સિરિયલ બ્લાસ્ટ
ટૂંકી વાર્તા -હેમંત ગોહિલ
ન્યૂઝ સાંભળતા જ જાહ્નવીનું સમગ્ર ચેતનાતંત્ર ખળભળીને પળવારમાં તો જમીનદોસ્ત થઈ ગયું! અને કેમ ન થાય?
સમાચાર જ લાર્જ રિક્ટર સ્કેલ જેવા હતા. ચેનલ ‘ન્યૂઝ હર ઘડી’માં બ્રેકિંગ ન્યૂઝ ફ્લેશ થયા કે શહેરના પશ્ર્ચિમ વિસ્તારમાં આવેલા ગુડહોપ ટ્રેડ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ટી કેન્ટીનમાં બૉમ્બબ્લાસ્ટ થયો છે જેમાં બેનાં સ્થળ ઉપર જ મૃત્યુ થયા છે અને ચાર સિરિયસ છે.
જાહ્નવી અંદરથી ધ્રૂજી ગઈ. નખથી શિખા સુધી ત્વરિત ગતિથી પસાર થઈ ગયેલી કંપારીએ ભય કેટલો ભયાનક હોય છે એ જાહ્નવી બતાવી દીધું. તેણે ધડકતા હૃદયે અને ધ્રૂજતા હાથે વીજળીક ગતિથી સુકેતુને ફોન જોડ્યો. કોલર રિંગમાં બે-ત્રણ વાર બિપ-બિપ અવાજ પછી ફોન કટ થઈ ગયો. જાહ્નવીા શરીરે પરસેવો વળવા માંડ્યો. ફરીથી કોલ કર્યો. ફરી વાર બિપ… બિપ… કટ.
જાહ્નવી સોફામાં ફસડાઈ પડી. તેણે ઘડિયાળમાં નજર કરી. સાંજના સાત થવા આવ્યા હતા. બહારનો અંધકાર ધીમે ધીમે ઘરમાં આવવો શરૂ થઈ ચૂક્યો હતો.
સુકેતુની ઑફિસ દરરોજ છ વાગ્યે બંધ થતી, પરંતુ ગુડહોપ ટ્રેડ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી ટી કેન્ટીનમાં સાડા છ સુધી બેસીને મિત્રવર્તુળ સાથે ટી-પાર્ટી માણવાનો સુકેતુનો વર્ષો જૂનો શિરસ્તો હતો. બૉમ્બબૉસ્ટ પણ છને બાર મિનિટે થયો હતો. જાહ્નવીએ ફરી એકવાર કોલ કરવા મોબાઈલ હાથમાં લીધો ત્યાં જ સ્ક્રોલ પર મૃતકોના ફ્લેશ થયા. ધમણની જેમ ચાલતા શ્ર્વાસો ઘડીભર તો જાણે થંભી ગયા અને પાષાણ આંખોની જેમ નજર સ્થિર થઈ ગઈ. ટીવી સ્ક્રીન ઉપર ગતિ કરતા સ્ક્રોલ પર મૃતકોનાં નામમાં એસ. બી. કર્ણિક નામ વાંચતા જ જાણે કે પગ તળે એક ભયંકર બ્લાસ્ટ થયો. તેના સમગ્ર અસ્તિત્વના જાણે કે ચીંથરા ઊડી ગયા. પળવારમાં અદૃશ્ય થઈ જતા સ્ક્રોલની જેમ જ સુકેતુ ચાલ્યો ગયો? આંખમાંથી આંસુની ધાર વછૂટી ગઈ. ગળામાં અટકી પડેલું ડૂસકું આંસુની સાથે બહાર ધસી આવે એ પહેલાં જ જાહ્નવીએ જાતને સંભાળી. સ્ટડીરૂમમાં અભ્યાસમાં રત અર્ધ્ય અને નાનકડી આશ્ર્લેષાને હું હમણાં જ આવું છું કહી ઝડપભેર એક્ટિવા લઈ હૉસ્પિટલ તરફ રવાના થઈ ગઈ.
