથેના વિદ્યાર્થીઓએ પણ તેની મશ્કરી ઉડાવી હતી. આ સમયે બધાએ તેને એવી શીખ આપી કે એ સંગીતનું ભણે, જે મોટા ભાગના નેત્રહીનો ભણતા હોય છે. ભણ્યા બાદ તે સ્કૂલમાં આંધળા સંગીતકારની નોકરી મેળવી લે.
શ્રીકાંતને સાયન્સ જ ભણવું હતું એટલે એ ટસનો મસ ન થયો. કોલેજોએ જ્યારે તેનું એડમિશન ન કર્યું તો શ્રીકાંતે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં અને છ મહિના બાદ કોર્ટે કોલેજોને ચેતવણી આપીને શ્રીકાંતને એડમિશન આપવા માટે મંજૂરીની મહોર મારી હતી. શ્રીકાંતને મંજૂર કરવામાં આવ્યો અને ૧૨મા ધોરણનું જ્યારે પરિણામ આવ્યું ત્યારે તેને ૯૮ ટકા આવ્યા.
હવે નવો સંઘર્ષ. શ્રીકાંત દેશની કોઇ આઈઆઈટી ઈન્સ્ટિટ્યૂટમાં ભણવા માગતો હતો, પણ ભારતીય ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ તેને પ્રવેશથી વંચિત રાખ્યો. અંતે તેને અમેરિકાની એમઆઈટીના સ્લોઅન સ્કૂલ ઓફ મેનેજમેન્ટથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં બેચલરની ડિગ્રી મળી. શ્રીકાંત અમેરિકામાં પહેલો આંતરરાષ્ટ્રીય નેત્રહીન વિદ્યાર્થી હતો, પણ અમેરિકાની શિક્ષણવ્યવસ્થાએ તેની ખૂબ જહેમત ઉઠાવી. જ્યાં સુધી શ્રીકાંત અમેરિકામાં ભણ્યો, એક વાર પણ તેને એવો અહેસાસ નહીં થયો કે એ કોઇનાથી ઓછો ઊતરે છે. શ્રીકાંતને ન તો તેની શારીરિક ખોડખાંપણની કે ન તો તેને આર્થિક સામાજિક સરહદો અંગે ધ્યાન ખેંચવામાં આવ્યું. ભણતર બાદ અમેરિકાએ તેને પોતાની ઊજળી કારકિર્દીની સંભાવનાઓની શરૂઆત કરવાની પ્રપોઝલ આપી. જોકે શ્રીકાંતે ખૂબ જ વિનમ્રતા સાથે તેને ના પાડી દીધી.
ખરેખર તો શ્રીકાંત પોતાના જેવા વિકલાંગથી પીડિત છોકરાઓનાં ભવિષ્ય માટે કંઇક કરવા માગતો હતો. ૨૦૧૧માં અમેરિકાથી પાછા ફરીને શ્રીકાંતે સૌથી પહેલાં કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના કરી, જેમાં એક પ્રિન્ટિંગ પ્રેસ ખોલ્યું જે વિકલાંગ વિદ્યાર્થીઓ માટે આશરો અને સહાય બની રહે. ૨૦૧૨માં શ્રીકાંતે બોલેંટ ઈન્ડસ્ટ્રીઝની શરૂઆત કરી, જે રતન તાતાના ફંડિંગ આધારિત સોપારી આધારિત ઉત્પાદન બનાવે છે અને ૫૦૦થી વધુ વિકલાંગોને રોજગાર ઉપલબ્ધ કરાવે છે. આજે રૂ. ૫૦૦ કરોડથી વધુનો પોતાનો વ્યવસાય ઊભો કરનાર શ્રીકાંત રોજગાર, અર્થશાસ્ત્ર અને પર્યાવરણ અનુકૂળ તેમ જ પુન: નવીનીકરણ ક્ષેત્રે નવી નવી પ્રકારના ડિસ્પોઝેબલ ઉત્પાદન બનાવે છે. આ સાથે જ વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને તેને યોગ્ય બનાવે છે.
શ્રીકાંતની કંપનીએ અસાધારણ પ્રગતિ કરી છે. સ્થાપના બાદ દર મહિને સરેરાશ ૨૦ ટકા લાભ કમાઇ રહી છે અને ૨૦૧૮-૧૯માં કંપનીએ રૂ. ૧૫૦ કરોડનો ચોખ્ખો નફો રળ્યો હતો. શ્રીકાંતનું લક્ષ્ય છે કે ૨૦૩૦માં તે પોતાની કંપનીમાં ૧૦૦૦ વિકલાંગોને રોજગારી આપે. શ્રીકાંતને ફોર્બ્સ મેગેઝિને ૨૦૧૭માં ૩૦ વર્ષની ઓછી ઉંમરના સૌથી પ્રભાવશાળી ત્રણ યુવાનોમાંનો એક માન્યો છે. થોડા દિવસ પહેલાં તેની ફિલ્મ શ્રીકાંતનું ટ્રેઈલર લોન્ચ થયું હતું, એ સમયે એણે ટી-સિરીઝ કંપનીને યાદ કરી હતી કે કેવી રીતે તેના પાંચમાથી દસમા ધોરણના ભણતર માટે મદદ કરી હતી. સફળ લોકોના જીવન પર બનતી ફિલ્મ હંમેશાં સફળ જ રહેતી હોય છે. આ ફિલ્મમાં વાસ્તવિકતા પણ વધુ ભાવનાઓની વાત છે, પણ શ્રીકાંતની વાસ્તવિક વાર્તા તો અનેક કલ્પનાઓથી પણ વધુ ભાવુક અને રોમાંચ પેદા કરનારી છે. આ માટે જ શ્રીકાંત આ ફિલ્મ પછી સૌથી સફળ અને સર્વાધિક લોકપ્રિય યુવા ઉદ્યોગપતિના રૂપે દેશ, દુનિયામાં નામ કમાશે તો આશ્ર્ચર્ય પામવા જેવું નથી.