આમિરનું આત્મનિરીક્ષણ
‘લાલસિંહ ચઢ્ઢા’ને દર્શકોએ જાકારો આપ્યા પછી નિર્માતા - દિગ્દર્શક અને અભિનેતા દર્શકોને કશુંક નોખું આપવા સજ્જ થઈ રહ્યો છે
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
‘લાલસિંહ ચઢ્ઢા’ ફિલ્મની સરિયામ નિષ્ફળતા પછી આમિર ખાનએ પરિવાર સાથે સમય વિતાવવો છે એવું કારણ આપી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. લોકોને કહેવા માટે કારણ આરામનું આપવામાં આવ્યું હતું, હકીકતમાં હતાશા જવાબદાર હતી. ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેકને બોક્સ ઓફિસ પર મળેલી સરિયામ નિષ્ફળતાથી આમિર ખાન અકળાઈ ગયો હતો. એ પહેલા રિલીઝ થયેલી વિજય કૃષ્ણ આચાર્યની અમિતાભ બચ્ચન સાથેની ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ પણ પીટાઈ ગઈ હતી. છેલ્લાં ૨૫ વર્ષમાં સફળ અને નોંધપાત્ર ફિલ્મો આપનારા મિસ્ટર પરફેક્શનિસ્ટ માટે આ પછડાટ પચાવવી મુશ્કેલ હતી. આવી પરિસ્થિતિમાં ફેર વિચારણા કરવી એ યોગ્ય વિકલ્પ ગણાય અને આમિર ખાન એ જ રસ્તે વળ્યો. આમિરની ભૂતપૂર્વ પત્ની અને તેની ફિલ્મ પ્રક્રિયા સાથે નિકટથી સંકળાયેલી કિરણ રાવએ આપેલું નિવેદન અભિનેતા – નિર્માતા અને દિગ્દર્શકની અકળામણને સમર્થન આપે છે. તેણે કહ્યું છે કે ‘બોક્સ ઓફિસ પર સફળતા મેળવવા ટેવાયેલા અને ૩૫ વર્ષથી સાતત્યપૂર્વક ફિલ્મો કરી રહેલા કલાકાર માટે આ નિષ્ફળતા સહન કરવી અઘરી હતી. આત્મનિરીક્ષણ કરવું એના માટે જરૂરી હતું. આમિરે જાતે જ એક પગલું પાછળ ભરી પોતે જે કંઈ કરી રહ્યો છે એનો ફેરવિચાર કરવાનું નક્કી કર્યું હતું.’ આ પ્રક્રિયા પૂરી કરી આમિર ખાન ફરી ફિલ્મો કરવા માટે સજ્જ થયો છે. ફિલ્મનું નિર્માણ કરવાની સાથે એમાં રોલ કરવા ઉપરાંત રાજકુમાર હિરાણી જેવા કાબેલ દિગ્દર્શક સાથે કામ કરવા થનગની રહ્યો છે. આ પ્રયાસો તેને કેવી સફળતા અપાવશે એ તો સમય આવ્યે ખબર પડશે, પણ આમિર અલગ પ્રયાસ કરવા તૈયાર થયો છે એવું ચિત્ર જરૂર ઊપસે છે.
આમિર ખાનનું નામ હાલના તબક્કે મહત્ત્વની ત્રણ ફિલ્મ સાથે સંકળાયું છે. આ નાનકડી યાદીમાં સૌથી મહત્ત્વનું અને વજનદાર નામ છે રાજકુમાર હિરાણીનું. ‘થ્રી ઈડિયટ્સ’ અને ‘પીકે’ એમ બે ફિલ્મ બંનેએ સાથે કરી છે અને બેઉને દર્શકોનો બહોળો આવકાર મળ્યો હતો. ૧૦ વર્ષ પછી (‘પીકે’ ૨૦૧૪માં આવી હતી) દિગ્દર્શક – અભિનેતા ફરી એક નજરાણું પેશ કરે એવી સંભાવના ઉજળી છે. અહેવાલ અનુસાર શ્રીમાન હિરાણીએ બાયોપિકનો વિચાર આમિરને સંભળાવ્યો છે અને અભિનેતાને એ બહુ જ પસંદ પડ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણકારી ધરાવતી વ્યક્તિએ આપેલી માહિતી અનુસાર ‘આમિર અને હિરાણી એકબીજા માટે કેવો આદર ધરાવે છે, બંનેને એકબીજા માટે કેવો લગાવ છે એ બહુ જાણીતી વાત છે. શાહરુખ સાથેની ‘ડંકી’ પૂરી થયા પછી રાજકુમાર હિરાણી આમિર ખાન સાથે ફિલ્મ કરવા ઉત્સુક હતા. વિચાર – વિમર્શ સુધ્ધાં થયા હતા અને હવે એક વિષય એવો મળ્યો છે જે બંનેને પસંદ પડ્યો છે.’ આ ફિલ્મની એક મહત્ત્વની વાત એ છે કે હિરાણીની પહેલી ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’થી એની સર્જન પ્રક્રિયા સાથે સતત સંકળાયેલા રહેલા વિધુ વિનોદ ચોપડાનું નામ ‘ડંકી’માં ગાયબ હતું. આમિર સાથેની ફિલ્મના નિર્માણ અને લેખનકાર્ય સાથે વિધુ વિનોદ ચોપડાનું નામ જોડાયેલું હશે. હિરાણીની અગાઉની ફિલ્મો જેવી સફળતા ‘ડંકી’ને ન મળી એ માટે વિધુ વિનોદ ચોપડાની ગેરહાજરીનું કારણ પણ આપવામાં આવ્યું હતું.