આજનો શનિવાર જ કંઈક અપશુકનિયાળ ઊગ્યો હતો. જાહ્નવી આખા રસ્તે વિચારતી રહી. સાચું કહીએ તો મનેકમને એનાથી વિચારાતું રહેવાયું. દિવસભરમાં સ્વાભાવિક લાગેલી એ ઘટનાઓમાં હવે અમંગળ ઘટનાના એંધાણ દેખાવા લાગ્યા. બપોરે શાળાએ જતી વખતે સ્કૂલ રિક્ષા સુધી પહોંચતામાં આશ્ર્લેષા પડી. હોઠે થોડું વાગ્યું. કામવાળીએ પણ ટોઈલેટ સાફ કરતી વખતે ઍસિડની બોટલ ફોડી. કોઈ દિવસ નહીં ને આજે પહેલી વાર અર્ધ્યને ટીચરનો ઠપકો મળ્યો. શી ખબર શું થયું કે શાંત મિજાજી અર્ધ્ય, એના ક્લાસના એક સહપાઠીને મારી બેઠો. કપડાં સૂકવતી વખતેય કામવાળી ફરિયાદ લઈને આવી કે બહેનજી, કપડાં સૂકવવાનો તાર તૂટી ગયો અને બધાં જ કપડાં હેઠાં પડયાં. બંગલાના પાછળના ભાગની ફર્શ ઉપર લોહીના ડાઘ જોવા મળ્યા હતા. કામવાળીએ કહ્યું હતું: ‘બહેનજી, બિલાડાએ મારણ-બારણ કર્યું લાગે છે. બીજાના ઘરેથી મારણ કરીને આપણે ત્યાં ખાધું હશે તો ભાયગ ખૂલી જશે તમારાં, બહેનજી! પણ આપણા ઘરેથી મારણ કરીને કર્યું હશ તો…’
‘તો શું? બોલને.’ જાહ્નવીએ હસતાં હસતાં જ પૂછ્યું હતું.
‘તો ઘરમાં કંઈક વિઘન આવે.’
‘વિઘનવાળી, માણસ ચંદ્ર ઉપર પહોંચ્યો છે તોય હજી તું તો તારા કૂંડાળામાંથી બહાર જ નીકળતી નથી? હવે, ડોલ અને પાણી લે ન સાફ કરી નાખ ડાઘ ને સાંભળ, ફર્શની સાથે સાથે તારા દિમાગના ડાઘનેય સાફ કરજે’, કહી જાહ્નવી હસતી હસતી રસોડામાં વળી ગઈ. કામવાળીની એ વાત યાદ આવતા તો જાહ્નવીને કંપારી આવી ગઈ.
સિવિલ હૉસ્પિટલમાં લોકોનું જાણે કીડિયારું ઊભરાયું હતું. ચિંતાગ્રસ્ત ચહેરે હાંફળાંફાંફળાં થઈ લોકોનાં ટોળાં અહીંતહીં દોડતા હતાં. ઘાયલ લોકોના ઊંહકાર અને સ્વજનોના આક્રંદ વાતાવરણને વધારે ગમગીન બનાવતાં હતાં. કેટલાક લોકોનાં કપડાં લોહીથી લથબથ હતાં તે જોતાં તો જાહ્નવીના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. ઊભરાઈ ગયેલા પાર્કિંગ ઝોનમાં એક્ટિવાને જેમતેમ સ્ટેન્ડ પર ઊભું રાખતી કોલાહલ અને બુમરાણને ચીરતી જાહ્નવી છેક હૉસ્પિટલના ચીફ સુધી ક્યારે પહોંચી ગઈ એનું પણ ભાન ન રહ્યું. મૃતક એસ. બી. કર્ણિકની વાઈફ હોવાની ઓળખાણ આપી ડેડબોડી જોવાની પરવાનગી લઈ લીધી.
મૃતકોને હૉસ્પિટલના સ્પેશ્યલ કોલ્ડ રૂમમાં રખાયા હતા. ડોરકીપર ચહેરાની એકેય રેખાને વિચલિત થવા દીધા વગર પૂરી સ્વસ્થતાથી બારણા પાસે જ ઊભો હતો. પ્યુન હજી પરમિશન લેટર લઈને આવ્યો ન હતો. ડોરકીપરને જાહ્નવીને દરવાજા સામેની બેંચ ઉપર બેસવા કહ્યું. અંદરથી થાકી ગયેલી જાહ્નવી સીધી જ બેંચ ઉપર બેસી પડી. અનિમેષ નજરે બંધબારણાને તાકી રહી.
‘હવે તો તું બોલાવીશ ત્યારે જ ઘરે આવીશ.’ સુકેતુના એ શબ્દો યાદ આવ્યા.
આવું તો ઘણી વાર બનતું. સુકેતુ રિસાયેલો જ જાગ્યો હોય. સવાર સવારમાં જ મોઢું ચડાવીને ફરતો હોય. વાતચીતમાંયે ટૂંકા જવાબોથી ઉત્તર વાળી દે. ઑફિસનો ટાઈમ થતાં મૂગે મોઢે લૂસ લૂસ જમીને ચાલી નીકળે. જતી વખતે ‘બાય’ કહેવાનુંય માંડી વાળે, પરંતુ આશ્ર્લેષાને તો અવશ્ય વેવ કરે.
