‘રંજિશ હી સહી દિલ કો દુ:ખાને કે લીએ’ આ સત્ય ઘટનાથી પ્રેરિત વેબસિરિઝ દાસ્તાન-એ-બાસ્ટર્ડ છે
ફિલ્મનામા -નરેશ શાહ
‘આઈ એમ એ બાસ્ટર્ડ’
પોતાની જાતને નાજાયઝ યા હરામજાદા તરીકે બેધડક ઓળખાવનારાં બંડખોર અને બેબાકપણે ફિલ્મો (સારાંશ, નામ, અર્થ, ઝખમ, કાશ વગેરે) બનાવનારાં ગુજરાતી દિગ્દર્શક મહેશ ભટ્ટ અન્ય કોઈની લાઈફ પરથી પ્રેરિત થઈને ફિલ્મો બનાવવા માટે કાયમ ચર્ચામાં રહ્યાં હતા. તેમણે કાશ ફિલ્મ રાજેશ ખન્ના – ડિમ્પલ કાપડીઆના દામ્પત્યજીવન પરથી બનાવેલી હતી તો અર્થ અને ઝખમ ફિલ્મમાં તેમની જ જિંદગીનો પડછાયો હતો પણ… દિગ્દર્શક તરીકે રિટાયર્ડ થઈ ગયા પછી તેમણે પોતાની જાત પર જ જૂગટું રમી નાખ્યું, જેનું નામ છે: રંજિશ હી સહી
વુટ-હોટસ્ટાર પર સ્ટ્રીમ થયેલી ‘રંજિશ હી સહી’ વેબસિરિઝમાં માત્ર નામફેર સાથે તેમણે પોતાની અને પરવીન બાબીના રિલેશનની જ કથા બયાન થવા દીધી છે. એ તો જાણીતી વાત છે કે પિતા નાનાભાઈ ભટ્ટના લગ્ન ઉપરાંતના એક સંબંધથી જન્મેલાં સંતાન એટલે મહેશ ભટ્ટ.
મહેશ ભટ્ટના માતા મુસ્લિમ હતા. મહેશ ભટ્ટે અનાથાશ્રમમાં ઉછરેલી યુવતી સાથે લગ્ન ર્ક્યા હતા અને તેનું નામ (લગ્ન પછી) કિરણ રાખવામાં આવ્યુ હતું. મહેશ ભટ્ટ અને કિરણે પ્રથમ સંતાનને જન્મ આપ્યો તે પૂજા ભટ્ટ.
પૂજા ભટ્ટના જન્મ પછી મહેશ ભટ્ટ પરવીન બાબીના સંપર્કમાં આવ્યા ત્યારે પરવીન બાબી અને કબિર કેદીની રિલેશનશીપ બે્રકઅપના આરે પહોંચી ગઈ હતી. કબીર બેદી સાથેના સંબંધ તૂટવા
પાછળ પણ પરવીન બાબીની પઝેશિવનેશ (અધિકારભાવ) વધુ જવાબદાર હતો. મહેશ ભટ્ટ મળતાંની સાથે જ પરવીન બાબીનો અધિકાર ભાવ ટ્રાન્સફર થઈને મહેશ ભટ્ટમાં રોપાયો. બન્ને ઘણાં વરસો સુધી સાથે રહ્યાં. શરૂમાં મહેશ ભટ્ટે પરવીન બાબીથી પીછો
છોડાવીને પોતાનું અને કિરણનું દામ્પત્યજીવન ટકાવવા ખુબ પ્રયત્ન કરેલો પરંતુ…
મહેશ ભટ્ટથી દૂરી સહન ન થતાં પરવીન બાબીએ સ્યૂસાઈડ એટેમ્પટ કરેલો ત્યારે જ મહેશ ભટ્ટને ખબર પડેલી કે પરવીન બાબી સ્ક્રોઝોફેનિયા (માનસિક બિમારી)થી પીડાય છે. પરવીનને સધિયારો મળી રહે અને તેની માનસિક બિમારી વકરે નહીં એ વાસ્તે મહેશ ભટ્ટ પરવીન બાબીની વધુ નજીક રહેલાં અને તેમાં તેમનું કિરણ (પૂજા ભટ્ટની માતા) સાથેનું લગ્નજીવન ખોરંભે ચડી ગયેલું.