રાજકુમાર હિરાણી ઉપરાંત રાજકુમાર સંતોષી સાથે પણ આમિર ખાન ફિલ્મ કરી રહ્યો છે. ફિલ્મનું નામ છે ‘લાહોર ૧૯૪૭’ જેમાં અભિનય કરવા ઉપરાંત એના નિર્માણની જવાબદારી પણ આમિરે સંભાળી છે. ગયા વર્ષે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી ‘ગદર ૨’ની જેમ રાજકુમાર સંતોષીની ફિલ્મમાં પણ દેશભક્તિનું રસાયણ છે અને સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી એ બે દિવસ ભારતવાસીઓના હૃદયમાં દેશભક્તિની ભરતી આવતી હોય છે અને આ ભરતીના મોજા પર સવાર થવાના ઈરાદા સાથે ‘લાહોર ૧૯૪૭’ ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ના દિવસે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મનું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે અને જુલાઈ સુધીમાં પૂરું કરવાની ધારણા છે. ૩૦ વર્ષ પહેલા સંતોષીએ આમિર – સલમાન સાથે ‘અંદાજ અપના અપના’ બનાવી હતી જે પછી કલ્ટ ફિલ્મ તરીકે પ્રખ્યાત થઈ હતી. ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી અને સનીનો પુત્ર કરણ દેઓલ સુધ્ધાં છે. ફિલ્મ ચર્ચાનો વિષય જરૂર બની છે અને રાજકુમાર સંતોષી કુશળ દિગ્દર્શક તરીકે નામના ધરાવે છે, પણ ૨૦૨૫માં દેશભક્તિને દર્શકો કેવો આવકાર આપશે એ અટકળનો વિષય છે.
‘ડિસ્લેક્સિયા’ જેવી સમસ્યા કેન્દ્રમાં રાખી આમિર ખાનએ ૨૦૦૭માં ‘તારે ઝમીં પર’ નામની સંવેદનશીલ ફિલ્મ બનાવી હતી જેને ખૂબ પ્રશંસા મળી હતી. હવે ‘ડાઉન સિન્ડ્રોમ’ (શારીરિક અને માનસિક સમસ્યા) વિષય પર આમિર ખાનએ ‘સિતારે ઝમીં પર’ ફિલ્મનું નિર્માણ કર્યું છે. ‘તારે ઝમીં પર’માં ડિસ્લેક્સિયાથી પીડાતા બાળકની અફલાતૂન ભૂમિકા કરનાર દર્શીલ સફારી ‘સિતારે જમીં પર’માં પણ છે અને આમિર ખુદ એક મહત્ત્વના રોલમાં નજરે પડશે. બંને ફિલ્મમાં માનવ સમસ્યા કેન્દ્રમાં છે, પણ આમિરે કરેલી સ્પષ્ટતા અનુસાર ‘તારે ઝમીં પર’ ફિલ્મએ દર્શકોને જેટલા રડાવ્યા એટલા જ પ્રમાણમાં ‘સિતારે ઝમીં પર’ ફિલ્મ દર્શકોને ખડખડાટ હસાવશે. ટૂંકમાં આ હલકી ફુલકી ફિલ્મ હશે અને આ બાબત ફિલ્મનું જમા પાસું સાબિત થઈ શકે છે. આ ફિલ્મ ક્રિસમસમાં રિલીઝ કરવાની ગણતરી છે. અલબત્ત માનવીય સમસ્યાની રજૂઆતમાં લોકોને હસાવવા એ નાજુક બાબત છે. હસાવવા જતા હાસ્યાસ્પદ અને પછી ટીકાસ્પદ ન બની જવાય એની અત્યંત સાવચેતી રાખવી જરૂરી હોય છે. અલબત્ત આ બાબતે આમિરની સજાગતા ઉચ્ચ કક્ષાની હશે એ નિર્વિવાદ બાબત છે.
આ ત્રણ ઉપરાંત આમિર ખાન ‘પ્રીતમ પ્યારે’ અને ‘હેપ્પી પટેલ’ નામના બે પ્રોજેક્ટ સાથે પણ સંકળાયેલો છે. આમિરએ ’પ્રીતમ પ્યારે’ પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે કારણ કે તેનો પુત્ર જુનેદ ખાન આ ફિલ્મ સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લઈ રહ્યો છે. ફિલ્મમાં એ અભિનય કરશે એવી વાત અગાઉ વહેતી થઈ હતી, પણ ખુદ આમિર ખાને જ એ વાતને રદિયો આપ્યો છે. ‘જુનેદ બોલિવૂડમાં એક્ટર તરીકે નહીં પણ મારા પિતાશ્રી (તાહિર ખાન)ની જેમ નિર્માતા તરીકે પહેલું પગલું ભરી રહ્યો છે. ‘પ્રીતમ પ્યારે’ એ પ્રીતમ અને પ્યારે નામના બે ભાઈની કથા છે જે દર્શકોને મોજ કરાવશે,’ આમિરે સ્પષ્ટતા કરી છે. નોંધવાની વાત એ છે કે ફિલ્મમાં આમિર એક કેમિયો (૪ – ૫ સીનની નાનકડી ભૂમિકા) કરી રહ્યો છે. એક્ટર વીર દાસની ‘હેપ્પી પટેલ’નું નિર્માણ પણ આમિર ખાન કરી રહ્યો છે. ભાણીયા ઈમરાન ખાનને ચમકાવતી આ ફિલ્મમાં પણ આમિર એક નાનકડા રોલમાં નજરે પડશે.