આજે પહેલી વાર એવું બન્યું કે સુકેતુ જમ્યા વગર જ ચાલ્યો ગયો અને આશ્ર્લેષાને પણ અવગણી.
રાતભર ગોરંભાઈ રહેલા આકાશ પછી ઊઘડેલી ખુલ્લી સવારમાં જાહ્નવી સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર નીકળી. પીઠ પર ઢળેલા ભીના વાળને હળવેકથી ઝાટકતી જાહ્નવી પડખેથી પસાર થઈ ત્યારે ભીની અને માદક ખુશ્બૂએ સુકેતુને જગાડી દીધો. સુકેતુએ જાહ્નવીનો હાથ પકડી પલંગમાં ખેંચી. ભીના ભીના વાળને પસવારતો સુકેતુ બોલ્યો: ‘ક્યારે વરસો છો હવે, વાદળી? દિવસોથી દુકાળ પડ્યો છે. અષાઢના દિવસોય હવે પૂરા થવા આવ્યા.’
‘હવે શરમ આવવી જોઈએ. જાગતાંવેંત ભગવાનનું નામ નથી યાદ આવતું? જાહ્નવી સુકેતુની પકડમાંથી વછૂટતા બોલી. સુકેતુનો ચહેરો પથારીની ચોળાયેલી ચાદર જેવો થઈ ગયો. જાગીને કલાક સુધી ન્યૂઝપેપરમાં મોઢું નાખીને મૂગે મોઢે વાંચતો રહ્યો. ચા પીતી વખતે પણ ખાસ કાંઈ બોલ્યો નહીં.
‘બોલ, આજનું પ્રોમિસ?’ હેન્ગર ઉપરથી શર્ટ ઉતારી પહેરતાં સુકેતુ બોલ્યો.
‘આજેય નહીં ને કાલેય નહીં,’ જાહ્નવીએ ડિંગો બતાવ્યો.
‘તો હવે તુંય સાંભળી લે, તું પ્રોમિસ કરીને બોલાવીશ ત્યારે જ ઘરે પાછો આવીશ’, સુકેતુએ મજબૂતાથી બેલ્ટ બાંધતા ઉમેર્યું.
‘ભલે,’ જાહ્નવી હળવું હસી.
‘સાચું કહું છું જાહ્નવી, નહીં આવું,’ ટાઈને ગળામાં એડજસ્ટ કરતાં સુકેતુ બોલ્યો.
‘રાતે ખૂબ સારી રીતે ઊંઘી શકાશે,’ કહેતી જાહ્નવી રસોડામાં વળી ગઈ ને ચૂલા પર મૂકેલા તેલમાં છમકારો બોલાવ્યો.
જમવાના સમયે ડાઈનિંગ ટેબલ પર જમવાનું તૈયાર કરી સુકેતુના રૂમમાં નજર કરી તો સુકેતુ નહોતો. તેણે કરેલા સ્પ્રેની હળવી ખુશ્બૂ કેવળ ઘૂમરાઈ રહી હતી. બારીનો પડદો ખસેડી બહાર જોયું તો પાર્કિંગમાંથી ગાડી કાઢી સુકેતુને ઝડપભેર ગાડી હંકારી જતા જોયો. પડદાને આડો કરતાં જાહ્નવી મનમાં બબડી: ‘હજીય એવો ને એવો જ રહ્યો. ભલે ગયો, સાંજે આવીને એ જ શરૂઆત કરશે… જાહ્નવી…’
‘જાહ્નવી…’ એક પરિચિત અવાજ આવ્યો. જાહ્નવી વિચારવમળમાંથી બહાર આવી. ભીની થઈ ગયેલી નજર સાથે અવાજની દિશામાં જોયું સામે જાનકી ઊભી હતી. તેની આંખોમાં પણ પાણી હતું. સુકેતુ વિશેના બેડ ન્યૂઝની ખબર એને પણ પડી ગઈ કે શું? જાહ્નવી ઊભી થઈને જાનકીને વળગી પડીત જાહ્નવીને લાગ્યું કે જાનકી ખરેખર મારા દુ:ખમાં ભાગ પડાવવા આવી છે. જાહ્નવીને થોડું સારું લાગ્યું.