રંજિશ હી સહી સિરિઝની આ જ કથા છે. બેશક તેમાં નામ અલગ છે. મહેશ ભટ્ટ, શંકર છે તો પરવીન બાબી આમના પરવેઝ છે. કિરણ અંજુ બની છે તો પૂજા અહીં આરતી છે. મુકેશે ગણેશ નામ ધારણ ર્ક્યું છે. સ્ટ્રગલર શંકર વત્સની મુસ્લિમ માતા રુખસાર ઝરીના વહાબ છે તો પિતા (નાનાભાઈ ભટ્ટ) તરીકે આપણા ગુજરાતી અભિનેતા રસિક દવે છે. મહેશ ભટ્ટની ચોથી ફિલ્મનું નામ ‘લહુ કે દો રંગ’ હતું તો રંજિશ હી સહી સિરિઝના ફલોપ ડિરેકટર શંકર વત્સની ચોથી ફિલ્મનું નામ પણ ‘દો રંગ’ છે… ચાર ચાર ફલોપ ફિલ્મ આપ્યાં પછી શંકર વત્સને (પત્ની પાસે પહોંચી ગયેલી પ્રેયસી-અભિનેત્રીના પ્રસંગ પછી) એક કહાની મળી જાય છે અને (રિઅલ લાઈફમાં) મહેશ ભટ્ટ પાંચમી ફિલ્મ બનાવે છે: અર્થ.
પુષ્પદીપ ભારાજે (જલેબી-સડકના રાઈટર) લખેલી અને ડિરેકટ કરેલી ‘રંજિશ હી સહી’ વેબસિરિઝના ક્રિએશનની ક્રેડિટ ખુદ મહેશ ભટ્ટની છે અને સ્વીકારવું રહ્યું કે સંદર્ભો માટે ‘રંજિશ હી સહી’ એક ઈમાનદાર કોશિશ છે. મહેશ ભટ્ટ મોટાભાગે બ્લેક શર્ટ જ પહેરે છે તો શંકર વત્સ (તાહિર રાજ ભસીન) પણ મોટાભાગે કાળા રંગના શર્ટ જ પહેરે છે.
પરવીન બાબીનો મૃતદેહ બેત્રણ દિવસ પછી (બંધ ફલેટમાંથી) મળેલો અને ડાયાબિટીસ તેમજ બીજી બિમારીના કારણે તે સ્થૂળ થઈ ગયેલી. પગના આંગળા સડી ગયેલાં. ‘રંજિશ હી સહી’ ની આમના પરવેઝ (અમલા પૌલ)ની લાશના પણ પગના આંગળા સડી ગયેલા દેખાડવામાં આવ્યા છે. પરવીન બાબીએ સ્ક્રીઝોફેનિયાની સારવાર લેતાં લેતાં રમેશ સિપ્પીની શાન ફિલ્મ કરેલી તો સિરિઝમાં આમના પરવેઝ શાનની જ પંક્તિઓ બોલતાં-બોલતાં શૂટીંગ કરતી દેખાડવામાં આવી છે.
રંજિશ હી સહી વેબસિરિઝ નિશંકપણે મહેશ ભટ્ટના દૃષ્ટિકોણ અને નેરેશન પરથી બની છે, તેથી આપણને આમના પરવેઝ (પરવીન બાબી) ના વર્ઝનના માલુમાત મળતાં નથી. શંકર વત્સનો એક ડાયલોગ છે : મેં મારી (પતિ વગર રહેતી) માને જોઈ છે. મારી મા પણ નહીં ઈચ્છે કે મારી પત્ની તેની જેમ રહે અને હું પણ નથી ઈચ્છતો કે, હું મારા પિતા જેવો બનું (એ અલગ વાત છે કે પરવીન બાબી પછી મહેશ ભટ્ટે સોની રાઝદાન સાથે લગ્ન ર્ક્યા અને આલિયા ભટ્ટના પિતા પણ બન્યાં )
વેબસિરિઝ જોતા આપણને શંકર વત્સ (મહેશ ભટ્ટ) વખાનો માર્યો, બદનસીબ અને લાચાર હોવાની છાપ ઉપસે છે. સ્ક્રીઝોફેનિયાથી પીડાતી આમના પરવેઝ (પરવીન બાબી) માટે જાણે (પ્રેમ નહીં) માત્ર સહાનુભૂતિ હોય એવી આભા ઉભી થાય છે પરંતુ વેબસિરિઝનું નામકરણ તો આમના પરવેઝ (પરવીન બાબી) ને જ સમર્પિત કરવું હોય તેમ રાખવામાં આવ્યું છે. અહમદ ફરાઝની લખેલી આખી ગઝલ (મહેંદી હસનના સ્વરે તેને અત્યાધિક લોકપ્રિય બનાવી છે) જાણે પરવીન બાબીની (મહેશ ભટ્ટ માટેની તડપ-ઝંખનાની) વેદનાને જ બયાન કરે છે: રંજિશ હી સહી, દિલ કો દુ:ખાને કે લીએ, આ ફિર સે મુઝે છોડ કે જાને કે લીએ.
આમના પરવેજ વેબસિરિઝમાં અને વાસ્તવિક લાઈફમાં પરવીન બાબી પણ એ જ ઝંખતી હતી : જૈસે તુઝે આતે હૈ, ન આને કે બહાને, ઐસે હી ક્સિી રોજ ન જાને કે લિએ આ… રંજિશ હી સહી.