હવે બોરીવલી મારું પહેલું ઘર છે: પીયૂષ ગોયલ
ઉત્તર મુંબઈ મારી કર્મભૂમિ બની રહેશે એવી ખાતરી આપી
મુંબઈ: બોરીવલી હવે મારું પહેલું ઘર છે અને હું અહીં મારા હાથે કંઈક સારું કરવા આવ્યો છું, એમ જણાવતાં ઉત્તર મુંબઈ લોકસભા મતદાર સંઘના ભાજપ અને મહાયુતિના ઉમેદવાર પીયૂષ ગોયલે તેમની નમો યાત્રા દરમિયાન એવી ખાતરી આપી હતી કે ઉત્તર મુંબઈ વિસ્તાર મારી કર્મભૂમિ બની રહેશે.
નમો યાત્રા દરમિયાન નાગરિકો તરફથી મળેલા અપાર પ્રેમ અને સ્નેહ વિશે પુછવામાં આવ્યું ત્યારે પિયુષ ગોયલે કહ્યું હતું કે બોરીવલીએ મને, મારા પરિવારને અને અમે બોરીવલીના લોકોનો અમારા જીવનમાં સ્વીકાર કર્યો છે. ઉત્તર મુંબઈમાં તેમના પ્રચાર દરમિયાન મુંબઈગરાએ બતાવેલા પ્રેમથી તેઓ અભિભૂત છે, મુંબઈગરાએ જે પ્રેમ મારી પર વરસાવ્યો છે તે મોદીજી માટે છે અને સીધો તેમની પાસે જઈ રહ્યો છે.
પ્રચાર દરમિયાન પિયુષ ગોયલે, વિદ્યાર્થીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વકીલો, વેપારીઓ, સ્ટોક બ્રોકર્સ, શિક્ષકો, ઓટો ડ્રાઇવર્સ, હોકર્સ, હમાલ-કુલીઓ, રેલવે પ્રવાસીઓ વિવિધ પ્રકારના વેપારીઓ, રહેણાંક સોસાયટીઓના રહેવાસીઓને સંબોધિત કર્યા.
આ પણ વાંચો : ઉત્તર મુંબઈમાં ટ્રાફિક જામના કાયમી ઉકેલ માટે દરખાસ્ત: પીયૂષ ગોયલ
આ મતવિસ્તારના વિવિધ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને, સમાજના તમામ વર્ગો માટે વિશેષ યોજનાઓ પાઇપલાઇનમાં છે. એમ તેમણે કહ્યું હતું.
પિયુષ ગોયલે ઉત્તર મુંબઈ મતવિસ્તાર માટે ઘણી યોજનાઓ પણ પ્રસ્તાવિત કરી છે. માછીમારો હોય કે ફેરિયાઓ, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો હોય કે રેલવે મુસાફરો હોય કે સોસાયટીઓમાં રહેતા રહેવાસીઓ હોય, તેઓ બધા ટ્રાફિકની ભીડનો સામનો કરે છે અથવા સારી આરોગ્ય સંભાળ સેવાની રાહ જુએ છે. આ બધા માટે કોઈ નક્કર યોજનાની આવશ્યકતા છે જ. આ સંદર્ભે મલાડ અને બોરીવલી દરિયા કિનારે આવેલાં ગામડાઓ, વિવિધ યુનિયનો, ઔદ્યોગિક સંગઠનો, વિવિધ સમુદાયો અને હજારો કામદારો સાથે પણ વાતચીત કરી હતી.
પિયુષ ગોયલે કહ્યું હતું કે આ મતદારસંઘના પ્રતિનિધિ અને સરકારના ઘટક તરીકે હું ઉત્તર મુંબઈના વિકાસ અને પ્રગતિની તમામ સમસ્યાઓના નિરાકરણ માટે નિષ્ઠાવાન પ્રયાસો કરવામાં કોઈ કસર છોડીશ નહીં.