હાન્સ ઝિમર ટોચના હોલીવૂડ મ્યુઝિક કમ્પોઝરનું ભારતીય સિનેમામાં પદાર્પણ
જાણી લો, હોલીવૂડની સફળતમ ફિલ્મ્સના સંગીતકાર હાન્સ ઝિમરને
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
એમ તો એક કે બીજી રીતે વિદેશી પ્રસિદ્ધ સંગીતકારો ભારતીય ફિલ્મ્સ કે સંગીત સાથે ભૂતકાળમાં જોડાઈ જ ચૂક્યા છે, પણ જે
હાન્સ ઝિમરનું નામ હોલીવૂડની મોટામાં મોટી ફિલ્મ્સના બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરવા માટે પહેલી પસંદગી તરીકે ગણાતું હોય એ રામાયણ પર બનનારી ભારતીય ફિલ્મ માટે બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરે એ જરૂર ઉત્સુકતા વધારે તેવી ઘટના ગણાય
થોડા સમય પહેલાં કોઈ પણ અઠંગ સિનેપ્રેમીને ખુશ કરી દે તેવા એક સમાચાર આવ્યા. સમાચાર છે હાન્સ ઝિમર અને એ.આર. રહેમાન બન્ને નિતેશ તિવારી દિગ્દર્શિત ફિલ્મ ‘રામાયણ’ માટે સંગીત આપવાના છે.
સંગીત અને સિનેમા ક્ષેત્રે એ. આર. રહેમાનનું પ્રદાન અને સ્તર કેટલું છે એ તો ભારતીય દર્શકો જાણે જ છે, પણ હાન્સ ઝિમરની ઓળખ માટે એમ કહી શકાય કે એ હોલીવૂડના એ. આર. રહેમાન છે.
આ સમાચારમાં રોમાંચિત થઈ જવાય તેવી બે વાત છે.. એક: એ કે એમના જેવા વિશ્ર્વના ટોચના સંગીતકાર ભારતીય ફિલ્મ માટે સંગીત તૈયાર કરવાના છે અને બે: એ માટે એમનું કોલેબરેશમ થઈ રહ્યું છે બીજા દિગ્ગજ એ. આર. રહેમાન સાથે.
એમ તો એક કે બીજી રીતે વિદેશી પ્રસિદ્ધ સંગીતકારો ભારતીય ફિલ્મ્સ કે સંગીત સાથે ભૂતકાળમાં જોડાઈ જ ચૂક્યા છે, પણ જે
હાન્સ ઝિમરનું નામ હોલીવૂડની મોટામાં મોટી ફિલ્મ્સના બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરવા માટે પહેલી પસંદગી તરીકે ગણાતું હોય એ રામાયણ પર બનનારી ભારતીય ફિલ્મ માટે બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરે એ જરૂર ઉત્સુકતા વધારે તેવી ઘટના ગણાય.
નિતેશ તિવારીની આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. ફિલ્મ કેવી બને છે અને તેમાં વાર્તા, અભિનય અને સંગીત કેવા હશે
એ તો સમય સાથે જ ખબર પડશે., પણ અત્યારે તો આવા વિખ્યાત હાન્સ ઝિમર વિશે આ અવસરે વાત કરીએ.
કોણ છે હાન્સ ઝિમર? કેમ હાલના ગ્રેટેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક કમ્પોઝર્સમાં તેમની ગણના થાય છે?
તમે જો હોલીવૂડ ફિલ્મ્સના પાક્કા સિનેરસિક હશો તો હોલીવૂડની મેનસ્ટ્રીમ કમર્શિયલ ફિલ્મ્સની સફળતામાં એમના બેકગ્રાઉન્ડ સ્કોરના યોગદાન વિશે જરૂર માહિતગાર હશો. હા, સાઉન્ડટ્રેક કરતાં બેકગ્રાઉન્ડ સ્કોર માટે ઝિમરનું નામ વધુ પ્રચલિત છે.
હાન્સથી ઘણા સિનિયર એવા લેજન્ડ કમ્પોઝર જ્હોન વિલિયમ્સની સમકક્ષ પણ એમને ગણવામાં આવે છે.