‘જાનકી’ હું હવે…’ કહેતાં જાહ્નવીથી અત્યાર સુધી રોકી રખાયેલું ડૂસકું છૂટી ગયું. તે ચોધાર આંસુએ રડી પડી.
‘ડોન્ટ ક્રાય જાહ્નવી, રડવાથી દુ:ખ દૂર ન થાય. હિંમતથી સામનો કરવો જોઈએ. તું જ કહેતી હતી કે દુ:ખથી ડરી જઈએ તો દુ:ખ વધારે ડરાવે, પરંતુ દુ:ખનો હિંમતપૂર્વક સામનો કરીએ તો એ ઊભી પૂંછડીએ ભાગે. ક્યાં ગઈ તારી એ ફિલસૂફી’
‘પણ… આવી પરિસ્થિતિમાં કેમ હિંમત રાખવી, જાનકી! હું સાવ એકલી થઈ ગઈ’, પોતાના દુપટ્ટયા વડે આંખોને લૂછતાં જાહ્નવી બોલી.
‘હું તારી સાથે જ છું.’ કહેતા જાનકીની આંખમાં પણ પાણી ઊભરાયું.
‘જાનકી, હું કેવી કમભાગી કે આજે છેલ્લી વેળાએ મેં સુકેતુને સરખો જોયોય નહીં ને એની સાથે હસીને વાત પણ કરી નહીં.’
‘તેં કેમ માની લીધું કે એ સુકેતુ જ હોઈ શકે?’ બોલતી વખતે જાનકીની જીભનો લોચો વળી ગયો, પરંતુ જાહ્નવીને એ પ્રશ્ર્ન વખતે ગમ્યું હોય એવું લાગ્યું.
‘ન્યૂઝના સ્ક્રોલ પર વાંચ્યું.’
‘સુકેતુનું નામ સ્પષ્ટ હતું!’ જાનકીએ ઝડપથી પૂછી નાખ્યું અને વળતો જવાબ સાંભળવા આંખ અને કાન બંને અધીરાં બની ગયાં.
‘ના.’
‘તો…!’
‘એસ. બી. કર્ણિક.’ જાહ્નવીનો આ જવાબ સાંભળતા જાનકીથી હળવો નિ:શ્ર્વાસ મુકાઈ ગયો. જાનકી કશું ન બોલી. છેલ્લો જવાબ સાંભળતા જાનકીના ચહેરા ઉપર ઊપસી આવેલી વિષાદી રેખાઓ જોતાં જાહ્નવીના દિમાગમાં અચાનક ચમકારો થયો. તે જાનકીની બાથમાંથી છૂટી. હૃદયનો ભાર અડધો હળવો થઈ ગયા જેવું લાગ્યું.
જાનકીનો હસબન્ડ સૌમ્ય પણ સુકેતુની સાથે જ એની ઓફિસમાં કામ કરતો હતો. તેના નામનું શોર્ટફોમ પણ એસ. બી. કર્ણિક જ હતું. એ સમજતાં જાહ્નવીને વાર ન લાગી.
પોતાનું ગણી લીધેલું દર્દ પારકું પણ હોઈ શકે. જાહ્નવીને અહીં બેઠેલી જોતાં જ જાનકીએ જે અનુભવી લીધું હતું તે છેક અત્યારે જાહ્નવીએ અનુભવ્યું.
ન થવું જોઈએ છતાં સ્વાર્થી બનીને જાહ્નવીથી અંદરખાને થોડું રાજી થઈ જવાયું.
જાનકીના ચહેરા ઉપર હવે ગ્લાનિ સ્પષ્ટ વંચાતી હતી. જાહ્નવીએ જાનકીનો હાથ પકડી બેંચ ઉપર બેસાડી. બંનેની આંખો બંધબારણાની પેલે પાર જઈને ઠંડાગાર ડ્રોઅરમાં રખાયેલ ડેડબોડીની ઓળખ વિશે અટકળ કરતી રહી. બારણું ખૂલતાં જ બેમાંથી એકના જીવનમાં પ્રચંડ બ્લાસ્ટ થવાનો હતો. હાલ પૂરતું બંને વચ્ચે વહેંચાયેલું દર્દ હમણાં જ સરવાળો થઈને કોઈપણ એકની ઉપર ત્રાટકવાનું હતું. કોણ એનો ભોગ બનશે અને કોણ કોને સાંત્વના આપશે? એ અટકળો વચ્ચે બંને એકબીજીનો હાથ મજબૂતાઈથી દાબીને ધડકતા હૃદયે મનોમન ઈશ્ર્વરને વિનવણી કરવા લાગી.