૧૯૮૦થી મ્યુઝિક કમ્પોઝ કરતા ઝિમરને અત્યાર સુધીમાં ‘ધ લાયન કિંગ’ (૧૯૯૪) અને ડ્યુન’ (૨૦૨૧) માટે ઓસ્કર્સ એવોર્ડ્સ મળી ચૂક્યા છે. મૂળ જર્મનીના ઝિમર ટીનએજમાં હતા ત્યારે જ લંડન શિફ્ટ થઈ ગયેલા.
બચપણથી જ એમને ફિલ્મ્સ અને સંગીત પ્રત્યે આકર્ષણ. મમ્મી પણ સંગીતકાર, જ્યારે પપ્પા એક એન્જિનિયર હતા. ઝિમરના સંગીતપ્રેમનાં લક્ષણ એમનાં બચપણમાં પણ દેખાય છે. એમનું કહેવું છે કે હું નાનો હતો ત્યારથી જ પિયાનો વગાડવા ઉપરાંત તેમાં કંઈક ને કંઈક ફેરફાર કર્યા કરતો.
આ જોઈને સંગીતના જીવ એવાં મારી મમ્મી ખિજાઈ જતાં, પણ એન્જિનિયર જીવ પપ્પા બહુ જ ખુશ થતા. હું જયારે પિયાનોને સંગીત સિવાયના જ કોઈક અતરંગી સાધનો સાથે
જોડતો ત્યારે મારા પપ્પાને લાગતું કે ‘હું ટેક્નોલોજીમાં કંઈક નવતર કરું છું.’ કદાચ આ જ કારણે પછીથી ફિલ્મ્સમાં ઇલેક્ટ્રોનિક
મ્યુઝિક સાઉન્ડ્સને ટ્રેડિશનલ ઓર્કેસ્ટ્રા સાથે જોડીને સંગીત તૈયાર કરવા માટે ઝિમર જાણીતા બન્યા હશે.
ઝિમરે લંડનમાં અનેક બેન્ડ સાથે કામ કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી. એમણે મ્યુઝિક વીડિયોઝ, શોઝ અને એડ જીંગલ્સ માટે પણ સંગીત તૈયાર કર્યું. પછી એમણે સ્ટેન્લી માયર્સ નામના કમ્પોઝર સાથે ‘મૂનલાઈટનિંગ’ (૧૯૮૨), ‘માય બ્યુટીફૂલ લોન્ડ્રેટ’ (૧૯૮૫), ‘સક્સેસ ઇઝ ધ બેસ્ટ રિવેન્જ’ (૧૯૮૪) જેવી ફિલ્મ્સ માટે સ્કોર તૈયાર કર્યા, પણ એમની કારકિર્દીને નવું સ્તર મળ્યું ૧૯૮૮ની ફિલ્મ ‘રેઇન મેન’થી, કેમ કે ત્યારે એમને આમંત્રણ મળ્યું હોલીવૂડ દિગ્દર્શક બેરી લેવિન્સનનું. કોઈ પણ ક્ષેત્રે સફળતા મળતી હોય છે તેમાં નવું અને અલગ કામ કરવાથી. ‘રેઇન મેન’ એક રોડ મૂવી પ્રકારની ફિલ્મ હતી. એ માટે ત્યાં સુધીમાં વપરાતા પરંપરાગત ગિટાર સંગીતના બદલે ઝિમરે મુખ્ય પાત્ર માટે એક નવી જ દુનિયા સંગીતથી ઘડી કાઢી અને આ ફિલ્મ માટે એમને એકેડમી એવોર્ડ્સ માટેનું નોમિનેશન પણ મળ્યું.
હાન્સ ઝિમરની સફર એ પછી એક બાદ એક માઈલસ્ટોન ફિલ્મ્સ થકી આગળ વધતી ગઈ. તમને કદાચ એ ફિલ્મ્સ વિશે ખબર હશે, પણ હાન્સ ઝિમર વિશે ખબર નહીં હોય તો તરત જ મનમાં બોલી ઊઠશો : ઓહ! આ બધી ફિલ્મ્સનું પ્રભાવશાળી મ્યુઝિક આમનું છે?’