ડોરકીપરે જાહ્નવીના નામનો પોકાર કર્યો. જાહ્નવીના હૃદયે જોર પકડ્યું. બસ, પળવારમાં જ બધું સ્પષ્ટ થઈ જવાનું હતું. જાનકીના હાથની મજબૂત પકડને હળવેકથી છોડાવતા જાહ્નવી ઊભી થઈ. તેજ ગતિથી બંધ થયેલા કોલ્ડ રૂમના બારણાની પાછળ જાહ્નવીની અદૃશ્ય થઈ ગઈ ત્યારે જાનકીને પ્રશ્ર્ન થયો: ‘જાહ્નવી બહાર આવશે ત્યારે તેના ચહેરા ઉપર હાસ્ય હશે કે આંસુ?’ કોલ્ડ રૂમમાંથી પરત આવનાર જાહ્નવીના ચહેરા ઉપર અંકિત મનોભાવ પર પોતાના અસ્તિત્વનું અવલંબન ટેકવતી જાનકી બેંચ ઉપર હાથને સખતાઈથી ભીડીને બેસી રહી.
કોલ્ડ રૂમમાં પ્રવેશતા જ કદી ન અનુભવ્યો હોય એવો શાંતિનો ભયાનક અનુભવ જાહ્નવીએ કર્યો. પોતાના શ્ર્વાસોશ્ર્વાસ વધી ચૂક્યા હતા કે પછી આ શબવત્ શાંતિને લીધે એ સ્પષ્ટ સંભળાતા હતા! જાહ્નવીએ નક્કી ન કરી શકી. ઠંડીના સુસવાટાથી જાહ્નવીએ ગાલ ઉપર થીજી ગયેલા આંસુમાં ચચરાટી જેવું અનુભવ્યું. ટયુબલાઈટના શ્ર્વેત પ્રકાશમાં ડોરકીપરે ત્રીજી લાઈનમાં છેલ્લું ડ્રોઅર ખેંચ્યું ત્યારે ઠંડીનો એક ગોટો ઘૂમરાઈને હવામાં ઓગળી ગયો. જાહ્નવીએ મોં જોવાની પરવાય ન કરી અને લાગલો જ એ શબનો જમણો હાથ પકડી લીધો. ટાઢા હીમ જેવા એ હાથને ફેરવી ફેરવીને જોયો. આંખોને દુપટ્ટાથી લૂછી ફરી એકવાર હાથનો તપાસ્યો.
આખા કોલ્ડ રૂમમાં હવે ટયુબલાઈટ નહીં, પરંતુ જાહ્નવીનો ચહેરો ઝળકી રહ્યો!
સુકેતુના જમણા હાથે બિલ્પપત્રનું ટેટૂ ત્રોફેલું હતું, જ્યારે જોયેલા મૃતકના જમણા હાથે તેવું કોઈ નિશાન ન હતું.
હળવીફૂલ થઈને જાહ્નવી હવાની ઠંડી લહેરખીની જેમ ઊડતી બહાર આવી. જાહ્નવીનો ખીલી ઊઠેલો ચહેરો જોતાં જ જાનકીને ફાળ પડી. અને એમાંય જ્યારે હર્ષાવેશમાં જાહ્નવીથી બોલી જવાયું કે ઈશ્ર્વરે મારી પ્રાર્થના સાંભળી ત્યારે તો જાનકીના પગ તળે બ્લાસ્ટ થયો. જાનકી નખશિખ ધ્રુજી ગઈ. અત્યાર સુધી સળગી રહેલી આશાની આછીપાતળી જ્યોત પર એક ફૂંક લાગતા જ ઓલવાઈ ગઈ.
જાનકીની આંખ સામે પોતાની જાત પણ ન પારખી શકાય એવું કાળું અંધારું છવાઈ ગયું. જાનકી ઢગલો થઈ ગઈ. જાહ્નવીના ખભે માથું ઢાળી એ ચોધાર આંસુએ રડી પડી.
ડોરકીપરે જાનકીના નામનો પોકાર કર્યો. પ્રાણ વગરના દેહ જેવું જાનકીનું શરીર માંડ માંડ બારણા તરફ ધકેલાયું.
કોલ્ડ રૂમમાં જવા ઉપાડેલો પગ હજી ફર્શને અડકે એ પહેલાં જ જાનકીનો મોબાઈલ રણક્યો. મોબાઈલમાં સૌમ્યના કોલનો જ સ્પેશિયલ રિંગટોન સંભળાતા જાનકીના દેહમાં અચાનક જાદુઈ ચેતન આવ્યું. ઊપડેલા પગને પૂર્વવત્ ગોઠવતાં મોબાઈલ સ્ક્રીન ઉપર જોયું તો સૌમ્યનું જ નામ ફ્લેસ થતું હતું. ફોન રિસીવ કરતાં જ સામેથી સિરિયલ બ્લાસ્ટ શરૂ થઈ ચૂક્યા છે. ગુડહોપ ટ્રેડ સેન્ટરના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલી ટી કેન્ટીનમાં બ્લાસ્ટ થયો ત્યારે સદ્નસીબે હું બહાર હતો. સાંભળ્યું છે કે થર્ડ ફલોર પર આવેલી જિનિયસ માર્કેટિંગ કંપનીના એમ. ડી. સુધીર કર્ણિકનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું છે. મારી ચિંતા ન કરતી હું સંપૂર્ણ સેફ છું અને બીજી એક દુ:ખની વાત છે કે આ બ્લાસ્ટમાં સુકેતુ ગંભીર રીતે ઈન્જર્ડ થયો છે. તેને લઈને હાલ હું જીવનજ્યોત હૉસ્પિટલ જાઉં છું. કદાચ રાતભર ત્યાં રોકાવું પડશે એટલે રાત્રે હું ઘેર નહીં આવી શકું. ટેક કેર. બાય.’
જાનકી બીજું આગળ કાંઈ પૂછે એ પહેલાં જ ફોન કટ થઈ ગયો. જાનકીના ચહેરા ઉપર ખુશી પથરાઈ ગઈ. જે આંખમાં હમણાં સુધી દર્દના આંસુ ટપકતાં હતાં તે આંખમાં હવે હર્ષાશ્રુ ઝળકી રહ્યાં. જાનકીએ જ્યારે સૌમ્ય ક્ષેમકુશળ હોવાના ખબર આપ્યા ત્યારે તો જાહ્નવી પણ સસ્મિત બોલી પડી: ‘ધ ગોડ ઈઝ ગ્રેટ. એન્ડ હી ઈઝ ફોર ઓલ.’
પ્રફુલ્લિત ચહેરે હરખાતી જાનકી અને જાહ્નવી ગેલેરીનો વળાંક વળીને બહાર જવાના રસ્તા તરફ વળી ગઈ ત્યાં સુધી ડોરકીપર તેમની પીઠને તાકીને ન સમજાયેલા કોયડાને ઉકેલતો રહ્યો.
ઘર તરફ જવાના રસ્તાને બગલે જાનકીએ પોતાની સ્કૂટીને જીવનજ્યોત રસ્તે વાળી ત્યારે તેને અનુસરીને જ ચાલી આવતી જાહ્નવીથી પૂછ્યા વગર ન રહેવાયું.
‘જાનકી, આ રસ્તો તો જીવનજ્યોત તરફ જાય છે ને?’
‘હા. આપણે ત્યાં જ જવાનું છે.’ કહી જાહ્નવી બીજું કાંઈ પૂછી બેસે એ પહેલાં જ જાનકીએ સ્કૂટીનું લિવર દાબ્યું.
જાહ્નવીને કાંઈ સમજાયું નહીં. તે ચૂપચાપ લોકોની ભીડ ચીરતી જાનકીને અનુસરતી રહી.
જીવનજ્યોત હૉસ્પિટલનું કમ્પાઉન્ડ લોકોથી ઊભરાયેલું હતું. ક્યાં ક્યાં બ્લાસ્ટ થયા એની ચર્ચાઓ અને અફવાઓથી વાતાવરણ ગરમ હતું. ઈમર્જન્સ વોર્ડના એક પછી એક રૂમ તપાસતી જાનકી આગળ આગળ ચાલતી હતી. દર્દથી કણસતા લોકોના ચિત્કાર હૈયું હચમચાવી દે તેવા હતા. ડૉક્ટરોની ટીમ ખડે પગે પીડિતોની સારવાર માટે સજ્જ હતી. પરિચારિકાઓની દોડાદોડી વાતાવરણને વધારે ગંભીરતાનો ઓપ દેતી હતી. જાનકીની પાછળ પાછળ દોરાયે જતી જાહ્નવી આવી ભયાનકતા જોઈ મનમાં વિચારતી હતી: ‘થેન્ડ ગોડ, ઈશ્ર્વરે મારી પ્રાર્થના સાંભળી, નહીંતર સુકેતુ પણ આમ ક્યાંય કણસતો પડ્યો હોત.’