આ રહી યાદી : ‘ગ્લેડીયેટર’ (૨૦૦૦), ‘મિશન: ઇમ્પોસિબલ ૨’ (૨૦૦૦), ‘પર્લ હાર્બર’ (૨૦૦૧), ‘ધ લાસ્ટ સમુરાઈ’ (૨૦૦૩), ‘ક્રિસ્ટોફર નોલનની બેટમેન ટ્રિલજી’, ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન’ ફ્રેન્ચાઈઝની ત્રણ ફિલ્મ્સ, ‘ટ્રાન્સફોર્મર્સ’ સિરીઝની બે ફિલ્મ્સ, ‘શેરલોક હોમ્સ’ (૨૦૦૯), ‘ઇન્સેપ્શન’ (૨૦૧૦), ‘૧૨ યર્સ અ સ્લેવ’ (૨૦૧૩), ‘ધ અમેઝિંગ સ્પાઈડર-મેન ૨’ (૨૦૧૪), ‘ઇન્ટરસ્ટેલર’ (૨૦૧૪), ‘બેટમેન વર્સિસ સુપરમેન: ડોન ઓફ જસ્ટિસ’ (૨૦૧૬), ‘ડનકર્ક’ (૨૦૧૭), ‘ધ લાયન કિંગ’ (૨૦૧૯), ‘ડ્યુન’ (૨૦૨૧),નો ‘ટાઈમ ટુ ડાઇ’ (૨૦૨૧), ‘ટોપ ગન: મેવરિક’ (૨૦૨૨), વગેરે. અને આ યાદી તો છે ફક્ત ભારતીય દર્શકોની જીભે ચડેલી અતિશય પ્રચલિત ફિલ્મ્સની. હોલીવૂડમાં હાન્સ ઝિમરનું નામ ટોચ પર લેવાય છે તેનું કારણ ત્યાંની ફિલ્મ્સમાં રહેલા બેકગ્રાઉન્ડ સ્કોરના મહત્ત્વ અને કમ્પોઝરના સેલિબ્રિટી સ્ટેટ્સનું પણ છે.
અમેરિકન ફિલ્મ્સ અને ભારતીય ફિલ્મ્સમાં સંગીતના વપરાશ વચ્ચે એક મોટો તફાવત
રહેલો છે. હોલીવૂડ ફિલ્મ્સમાં બેકગ્રાઉન્ડ સ્કોર જ સંગીત હોય છે. હા, તેમાં જરૂર મુજબ ગીતોની પંક્તિઓ પણ આવે છે, પણ એ તૈયાર હોવા છતાં ફિલ્મ્સમાં મુખ્યત્વે આખાં ગીતો મૂકવાની પરંપરા નથી. જયારે ભારતીય ફિલ્મ્સમાં ગીતો એટલે જ સંગીત. જેના કારણે બેકગ્રાઉન્ડ સ્કોર અને કમ્પોઝર્સ એની આડશમાં રહી જાય છે. આ જ કારણસર ઝિમર જેવા પ્રતિભાશાળી બેકગ્રાઉન્ડ સ્કોર કમ્પોઝરને અમેરિકામાં આટલી ખ્યાતિ મળે છે.
‘ગ્લેડીયેટર’ના દિગ્દર્શક રિડ્લી સ્કોટ ઝિમર વિશે કહે છે : હું જયારે એનું સંગીત
સાંભળું ત્યારે મારે આંખ બંધ કરવાની જરૂર નથી પડતી, કેમ કે મારે જેવાં ચિત્રો એના સંગીત થકી જોવા હોય એ મને તરત જ ખુલ્લી આંખે પણ મળી જાય છે.’ ફક્ત સ્કોટ જ નહીં, હોલીવૂડના અનેક ધુરંધરો ઝિમરના વખાણ કરતા રહે છે અને વારંવાર એમની સાથે કામ કરતા રહે છે.
હાન્સ ઝિમરે રિડ્લી સ્કોટ ઉપરાંત ક્રિસ્ટોફર નોલન, માઈકલ બે, ગાય રીચી જેવા અનેક ડિરેક્ટર્સ સાથે એકથી વધુ વખત કામ કર્યું છે.
હાન્સ ઝિમરની સંગીત ક્ષમતા અને અનેક ફિલ્મ્સના આઇકોનિક સંગીત પર કામ કરવાના અનુભવ પર તો હજુ ઘણી વાત થઈ શકે તેમ છે, પણ એની વાત કરીશું ફરી ક્યારેક.
લાસ્ટ શોટ
૨૦૦૭માં ‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ની ટોપ ૧૦૦ ‘લિવિંગ જીનિયસ’ ની યાદીમાં હાન્સ ઝિમરને પણ સ્થાન મળ્યું છે !