એક વોર્ડ આગળ જાનકી અટકી. તેણે પાછળ જોયું. જાહ્નવી પાછળ જ હતી. એણે જાહ્નવીનો હાથ પકડયો. જાહ્નવીને ખેંચીને એ એક પલંગ પાસે દોરી લાવી જ્યાં સુકેતુ સૂતો હતો. પાટાથી વીંટળાયેલા સુકેતુને જોતાં જ જાહ્નવી ચિત્કારી ઊઠી જાણે પગ તળે ફરી વાર બ્લાસ્ટ થયો! જાહ્નવીના ચિત્કારથી સુકેતુ જાગી ગયો. તેણે આંખો ખોલી. હળવું હસ્યો. જાહ્નવી સામે નજર માંડી મૌન ઈશારાથી જણાવ્યું કે પોતે સલામત છે. ચિંતાનો કોઈ વિષય નથી. જાહ્નવી માથે પાસે જ બેસી પડી. સુકેતુના માથે હાથનો મુલાયમ સ્પર્શ થતાં તો સુકેતુથી બોલી પણ જવાયું: ‘જાહ્નવી, ડૉન્ટ વરી. સબ સલામત હૈ.’ અને સહેજ હળવું સ્મિત કરતાં ઉમેર્યું: ‘કેમ, બોલાવવા આવવું પડ્યુંને? મેં તમે કીધું હતું ને કે તું બોલાવીશ ત્યારે જ ઘરે આવીશ. તું તો રૂબરૂ આવી.’ જાહ્નવીએ ભીની આંખો લૂછતાં હળવેથી સુકેતુનો હાથ પોતાના હાથમાં લઈ ધીરેથી દાબ્યો અને ઈશારાથી મૌન રહેવા આદેશ આપ્યો.
જાહ્નવી અને સુકેતુ વચ્ચેના મૌન વાર્તાલાપને માણી રહેલી જાનકીની નજર ક્યારેક ક્યારેક આડુંઅવળું દોડીને સૌમ્યને ખોળવા મથી રહી હતી. સૌમ્ય ક્યાંય નજર આવતો ન હતો. આવી પરિસ્થિતિમાં સૌમ્ય વિશે સુકેતુને પૂછવું યોગ્ય નહોતું લાગતું. અંદરની અકળામણે જાનકીને અસ્વસ્થ કરી દીધી. ‘હું આવું છું’ કહેતી બે વખત બહાર લોબીમાં જઈ આવી. સૌમ્યને ફોન કરી જોયો. પણ દરેક વખતે ફોન સ્વિચ ઑફ્ફ હોવાનો મેસેજ મળતો રહ્યો.
અંતે અકળામણ એટલી હદે વધી ગઈ કે સુકેતુ સહેજ સ્વસ્થ જણાતા જ જાનકીએ પૂછી નાખ્યું: ‘સૌમ્ય કેમ નજરે નથી આવતો?’
‘એ તો મારે તમને પૂછવું જોઈએ’, સુકેતુએ જાણે કે પોતાની તરફ લાઈવ બૉમ્બ ફેંક્યો.
‘એ તો તારી સાથે આવ્યો હતોને?’ કહેતી જાનકી પલંગની સહેજ નજીક આવી. સુકેતુ થોડીવાર મૌન રહ્યો. બોલવામાં ઘણું દર્દ થઈ રહ્યું હતું છતાં પરાણે બોલ્યો: ‘ના, એ નથી આવ્યો.’
‘એણે તો કોલ કરીને કીધું હતું કે હું સુકેતુને લઈને જીવનજ્યોત હૉસ્પિટલ જાઉં છું,’ જાનકીની મૂંઝવણ હવે વધતી જતી રાત્રિની જેમ વધવા લાગી.
‘એ તદ્દન ખોટી વાત છે. સત્ય હકીકત તો એ છે કે મેં એને છેલ્લા ત્રણ દિવસથી જોયો પણ નથી,’ ઓઢાડેલી ચાદરને પગથી હળવો હડસેલો મારી દૂર કરતાં સુકેતુ બોલ્યો.
‘એ કેમ બને?’ જાનકીના ધબકારા ગતિ પકડી ચૂક્યા હતા.
‘ત્રણ દિવસ પહેલાં કંપનીમાંથી એને બરતરફ કરવામાં આવ્યો છે,’ એટલું બોલતા સુકેતુ થાકી ગયો. તેનું આખું શરીર જાણે કળવા લાગ્યું.
‘બરતરફીનું કારણ?’ એવું પૂછતાં તો જાનકીનો ચહેરો ભીના થઈ ગયેલા કાગળ જેવો બની ગયો.
‘ન જાણો તો સારું છે,’ સુકેતુ દર્દના ઊંહકારા સાથે પડખું ફરી ગયો. જાનકીને ચક્કર આવવા જેવું લાગ્યું. સુકેતુના પલંગ પાસેની સ્ટૂલ પર બેસી પડી. ક્યાંય સુધી ત્રણેયમાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં. લોકોની ભીડ શહેરમાં એક પછી એક થઈ રહેલા બ્લાસ્ટની વાતો કરતી હતી.
જાનકી હૉસ્પિટલની બહાર નીકળી ત્યારે અંધારું ઘણું ઘટ્ટ બની ચૂક્યું હતું. શરીરમાં થાક જેવું વરતાતું હતું. શહેર આખામાં ભયનું વાતાવરણ પથરાઈ ચૂક્યું હતું. રસ્તા ઉપરની સોડિયમ લાઈટો ઘટ્ટ બની રહેલા અંધકારને ઓગાળી એમાં ભળી રહેલા ભયના ઓથારને ઝાંખો કરવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી. એમ્બ્યુલન્સની સાઈરનો વાતાવરણને ભયાનકતા બક્ષતી હતી. જાનકી આખા રસ્તે સૌમ્યના બરતરફીના કારણ વિશે વિચારતી રહી. સૌમ્યની બરતરફીનું કારણ રક્ષન્દા તો નહીં હોય ને? અચાનક જાનકીની સ્કૂટીનું પૈડું રસ્તાની ધાર પર આવેલા ખાડામાં ઊતરી જતાં જોરદાર ગતિવિક્ષેપ અનુભવ્યો. માંડ માંડ સ્કૂટીના હેન્ડલ પર કાબૂ રાખી જાતને સંભાળી.
કંપનીની રિસેપ્શનિસ્ટ રક્ષન્દા અને સૌમ્યના સંબંધો વિશે જાનકીએ થોડા સમય પહેલાં સાંભળ્યું હતું અને એટલે જ કદાચ સુકેતુએ કહેવાનું ટાળ્યું હોય, બની શકે. જાનકી આગળ વિચારે એ પહેલાં જ રસ્તા ઉપર કોલાહલ સાંભળ્યો. શાંતિ ચોકમાં લોકોની ભીડ જમા થઈ હતી.
જાનકીએ સ્કૂટીને સાઈડ ઉપર લઈ જોયું તો આખા શાંતિ ચોકને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. સુરક્ષા જવાનો લોકોને ચોકથી દૂર રહેવા અપીલ કરતા હતા. પૂછતાં જાણવા મળ્યું કે ચોકની વચ્ચે મૂકેલા એડ્વર્ટાઈઝના બેનરના પોલ બોક્સમાં લાઈવ બોમ્બ મળ્યો હતો. બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડનો એક મેમ્બર બુલેટપ્રૂફ જેકેટ સાથે સજ્જ થઈ પોલ બોક્સ તરફ ડગલાં માંડી રહ્યો હતો. લોકો ભાગી શકવાની શક્યતાનું અનુમાન કરી લઈને અધ્ધર શ્ર્વાસે, બૉમ્બ ડિસ્પોઝરનાં નીડરતાથી પડી રહેલાં પગલાંને તાકી રહ્યા હતા. એ જ વખતે જાનકીની આંખો સામેના રસ્તા ઉપર ભીડને ચીરીને ભાગવા મથતા બાઈકચાલક ઉપર પડી. બાઈકચાલક બીજું કોઈ નહીં પણ સૌમ્ય જ હતો એ જાનકીએ બરાબર પારખી લીધું. બેસસીટ ઉપર સાવ અડોઅડ ચીપકીને બેઠેલી યુવતીનું મોં સોડિયમ લાઈટના અજવાળામાં અધકચરું ઓળખાયું ત્યાં જ કાનને ફાડી નાખે તેવો પ્રચંડ વિસ્ફોટ થયો. શાંતિ ચોકમાં ઊભેલા પોલ બોક્સના ચીંથરાં ઊડી ગયાં. ચોતરફ આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ. ધણધણી ઊઠેલા શાંતિ ચોકથી લોકો ડરના માર્યા ભાગ્યા. ચિત્કાર અને કોલાહલે વાતારવરણને ભરી દીધું. એમ્બ્યુલન્સની સાઈરનો ગુંજી ઊઠી.
પોતાના અસ્તિત્વના ઊડી ગયેલા ફુરચાને સંભાળતી જાનકી ક્યાંય સુધી ઊભી રહી… બસ, ઊભી જ રહી…